સ્મૉગથી રક્ષણ આપી શકે બે ચમચી ચ્યવનપ્રાશ?

17 December, 2024 07:19 AM IST  |  Mumbai | Kajal Rampariya

પૉલ્યુશન માઝા મૂકી રહ્યું છે ત્યારે ચ્યવનપ્રાશ બનાવતી કેટલીક કંપનીઓની જાહેરાતમાં આવા દાવા થઈ રહ્યા છે. અકસીર અને આખા વર્ષની રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરવા માટે જાણીતું આયુર્વેદનું આ આમળાંનું ચાટણ ક્યારે અને કોને ફાયદો કરે અને ક્યારે નહીં એ નિષ્ણાત

પ્રતીકાત્મક તસવીર

પૉલ્યુશન માઝા મૂકી રહ્યું છે ત્યારે ચ્યવનપ્રાશ બનાવતી  કેટલીક કંપનીઓની જાહેરાતમાં આવા દાવા થઈ રહ્યા છે. અકસીર અને આખા વર્ષની રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરવા માટે જાણીતું આયુર્વેદનું આ આમળાંનું ચાટણ ક્યારે અને કોને ફાયદો કરે અને ક્યારે નહીં એ નિષ્ણાત પાસેથી જ જાણીએ

‘શિયાળો શરૂ થઈ ગયો છે, હવેથી સવાર-સાંજ એક-એક ચમચી ચ્યવનપ્રાશ ખાવો પડશે!’ આ ડાયલૉગ મોટા ભાગનાં ઘરમાં બોલાતો હોય છે અને શરદી-ઉધરસ અને ઇન્ફેક્શનથી બચવા માટે તમામ ઉંમરના લોકોને આરોગવાનો આગ્રહ થતો જ હોય છે. જોકે તાજેતરમાં એક અખબારમાં સ્મૉગ કે ઍર-પૉલ્યુશનથી બચવા માટે બે ચમચી ચ્યવનપ્રાશ કાફી છે એવી જાહેરાત કરવામાં આવી હતી એટલું જ નહીં, પૉલ્યુશનના આંકડાઓની નીચે જ એનું પ્લેસમેન્ટ થયેલું એટલે ખાસ્સી ચર્ચાઈ હતી. ચરક સંહિતા, ભાવપ્રકાશ અને રસ સંહિતા જેવા આયુર્વેદના ગ્રંથોમાં આમળામાંથી બનતા શિયાળાના ચાટણ ચ્યવનપ્રાશનો ઉલ્લેખ થયો છે ત્યારે ઍર-પૉલ્યુશનને કારણે સ્વાસ્થ્યને થતા નુકસાન સામે ચ્યવનપ્રાશ ખરેખર રક્ષણ આપી શકે છે કે નહીં? આયુર્વેદમાં ચ્યવનપ્રાશ ખાવાથી થતા ફાયદાઓ તથા એની રીત વિશે ઘાટકોપરના આયુર્વેદ નિષ્ણાત ડૉ. દિનેશ હિંગુ પાસેથી જાણીએ.

દાવાઓમાં કેટલો દમ?

