Dussehra 2021: હેં! ગત વર્ષે દશેરામાં મુંબઈગરાંએ અધધધ ૪૫ કરોડના ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી?

14 October, 2021 06:49 PM IST  |  Mumbai | Karan Negandhi

દશેરા પર ભાગવાન રામની રાવણ સામેની જીતની ઉજવણી કરવા આજે પણ જલેબી-ફાફડા ખાવાની પરંપરા રહી છે.

પ્રતિકાત્મક તસવીર

ભારતની પરંપરા અનુસાર તહેવારો જેમ મીઠાઈ વગર અધૂરા છે, તેમ જ ગુજરાતી માટે ફાફડા-જલેબી વગર દશેરાની શરૂઆત થતી નથી. કેટલાક લોકો ફાફડા-જલેબીના નાસ્તા સાથે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ બાદ પારણું કરે છે. દશેરા પર ભગવાન રામની રાવણ સામેની જીતની ઉજવણી કરવા આજે પણ જલેબી-ફાફડા ખાવાની પરંપરા રહી છે.

દશેરાના દિવસે ફરસાણની દુકાનોની બહાર લાઇન જોઈને ધંધાદારી ગુજરાતીઓના મગજમાં અચૂક સવાલ આવતો હોય છે કે આ દિવસે ધંધો કેટલો થતો હશે? ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ સવાલ કર્યો ફેડરેશન ઓફ સ્વીટ્સ ઍન્ડ નમકીન મેન્યુફેક્ચરર્સના ડિરેક્ટર ફરોઝ નકવીને. આ બાબતે નકવીએ કહ્યું કે “દશેરાના દિવસે ગત વર્ષે મુંબઈ અને મુંબઈ ઉપનગરમાં લગભગ ૪૫ કરોડના ફાફડા જલેબી વેચાયા હતા અને આ વર્ષે અમને આશા છે કે આ આંકડામાં ૧૦-૧૫ ટકાનો વધારો જોવા મળશે.”

નકવીએ જણાવ્યું કે “કોરોના છતાં પણ ગત વર્ષે ફાફડા-જલેબીનું વેચાણ ૨૦૧૯ની સરખામણીએ વધુ રહ્યું હતું.” તેમણે ઉમેર્યું કે “જોકે, મીઠાઈ અને ફરસાણની ૧.૨૫ લાખ કરોડની ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ નાનું ફિગર છે. અમારા માટે દિવાળી કરતાં પણ મહત્ત્વનો તહેવાર રક્ષાબંધન છે. રક્ષાબંધન પર અમને વર્ષ દરમિયાન સૌથી વધુ આશરે ૨૦% સેલ મળે છે, જ્યારે દિવાળી પર આ આંકડો ૧૫-૧૭ ટકાનો છે.”

જો તમે પણ આ દશેરાની ઉજાણી ફાફડા-જલેબી સાથે કરવા માંગતા હોવ તો આ રહી કેટલીક એવી જગ્યાઓ જેમના ફાફડા-જલેબીનો સ્વાદ તમારે અચૂક માણવો રહ્યો.

૧. કંદોઈ રજનીભાઈ મોરબીવાલા: ગુજરાતીઓના ગઢ ઘાટકોપરમાં રહેતા લોકોને ફાફડા જલેબીનું નામ આવતા જ મોરબીવાળા ખાસ યાદ આવે છે. ઘાટકોપરમાં તિલક રોડ, 90 ફીટ રોડ અને ગીરગાંવ ગાયવાડી વિસ્તારમાં તેમની દુકાનો છે. તાજા ફાફડા-જલેબી ઉપરાંત, ડ્રાયફ્રૂટ અને રોઝ પેટલ જલેબી તેમની સ્પેશિયાલિટી છે.

ફોટો સૌજન્ય: કંદોઈ રજનીભાઈ મોરબીવાલા

૨. મુમ્બાદેવી જલેબીવાલા: જો તમે ગરમા-ગરમ જલેબીની જાફત પાપડી સાથે ઉડાવવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. દાયકાઓથી મુંબઈના ઘણા વિસ્તારોમાં જલેબી માટે મુમ્બાદેવી લોકોની પ્રથમ પસંદ રહ્યું છે. તેમની ખાસ વાત એ છે કે તમારી સામે જ તૈયાર થયેલી જલેબીનો સ્વાદ તમે માણી શકશો. બોરીવલી, કાંદિવલી, થાણેમાં પણ તેમના આઉટલેટ ઉપલબ્ધ છે.

ફોટો સૌજન્ય: મુમ્બાદેવી જલેબીવાલા

૩. જાડેશ્વર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ: ફાફડા-જલેબીની વાત આવતા જ છેલ્લા કેટલાક વર્ષોથી દહિસર અને બોરીવલીના લોકોનો ટેસ્ટ બદલાયો છે. દહિસરમાં અવધૂત નગર અને બોરીવલીમાં જાંબલી ગલીમાં જાડેશ્વરના નાયલૉન ફાફડા માટે સામાન્યપણે લોકોની અહીં લાઇન જોવા મળે છે. તાજા ફાફડા-જલેબી સહિત ગરમા-ગરમ સમોસા માટે પણ જાણીતું છે.

ફોટો સૌજન્ય: જાડેશ્વર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ

૪. પુરુષોત્તમ કંદોઈ હરિભાઈ દામોદર મીઠાઈવાલા: ચાર પેઢીથી પોતાના ફાફડા-જલેબીના એ જ સ્વાદ સાથે મુંબઈમાં તેમણે મોટી પ્રસિદ્ધિ મેળવી છે. તેમના આઉટલેટ વાલકેશ્વર, બોરીવલી, માટુંગા, ઘાટકોપર અને સાંતાક્રુઝમાં આવેલા છે. પ્રીમિયમ ડ્રાય ફ્રૂટથી લઈને મીઠાઈ, નમકીન અને નાસ્તા સુધી તેમને અહીં બધુ જ મળી રહેશે. ઉપરાંત તેમની ખાસિયત છે કે તમને તમારી જોઈતી વસ્તુ બોક્સમાં મળી રહેશે.

ફોટો સૌજન્ય: ફાઇલ ફોટો

૫. મિષ્ઠાન્ન કલ્ચર: મીઠાઈમાં હોલસેલ માર્કેટમાં પકડ જમાવ્યા બાદ હવે મિષ્ઠાન્ન કલ્ચરે પોતાના આઉટલેટ મીરારોડ અને ગોરેગાંવમાં શરૂ કર્યા છે. દશેરામાં દર વર્ષે લગભગ ૩૦૦૦ કિલો જલેબી બનાવતા આ આઉટલેટની ખાસિયત છે તેમની શુદ્ધ ઘીની કેસર જલેબી.

ફોટો સૌજન્ય: મિષ્ઠાન્ન કલ્ચર

mumbai food Gujarati food gujarati mid-day life and style