એનર્જેટિક ફીલ કરવા કૉફી પીઓ છો? તો એનર્જીનો ઊભરો બહુ જલદી શમી જશે

28 January, 2025 08:56 AM IST  |  Mumbai | Rajul Bhanushali

બૉલીવુડ ઍક્ટર વરુણ ધવને એક પૉડકાસ્ટમાં કૉફીને ફેક એનર્જી ગણાવી હતી અને ખાલી પેટે એ ન લેવી જોઈએ એમ કહેલું. કૉફી એ યંગસ્ટર્સનું સૌથી લોકપ્રિય પીણું બની રહ્યું છે ત્યારે જાણીએ કૉફી શા માટે નકલી એનર્જી છે

વરુણ ધવન

સોશ્યલ મીડિયા પર કંઈક ને કંઈક નવું-નવું આવતું જ રહે છે. હમણાં એક પૉડકાસ્ટમાં વાત-વાતમાં વરુણ ધવને કહ્યું હતું કે કૉફી ઇઝ ફેક એનર્જી. કદી ખાલી પેટે સવારે ઊઠીને કૉફી ન પીવી જોઈએ. વરુણે પોતાનો અનુભવ વર્ણવતા કહેલું કે જ્યાં સુધી તમે ત્રીસીની અંદર છો ત્યાં સુધી તમને ખાલી પેટે કૉફી ગટગટાવવાની કેટલી આડઅસરો છે એ ખબર નહીં પડે. જેવી ઉંમર વધે છે એમ કૉફીની આપણા મેટાબૉલિઝમ પર માઠી અસરો દેખાવી શરૂ થાય છે.

આપણે સાંભળતા આવ્યા છીએ કે દિવસમાં એકાદ-બે કપ કૉફી પીએ તો કંઈ જ નુકસાન થતું નથી. ક્યારેક એવું થાય કે અતિશય થાક લાગ્યો હોય ત્યારે એક કપ કૉફી પી લેવાથી ફ્રેશ ફીલ થવા માંડે છે, થાક ઊતરી જાય છે. આળસ કે ઊંઘ ઊડી જાય છે. ટૂંકમાં એક કપ કૉફી પીવાથી મૂડ મજાનો થઈ જાય એવો અનુભવ તો આપણામાંથી ઘણાનો રહ્યો હશે. પણ સાથે એ પણ ઑબ્ઝર્વ કર્યું જ હશે કે કૉફીને કારણે અચાનક જ જે એનર્જેટિક ફીલ મળી હતી એ બહુ લાંબી ટકતી નથી. શું આ જ કારણ છે કે લોકો કૉફીને ફેક એનર્જી કહેતા હશે? એવું કારણ શું હોઈ શકે એ એક્સપર્ટ પાસેથી જાણવાનો અમે પ્રયત્ન કર્યો.

ચેમ્બુર બેઝ્ડ હોમિયોપૅથ ડૉક્ટર ડૉ. ઈશા ચંદન કહે છે, ‘કૉફી સ્ટિમ્યુલન્ટની કૅટેગરીમાં આવે છે. સ્ટિમ્યુલન્ટ એટલે એવો પદાર્થ અથવા ડ્રગ જે તમારી નર્વસ સિસ્ટમ અને બ્રેઇનને ઍક્ટિવેટ કરે છે. અલર્ટ બનાવે છે. વધારે એનર્જી આપે છે. આ સડન અલર્ટનેટ ક્રીએટ થવાનું કારણ કૉફીમાં રહેલો મેઇન પદાર્થ એટલે કે કૅફીન છે. કૅફીન તમારા શરીરમાં જઈને તમને તાત્કાલિક એનર્જી આવી ગઈ હોય એવું ફીલ કરાવે છે. સ્પેશ્યલી જ્યારે તમે સ્લીપ ડિપ્રાઇવ્ડ હો, સખત થાકેલા હો. તમે એકદમ જાગી જાઓ. થકાવટ છૂ થઈ ગઈ છે એવું લાગવા માંડે. ટૂંકમાં તમને ગુડ ફીલ થવા લાગે. આમ કૉફી પીધા પછી ફ્રેશ ફીલ થવાનું કારણ શું? આવું શું કામ થાય છે? ઍક્ચ્યુઅલી કૉફીમાં રહેલું કૅફીન બ્રેઇનમાં રહેલા અડેનોસીન નામના પદાર્થનાં રિસેપ્ટર્સ બ્લૉક કરે છે. અડેનોસીનનું મુખ્ય કામ ઊંઘને પ્રમોટ કરવાનું છે. એ તમને રિલૅક્સ કરે અને પછી તમને સરસ મજાની ઊંઘ આવી જાય. કૅફીન આ રિસેપ્ટર્સને બ્લૉક કરી નાખે છે. એનો અર્થ એ કે એનું કામ ઓછું થઈ જાય. એ એટલું કામ નથી કરી શકતું જેટલું એને કરવું જોઈએ. એટલે પછી સડન્લી તમને એવું લાગે છે કે જાણે ઊંઘ નથી આવી રહી. એનર્જેટિક ફીલ થવા માંડે. તમને એવું લાગે કે તમે ઘણુંબધું કામ કરી શકશો, પરંતુ આ રિયલ એનર્જી નથી. તમારી બૉડીને કન્વિન્સ કરવામાં આવે કે તમારી પાસે એનર્જી છે. એડિનોસિનનાં રિસેપ્ટર્સ બ્લૉક થઈ ગયાં છે એટલે મગજ શરીરને એવો સંદેશ આપે છે. આ જ કારણે કૉફી પીવાથી મળતી એનર્જીને ફેક એનર્જી કહેવામાં આવે છે. આપણે જે કંઈ ફ્રેશ ખાઈએ પીએ એના કારણે શરીરમાં જે શક્તિ ઉત્પન્ન થાય અને એનર્જી મળે એ રિયલ એનર્જી હોય. કૉફીને કારણે મળતી ફેક એનર્જી ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી કૉફીની અસર રહેશે. અસર ઊતરવા લાગશે એટલે ફરી તમને વધુ થાક અને ઊંઘ જેવું લાગશે. શરીર ફરીથી કોઈ સ્ટિમ્યુલન્ટ માગશે. હા, ક્યારેક કામ હોય અને વન્સ ઇન અ વાઇલ કૉફી પીઓ તો વાંધો નથી આવતો, પરંતુ એની આદત પડી જાય એ યોગ્ય નથી. કૅફીનથી બહુ મોટાં નુકસાન થાય છે એવા પુરાવા નથી. એટલે કૉફી તમારી ડાયટનો પાર્ટ હોઈ શકે, પરંતુ મૉડરેટ અમાઉન્ટમાં.’