આયુર્વેદમાં ચ્યવનપ્રાશનો ઉલ્લેખ ચરક સંહિતામાં થયો છે. એને આરોગવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ સાથે પણ ઘણા ફાયદાઓ થાય છે, પણ એને કારણે ઍર-પૉલ્યુશન અને સ્મૉગને લીધે થતાં ફેફસાં અને શ્વસન સંબંધિત રોગો દૂર થઈ જશે એવું માની લેવું ખોટું છે. એમાં રોગપ્રતિકારક શક્તિ વધવાના ગુણ ખરા, પણ કોઈ એવો દાવો ન કરી શકે કે ચ્યવનપ્રાશ ગંભીર રોગને પણ મટાડે છે. એ શરીરને ભવિષ્યમાં થતા રોગોથી લડવાની શક્તિ આપશે, પણ જો અસ્થમા કે ફેફસાં સંબંધિત અન્ય ગંભીર બીમારી પહેલેથી હોય તો ચ્યવનપ્રાશ એને મટાડી શકે નહીં. શિયાળાનું આ ચાટણ ગંભીર બીમારીઓને દૂર કરવાનો દમ રાખે છે એવા દાવાઓ પાયાવિહોણા છે. અત્યારની કંપનીઓ જે ચ્યવનપ્રાશ વેચે છે એ આયુર્વેદમાં લખેલી પદ્ધતિનું ૧૦૦ ટકા અનુસરણ પણ કરતી નથી. એમાં થોડાં ઘટકો પોતાની રીતે ઍડ કરે છે, તેથી એને આરોગવાથી આપણને જોઈએ એવો ફાયદો મળતો નથી. પણ હા, જે કંપની ચ્યવનપ્રાશમાં ઉમેરાયેલી સામગ્રીનો ઉલ્લેખ કરે છે એના પર ભરોસો મૂકી શકાય.

ચ્યવનપ્રાશની કોઈ આડઅસર નથી, પણ વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સેવન કરવાથી એ લાભકારી સાબિત થાય છે. અત્યારે બધા આયુર્વેદિક ઔષધિઓનું આડેધડ સેવન કરવા લાગ્યા છે અને એ રીત તદ્દન ખોટી છે.  આયુર્વેદમાં બીમારી થવાનાં ત્રણ કારણ છે; આહાર, વિહાર અને ઋતુ. જો જન્ક ફૂડ ખાઓ છો અને શરીરને ઍક્ટિવ રાખવા માટેની કસરત કે હેલ્ધી ફિઝિકલ ઍક્ટિવિટી નથી કરતા એ લોકો ગમેતેટલો ચ્યવનપ્રાશ ખાશે પણ તેમને ફાયદો નહીં મળે. તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી હશે તો ઔષધિ એનું કામ કરશે.

કોણે કહ્યું શિયાળામાં જ ખવાય?

ચ્યવનપ્રાશ મુખ્યત્વે શિયાળામાં એટલા માટે ખાવામાં આવે છે કારણ કે એ ઠંડા વાતાવરણમાં શરીરના તાપમાનને જાળવી રાખે અને નબળી પડી રહેલી રોગપ્રતિકારક શક્તિને વધારે. ચ્યવનપ્રાશ બળપ્રદ ઔષધિ છે. એ સપ્તધાતુવર્ધક છે. વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓને કારણે એ ગુણકારી છે. એવી ધારણા છે કે ચ્યવનપ્રાશમાં શરીરને ગરમ કરતી જડીબુટ્ટી નખાતી હોવાથી એને ફક્ત શિયાળામાં જ ખાઈ શકાય, પણ એવું નથી. ઇમ્યુનિટી વધારવા માટે કેટલીક તકેદારી સાથે બારે માસ એનું સેવન કરી શકાય છે.

આપણા શરીરમાં રક્ત, રસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આ સપ્ત ધાતુના પોષણ માટે ચ્યવનપ્રાશ ખાવાની ભલામણ કરવામાં આવી છે. વૃદ્ધ થયેલા અને શારીરિક અશક્તિ ધરાવતા ચ્યવન ઋષિને ફરીથી યુવાની પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી તેથી અશ્વિની કુમારે વિવિધ જડીબુટ્ટીથી તૈયાર કરેલી આ ઔષધિ આપી હતી અને તેમને નવયૌવન પ્રાપ્ત થયું હતું. ત્યારથી આ ઔષધિને ચ્યવનપ્રાશ કહેવાય છે. એનો મૂળ હેતુ શરીરને રિજુવિનેટ કરવાનો છે. ઠંડીની સીઝનમાં ધુમ્મસિયા વાતાવરણમાં કફ અને શ્વસનને લગતા રોગોનું જોર વધે છે તેથી શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવાની ભલામણ કરાય છે.

