09 June, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિસ્પી નગેટ્સ
સામગ્રી : ૩થી ૪ બાફેલા બટાટા, ૧ કપ લીલા વટાણા, અડધો કપ ઝીણી સમારેલી ફણસી, અડધો કપ ઝીણું સમારેલું કૅપ્સિકમ, ૧ કપ ખમણેલું ગાજર, ૧ કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ, ૧ ટેબલસ્પૂન આમચૂર પાઉડર, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, અડધો કપ બારીક સમારેલી કોથમીર, બે ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ, બેથી ત્રણ ટેબલસ્પૂન લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, કોટિંગ માટે રવો. તળવા માટે તેલ
બનાવવાની રીત : સૌપ્રથમ બટાટાને બાફીને એની છાલ ઉતારીને સારી રીતે મેશ કરી લો. એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. એમાં આદું-મરચાની પેસ્ટ ઉમેરીને થોડું સાંતળો. ત્યાર બાદ વટાણા અને ફણસી ઉમેરીને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દો. હવે એમાં ખમણેલું ગાજર, કૅપ્સિકમ, કોથમીર, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરીને બે મિનિટ સુધી સાંતળો અને પછી ગૅસ બંધ કરી દો. મિશ્રણ થોડું ઠંડું થાય એ પછી એમાં મેશ કરેલા બટાટા, બ્રેડ ક્રમ્સ, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાંથી નાના ભાગ લઈને ગોળ અથવા કૉઇન જેવા આકારના નગેટ્સ તૈયાર કરો. દરેક નગેટને રવામાં સારી રીતે કોટ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે તૈયાર કરેલા નગેટ્સને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય પછી વધારાનું તેલ શોષાઈ જાય એ માટે ટિશ્યુપેપર પર કાઢી લો.
સર્વિંગ ટિપ્સ : ગરમાગરમ ક્રન્ચી નગેટ્સને ગ્રીન ચટણી, ટમૅટો કેચપ અથવા હૉટ ઍન્ડ સ્વીટ સૉસ સાથે સર્વ કરો. આ રેસિપી સ્ટાર્ટર, ઈવનિંગ સ્નૅક્સ અથવા મહેમાનો માટે ફટાફટ બનતી સ્વાદિષ્ટ ડિશ તરીકે એકદમ પર્ફેક્ટ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સૉફ્ટ આ નગેટ્સ બાળકો અને મોટા બન્નેને ખૂબ પસંદ આવશે.