ટૂંકમાં તમને કૉફી ભાવતી હોય કે પછી ક્યારેક થાક કે આળસ દૂર કરવા કૉફીનો એકાદ કપ ઠઠાડી લેતા હો તો એનો વાંધો નથી પરંતુ કૉફી વગર કામ જ ન કરી શકો એવી આદત ન પડવી જોઈએ. જોકે આદત તો કોઈ પણ વસ્તુની ન પડવી જોઈએને!

જાણો છો કૉફી પીવાનો બેસ્ટ સમય છે સવારે ૯.૩૦થી ૧૦.૩૦

કૉફી એક એવી વિવાદાસ્પદ અને બેધારી તલવાર જેવી ચીજ છે જે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ. વિશ્વભરના વૈજ્ઞાનિકો કેટલીક બાબતે સહમત છે કે સવારે ઊઠીને સૌથી પહેલાં કૉફી પીવાનું હાનિકારક છે. જોકે ક્યારે કૅફીનયુક્ત પીણું પીવું એ બાબતે અનેક સંશોધનો થયાં છે. અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ સ્ટીવન મિલરે દાવો કર્યો છે કે કૉફીનો ફાયદો જોઈતો હોય તો ઊઠીને તરત નહીં, પરંતુ જાગ્યાના ત્રણ-ચાર કલાક પછી કૉફી પીવી જોઈએ. અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ સ્ટીવન મિલરે કૉફી પીધા પછી શરીરમાં કેવા બદલાવો થાય છે એનો સઘન અભ્યાસ કર્યા પછી એક સરેરાશ સમયગાળો કૉફી માટે બેસ્ટ કહ્યો છે. આપણા શરીરમાં સૂવા-ઊઠવા અને કામ કરવાની એક ચોક્કસ રિધમ સેટ થયેલી હોય છે અને એ રિધમ મુજબ શરીરમાં અમુક હૉર્મોન્સ સ્રવે છે. સ્ટીવનનું કહેવું છે કે દિવસના જે સમયગાળામાં કૉર્ટિસોલ હૉર્મોનનું પ્રમાણ ઘટી જતું હોય ત્યારે કૉફી પીવી જોઈએ. સવારે પૂરતી નીંદર કરીને તમે ઊઠો ત્યારે બૉડીમાં તમામ હૉર્મોન્સ બૅલૅન્સમાં હોય છે. પણ ઊઠ્યા પછી બે-ત્રણ કલાક બાદ એમાં ઓટ આવવા લાગે છે. એ સમયે કૉર્ટિઝોલ હૉર્મોન પણ ઘટે છે. જો એ સમયે કૉફી પીવામાં આવે તો એમાં રહેલું કૅફીન બૉડીને લાંબા સમય સુધી ઍનર્જેટિક રાખવામાં મદદરૂપ થાય છે. આ સમય સામાન્ય રીતે ૧૦.૩૦ વાગ્યાનો નોંધવામાં આવ્યો છે. જે લોકો વહેલા ઊઠતા હોય તેમના માટે એ ૯.૩૦ અને મોડા ઊઠનારાઓ માટે ૧૧.૩૦નો સમય કહેવાય. જ્યારે બૉડીમાં કૉ​િર્ટઝોલ હૉર્મોન પૂરતા પ્રમાણમાં હોય ત્યારે કૉફી પાવામાં આવે તો એનાથી બૉડીમાં કૅફીન રેઝિસ્ટન્સ ડેવલપ થવા લાગે છે. ઑલરેડી સ્ટ્રેસમાં હો ત્યારે કૉફી પીઓ તો એનાથી કૅફીનને કારણે મળતી પૉઝિટિવ અસર મળવાનું ડીલે થાય છે અને તમને વધુ ને વધુ કૉફી પીવાનું મન થાય છે. 

 ભારતમાં કૉફી ક્યાંથી આવી?

કૉફીનું કલ્ચર ભારતમાં બ્રિટિશર્સે ડેવલપ કર્યું છે. ૧૬૯૦માં પહેલી વાર સૂફી બડા બુદાન પોતાની સાથે કૉફી લઈ આવેલાં. એ પછી લગભગ બે શતક બાદ અંગ્રેજોને કૉફી પસંદ હોવાથી તેમણે ભારતમાં કૉફીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું શરૂ કરેલું. 

indian food life and style health tips columnists varun dhawan