સેવન કરવાની સાચી રીત

રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ચ્યવનપ્રાશનું સેવન કરવાનો આગ્રહ રખાય છે. એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ એનું અતિસેવન શરીરને નુકસાન પણ કરી શકે છે. વયસ્કે સવારે અને સાંજે એમ બે-બે ચમચી પાણી અથવા નવશેકા દૂધ સાથે લેવું જોઈએ. જો શરૂઆત કરતા હો તો એક ચમચીથી કરવું. થોડા સમય બાદ બે ચમચી લઈ શકાય. સવારે ખાલી પેટ દૂધ સાથે ખાવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. એને ખાધા બાદ ઓછામાં ઓછા અડધા કલાક સુધી ખાટી કે મસાલેદાર ચીજ ખાવાનું ટાળવું જોઈએ નહીં તો એની અસર નહીં થાય.

એક વર્ષ સુધીનાં બાળકોને ચ્યવનપ્રાશ ખવડાવવાની બિલકુલ જરૂર નથી, પણ સ્તનપાન કરાવતી માતાએ સવાર-સાંજ એક એક ચમચી ચ્યવનપ્રાશ ખાવો જોઈએ. પાંચથી ૧૦ વર્ષ સુધીનાં બાળકોને અડધી ચમચી ચ્યવનપ્રાશ ખવડાવી શકાય. ૧૨ વર્ષથી ૧૮ વર્ષ સુધીનાં બાળકો અને વરિષ્ઠ નાગરિકો એક-એક ચમચી ત્યારે યુવાનો બે-બે ચમચી ચ્યવનપ્રાશ લઈ શકે છે. રાત્રે સૂતી વખતે આ ઔષધિ લેવાનું ટાળવું જોઈએ નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અસ્થમા અને શ્વસન સંબંધિત રોગથી પીડિત લોકોએ ચ્યવનપ્રાશનું સેવન દૂધ અને દહીં સાથે ન કરવું. વધુપડતો ચ્યવનપ્રાશ ખાવાથી અપચો, ઍલર્જી અને શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે. ઉનાળામાં ચ્યવનપ્રાશનું સેવન કર્યા બાદ પુષ્કળ પાણી પીવું જોઈએ અને એ સમયે એક કલાક સુધી તળેલા અને મસાલાવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ.

અસલી-નકલીનો ભેદ કેમ ઓળખવો?

સૌથી પહેલાં એક ચમચી ચ્યવનપ્રાશ એક ગ્લાસ પાણીમાં નાખો. જો એ પાણીમાં મિક્સ થઈ જાય તો એ નકલી છે અને જો એ પાણીની નીચે બેસી જાય તો એ અસલી છે. અસલી ચ્યવનપ્રાશમાંથી હંમેશાં તજ, એલચી અને પીપરી જેવાં હર્બ્સની સુગંધ આવે છે. એમાં આમળાંનું પ્રમાણ વધુ હોવાથી અસલી ચ્યવનપ્રાશ સ્વાદમાં થોડો ખાટો લાગે છે.

