આમ કે આમ છિલકોં કે ભી દામ

02 May, 2023 05:05 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વાત હજમ ન થતી હોય તો અહીં આપેલા કેરીની છાલના ભરપૂર ફાયદાઓ જાણી લો. સાથે નોટડાઉન કરી લો મુંબઈની સ્માર્ટ ગૃહિણીએ કેરીની છાલમાંથી બનાવેલી ટેસ્ટી વરાઇટીની રેસિપી

પ્રતીકાત્મક તસવીર

કેરી જ નહીં, એની છાલમાંથી પણ સ્વાદિષ્ટ વ્યંજનો બની શકે. કેરીની છાલ તમારી ત્વચાને નિખારી શકે અને શરીરને સ્વસ્થ પણ રાખે. વાત હજમ ન થતી હોય તો અહીં આપેલા કેરીની છાલના ભરપૂર ફાયદાઓ જાણી લો. સાથે નોટડાઉન કરી લો મુંબઈની સ્માર્ટ ગૃહિણીએ કેરીની છાલમાંથી બનાવેલી ટેસ્ટી વરાઇટીની રેસિપી

ઉનાળાની ઋતુમાં પેટ અને જીભને સૌથી વધુ પસંદ પડતી મીઠી અને રસમધુરી કેરી બધાના ઘરમાં આવી ગઈ હશે. આમરસ, ફજેતો, મૅન્ગો કુલ્ફી જેવી અઢળક વરાઇટીની મજા માણવામાં મશગુલ ભલે થઈ ગયા છો, પણ કેરી ખાધા પછી એની છાલને કચરાપેટીમાં ન ફેંકતા. આ ફળ સ્વાદમાં સ્વાદિષ્ટ છે તો એની છાલ આપણા શરીર માટે ફાયદાકારક છે. છાલમાંથી અવનવી વાનગીઓ બનાવીને ખાઈ પણ શકાય. કેવી રીતે ચાલો જાણીએ.

સ્કિન કૅર

કેરીની છાલમાં ઘણા પ્રકારના રોગોને ભગાવવાનો ગુણધર્મ છે. કેરીની છાલમાં રહેલાં વિટામિન સી, એસ્કોર્બિક ઍસિડ ઉનાળામાં થતી ફોલ્લીઓ મટાડવા માટે ઔષધનું કામ કરે છે. કેરીની છાલને સૂકવીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એમાં ગુલાબજળ ભેળવી ફોલ્લી પર લગાવવું. ફ્લેવનૉઇડ્સ અને પૉલિફિનૉલ્સ જેવા બળતરા વિરોધી ગુણધર્મોથી બળતરામાં રાહત થાય છે. કેરીની છાલને ફ્રિજમાં મૂકી દો. થોડી વાર પછી એને બહાર કાઢીને ચહેરા પર મસાજ કરવાથી સ્કિન ટૅનિંગ દૂર થાય છે. ફ્રી રૅડિકલ્સ, ઍર પોલ્યુશન, સ્ટ્રેસના કારણે 
ચહેરા પર જોવા મળતી કરચલીઓમાં પણ ફાયદો કરે છે. પાકી કેરીની છાલમાંથી ફેશ્યલ માસ્ક બનાવી શકાય છે. ઘઉંના લોટમાં છાલના પલ્પને મિક્સ કરી આંખની નીચે લગાવો. ડાર્ક સર્કલ માટે આ માસ્ક બેસ્ટ હોમ રેમેડીઝ છે. પિગમેન્ટેશન અને ઍન્ટિ-એજિંગ માટે પણ ઉપયોગી છે. મગની દાળ સાથે છાલને પીસવાથી ત્વચા પર સ્ક્રબિંગનું કામ કરશે.

હેલ્થ કૅર

કેરીમાં લૅક્સેટિવનો ગુણ જોવા મળે છે. આ ગુણને કારણે કાચી કેરી છાલ સહિત તેમ જ પાકી કેરીની છાલમાંથી બનાવેલી વાનગીઓ ખાવાથી પેટ સાફ થઈ જાય છે. કેરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચનતંત્ર સુધરે છે. કેરીની છાલનો અર્ક ગળાના દુખાવાની સમસ્યાને મટાડવામાં અસરકારક છે. છાલના અર્કના રસથી કોગળા કરો અને પછી થૂંકી નાખવું. સાયન્ટિફિક રિપોર્ટ અનુસાર કેરીની છાલમાં એવા પ્રાકૃતિક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ અને કૅન્સર જેવી બીમારીથી બચાવે છે. શરીરના કોઈ ભાગમાં સોજા રહેતા હોય તો ડૉક્ટરની સલાહથી કેરીની એ ભાગ પર છાલ ઘસવાનો પ્રયોગ કરી શકાય. કેરીની છાલમાં કૉપર, ફોલેટ અને વિટામિન્સ, B6, A અને C જોવા મળે છે. છોડના ઉછેર માટે ઉપયોગી ફાઇબર પણ મોટી માત્રામાં હોય છે. તેથી કેરીની છાલનો ઑર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. 

ઑલ્ટરનેટિવ ઇન્ગ્રીડિયન્ટ ત્વચાની સુંદરતા અને રોગ ભગાડવામાં ઉપયોગી કેરીની છાલ ઉનાળામાં તમારા પૉકેટ માટે પણ ગુણકારી બની શકે છે એવી વાત કરતાં મુલુંડનાં ગૃહિણી મમતા જટાણિયા કહે છે, ‘આ સીઝનમાં લીંબુનું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ ખિસ્સાને પરવડતું નથી. 

