આજની રેસિપી: સુરતી ખાટું અથાણું

02 August, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરયુ દેસાઈ શીખવે છે કઈ રીતે બનાવવું સુરતી ખાટું અથાણું

સુરતી ખાટું અથાણું

સામગ્રીઃ પાંચ કિલો લીલી પોપટી કલરની દેશી કેરીના ટુકડા, પોણો કિલો મેથીના કુરિયા, પોણો કિલો લાલ કાશ્મીરી તથા રેશમપટ્ટી મરચાની ભૂકી (બન્ને મિક્સ), દોઢ કિલો આખું મીઠું, મીઠું  મિક્સરમાં વાટીને, ૨૫ તોલા હળદર, બે તોલા સારી જાતની સફેદ હિંગ (લક્ષ્મી હિંગ), બે મોટા ચમચા જેટલું દિવેલ, પોણો કિલો જેટલું સિંગનું કે તલનું તેલ, પાંચ કિલોથી વધુ અથાણું સમાવી શકાય એવી કાચની ચોખ્ખી બરણી.

રીત : સૌપ્રથમ અથાણાનો સંભાર બનાવવા માટે એક મોટા તપેલામાં મીઠું પાથરી દેવું. એની ઉપર બધા મરચાંની ભૂકીનો થર કરી દેવો. એની ઉપર મેથીના કુરિયા પાથરી બરાબર વચમાં ખાડો કરી હિંગ મૂકી દેવી. પછી એક વાડકી ભરીને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. એ જરા ગરમ થાય એટલે તપેલામાં મૂકેલી હિંગ પર રેડી તરત એને ઢાંકી દેવું. ૧૦થી ૧૫ મિનિટમાં તપેલું ખોલી દિવેલ ફરતું નાખી દેવું. પછી એક મોટા ચમચાથી બધો સંભાર હલાવીને મિક્સ કરી દેવો. છેલ્લે બતાવ્યા પ્રમાણેની હળદર મિક્સ કરી દેવી. પછી બરણીમાં બે મુઠ્ઠી જેટલો સંભાર પાથરી દેવો. એક કડાઈમાં થોડું તેલ લઈ સંભાર નાખી થોડા કેરીના ટુકડા લઈ બરાબર મિક્સ કરી બરણીમાં નાખતા જવા. વચમાં થોડો સંભાર નાખતા જવો. બધા જ ટુકડા ભરાઈ જાય એટલે છેલ્લે બચેલો સંભાર નાખી દાબી દેવું. બરણી પૅક કરી બીજા દિવસે સવારે અડધો કિલો જેટલું તેલ ગરમ કરી ઠંડું પાડી બરણીમાં રેડી દેવું. તેલ ઉપર રહેવું જોઈએ. આઠેક દિવસ પછી ઉપયોગમાં લેવું.

નોંધ : ધ્યાન રાખવું કે અથાણું હોય ત્યાં સુધી તેલ ડૂબાડૂબ રહેવું જોઈએ. સાચવણી હોય તો બે વર્ષ સુધી અથાણું એવું જ રહેશે.

 

- સરયુ દેસાઈ

food news indian food Gujarati food mumbai food life and style columnists