 ચ્યવનપ્રાશના છે અઢળક ફાયદા: ડૉ. દિનેશ હિંગુ
  શરદી-ઉધરસ અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપતું હોવાથી એને ચ્યવનપ્રાશ  ઇમ્યુનિટી બૂસ્ટર છે. શરીરમાં શક્તિનો પણ સંચાર થાય છે.
 એને આરોગવાથી આંખોનું તેજ વધે છે, ગળું સારું થાય છે. ફેફસાં અને શ્વસનનાં કાર્યોને સરળ બનાવવા ચ્યવનપ્રાશને સારો માનવામાં આવે છે.
 હાડકાંના સ્વાસ્થ્ય માટે પણ ચ્યવનપ્રાશને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 વયસ્ક બે ચમચી અને નાનાં બાળકો અડધી ચમચી ચ્યવનપ્રાશ નિયમિત ખાય તો પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે અને કબજિયાતનો પ્રૉબ્લેમ પણ દૂર થાય છે.
 ચ્યવનપ્રાશમાં રહેલા ગુણોથી યાદશક્તિ વધે છે અને એકાગ્રતા સુધારે છે. આ ઉપરાંત એ મગજનાં ફંક્શન્સને સુધારવા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.
 ચ્યવનપ્રાશના સેવનથી શરીરમાં રક્તશુદ્ધિકરણની પ્રક્રિયા પણ સરળ બને છે.
  ચ્યવનપ્રાશ હાર્ટ-હેલ્થ માટે પણ ગુણકારી છે. નિયમિત સેવનથી હૃદય સંબંધિત રોગો થવાનો ખતરો ઘટે છે.
 કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશરના દરદીઓ માટે બે ચમચી ચ્યવનપ્રાશ લાભકારી છે.
 ચ્યવનપ્રાશમાં રહેલી આયુર્વેદિક સામગ્રી શરીરને ડીટૉક્સ કરવામાં પણ મદદ કરે છે અને સામાન્યથી લઈને ગંભીર બીમારી થવાના જોખમને પણ ઓછું કરે છે.
 સ્ત્રીઓને માસિક ધર્મને લગતી તકલીફમાં પણ ચ્યવનપ્રાશ કારગર સાબિત થાય છે અને બધી જ ઇન્દ્રિયો માટે બળપ્રદ છે.

ઘરે આ રીતે બનાવી શકાય

આયુર્વેદ અનુસાર શાસ્ત્રોમાં ચ્યવનપ્રાશ બનાવવાની ચોક્કસ પદ્ધતિનો ઉલ્લેખ છે તેથી ઘરે બનાવવું સરળ નથી. તેમાં ૫૦ ટકા આમળા હોય છે અને બાવન વનસ્પતિમાંથી બને છે. તેને બનાવવામાં આમળાની સાથે હરડે, ગોખરું, પીપરી, તલ અને ગાયનું ઘી જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. દરેક ઔષધિ એકબીજાની સહાયક બનીને શરીરને ઍલર્જીથી બચાવવા માટે કામ કરે છે. આપણને આયુર્વેદમાં લખેલી તમામ સામગ્રી સહેલાઈથી મળવી મુશ્કેલ હોવાથી સારી અને વિશ્વસનીય કંપનીના ચ્યવનપ્રાશ પર ભરોસો કરી શકાય. આમળાંને બાફીને એમાંથી ઠળિયા કાઢ્યા બાદ પેસ્ટ બનાવવામાં આવે. પછી એને ગાયના ઘી અને મધમાં શેકીને પાક તૈયાર થાય છે. ઘી છૂટું પડે પછી એમાં જાયફળ, ગોખરું, અખરોટ, સ્વર્ણ ભસ્મ, સફેદ મૂસળી, એલચી, કેસર, સાલમ, મિશરી પ્રમાણસર નાખવાનાં હોય. એને બનાવવાની પ્રક્રિયા અઘરી હોય છે. એમાંથી ઘણી વનસ્પતિ સહેલાઈથી મળતી નથી અને જો મળી પણ જાય તો એની શુદ્ધતાની ચકાસણી કરવી મુશ્કેલ છે. અત્યારે તો રેડીમેડ ચ્યવનપ્રાશ પાઉડર મળે છે. જોકે આવી ચીજોથી આપણે બચવું જોઈએ. આ ઉપરાંત અત્યારે મોટા ભાગના ચ્યવનપ્રાશમાં ફ્લેવર્સ આવવા લાગી છે અને એમાં સાકર પણ ઉમેરાય છે, પણ આઇડિયલી ચ્યવનપ્રાશ મધ અથવા ગોળથી જ બનાવાય છે. તેથી જો કોઈ આયુર્વેદિક કંપની મધ કે ગોળનો ઉપયોગ કરતી હોય એ બેસ્ટ માનવામાં આવે છે. 

life and style Gujarati food mumbai food indian food columnists