રોજબરોજની રસોઈમાં પણ લીંબુનો વપરાશ ઘટાડવો પડે છે. કેરીમાં કુદરતી ખટાશ હોય છે તેથી લેમન ડ્રૉપના ઑલ્ટરનેટિવ તરીકે ઉપયોગ કરી જોયો. લીંબુની જરૂર પડતી હોય એવી અનેક વાનગીઓ અને પીણાંમાં કેરીનો ઉપયોગ કરી શકાય. કાચી કેરીને છાલ સહિત સહેજ ખમણીને નિચોવી લો તો લીંબુના રસની જરૂર નથી. કેરીની છાલમાંથી મૂઠિયાં અને અપ્પમ જેવી વાનગીઓ ખૂબ જ ટેસ્ટી બને છે.’ 

એક્સપરિમેન્ટ સુપરહિટ

કાચી કેરીનું શરબત અને પાકી કેરીમાંથી આમરસ તો આપણે બનાવીએ જ છીએ. કાચી કેરીની છાલની જેમ પાકી કેરીની છાલમાંથી પણ ગરમીમાં ઠંડક આપે એવું ટેસ્ટી અને ખટમધુરું શરબત બનાવી શકાય એવી વાત કરતાં બોરીવલીનાં કુકિંગ એક્સપર્ટ વૈશાલી ત્રિવેદી કહે છે, ‘કેરીનો રસ કાઢ્યા પછી ગોટલીમાંથી મુખવાસ બનાવીએ પણ છાલ ફેંકી દઈએ છીએ. ફજેતો બનાવતી વખતે પણ છાલને પાણીમાં ધોઈને ફેંકી દો છો. એક વાર છાલ ધોવા માટે પાણી વધારે પડી જતાં અમસ્તાં જ ચાખી જોયું. ખાટોમીઠો સ્વાદ લાગ્યો. એમાંથી વિચાર આવ્યો કે છાલને શરબતની જેમ સ્ટોર કરીને રાખી શકાય. એક્સપરિમેન્ટ સુપરહિટ થઈ ગયો. ઉનાળામાં લીંબુ શરબત પીને બોર થઈ ગયા હો તો નવું ટ્રાય કરી જુઓ. આ ઋતુમાં કલિંગરની છાલનો ઉપયોગ કરીને પણ વિવિધ વ્યંજનો બનાવી શકાય.’

આ પણ વાંચો : વસાણાંની આ વરાઇટી પણ ટ્રાય કરો

કેરીની છાલનું શરબત

સામગ્રી: બે પાકી કેરીની છાલ (કેરી એકદમ પાકેલી ન હોવી જોઈએ), બે કપ ખાંડ, ૧ લીંબુ, ચાસણી બનાવવા માટે પાણી

રીત: કેરીને ધોઈને એની છાલ કાઢી લો. છાલના નાના પીસ કરી લેવા. તપેલામાં ૧ લિટર પાણી લો. એમાં છાલને પાંચ મિનિટ ઉકાળો. ઠંડું થયા પછી છાલને હાથેથી ચોળીને પાણી ગાળી લો. હવે આ ગાળેલા પાણીમાં ખાંડ ઉમેરો. એક તારની ચાસણી થાય ત્યાં સુધી ઊકળવા દેવું. ખટાશ માટે થોડો લીંબુનો રસ નાખો. ઠંડું પડે પછી બૉટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો. એક મહિના સુધી સારું રહે છે. શરબત બનાવતી વખતે ગ્લાસમાં ત્રણ ભાગ પાણી અને એક ભાગ પલ્પ લઈ સર્વ કરવું. સ્વાદમાં ખાટુંમીઠું લાગે છે.’

કેરીની છાલના અપ્પમ

સામગ્રી: ૧/૨ કપ ચોખા, પા કપ ચણાની દાળ, પા કપ તુવેરની દાળ, ૧ કપ મગની ફોતરાવાળી દાળ, ૧ કપ કાચી કેરીની છાલના ટુકડા, આદું-મરચાં-લસણની પેસ્ટ, મીઠું.
રીત: ચોખા અને બધી દાળને ૭ કલાક પાણીમાં પલાળીને મિક્સરમાં વાટી લો. હવે એમાં કેરીની છાલના થોડા ટુકડા અમે મસાલા નાખી મિક્સ કરો. તૈયાર કરેલા બૅટરને અપ્પમના તવામાં સહેજ તેલ લગાવી પાથરો. બૅટરની ઉપર કેરીની છાલના વધેલા ટુકડા ભભરાવો. ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો. ત્યાર બાદ અપ્પમને ઊથલાવી બીજી તરફ પણ પાંચ મિનિટ ચડવા દો. કેરીની ખટાશ અપ્પમને અલગ જ ફ્લેવર આપે છે. કેરીની લાંબી છાલથી સજાવીને ગરમાગરમ પીરસો. અપ્પમની સાથે કાચી કેરી અને લાલ મરચાંની ચટણી ટેસ્ટી લાગે છે. 

કાચી કેરી અને લાલ મરચાંની ચટણી

સામગ્રી: ૪-૫ સીઝનલ લાલ મરચાં લેવાં, એક ચમચી થાય એટલું સૂકું લસણ, એક ટુકડો આદું, અડધી વાટકી દાંડાવાળી કોથમીર, અડધી વાટકી સમારેલી કાચી કેરી, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત: લાલ મરચાંને ધોઈને બીયાં કાઢી લેવાં. હાથેથી તોડીને ટુકડા કરવા. જારમાં તમામ સામગ્રી નાખી મિક્સર ચાલુ-બંધ કરી અધકચરું વાટી લેવું. વધુ સરસ સ્વાદ જોઈતો હોય તો મિક્સરના બદલે ચટણી વાટવાનો પથ્થર અથવા ખાંડણી-દસ્તાનો ઉપયોગ કરવો. અપ્પમ સાથે આ ચટણી પીરસવી. 

columnists Varsha Chitaliya