Sunday Snacks: ખાખરા પિત્ઝા એ પણ મુંબઈમાં!

20 April, 2024 12:45 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ભાઈંદરના સ્પેશિયલ ખાખરા પિત્ઝા

ઓટીટી કૉર્નર અને તેના સ્પેશિયલ ખાખરા પિત્ઝા

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

બાળકો હોય કે મોટા પિત્ઝા (Sunday Snacks)નું નામ આવતા જ સૌના મોઢામાં પાણી આવી જાય છે, પણ પિત્ઝાનું આ ક્રેવિંગ ભારે પડે છે ડાયટ કરનારાઓને. જિમ અને યોગા કરી, જાત-ભાતના ડાયટ કરી જેઓ વજન ઓછું કરતાં હોય તેઓ પણ અઠવાડિયે કે પખવાડીયે એક દિવસનો ચીટ-ડે લઈને પિત્ઝા ને બર્ગર ઝાપટી જ લેતા હોય છે. હવે આનાથી બચવા લોકોએ ટ્વીસ્ટ સાથે અવનવી રીતે પિત્ઝા બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઇન ફેક્ટ મુંબઈમાં ભાખરી પિત્ઝા તો ગુજરાતમાં ખાખરા પિત્ઝા મળે છે, જે પિત્ઝાનો ટેસ્ટ અને મજા તો આપે જ છે, પણ સાથે વધુ પડતાં કેલેરી ઇન્ટેકના ગિલ્ટથી પણ બચાવે છે.

જોકે, મુંબઈમાં આ ખાખરા પિત્ઝા (Khakhra Pizza) આપણે ક્યારેય સાંભળ્યા નથી. હવે આમચી મુંબઈમાં જ્યા લોકો માને છે કે બધુ જ મળે છે અને એવા સવાયા ગુજરાતી પ્રદેશમાં જો ખાખરા પિત્ઝા ન મળે તો કેમ ચાલે? બસ, એટલે જ મુંબઈના યુવાને તેની કસર પૂરી કરી છે. મુંબઈના આ યુવકે જ્યારે ગુજરાતમાં પહેલીવાર આ વાનગી ચાખી ત્યારે તેને થયું કે આ વસ્તુ તો મુંબઈમાં પણ મળવી જોઈએ.

પોતાનું કંઈક કરવાની ઈચ્છા સાથે આ યુવકે મુંબઈમાં પણ ખાખરા પિત્ઝા વેચવાનું શરૂ કર્યું. ભાઈંદર (Bhayander)માં મેક્સેસ મૉલની બરાબર સામે અને બર્ગર કિંગની બાજુમાં જ આવેલું છે ઓટીટી કૉર્નર (OTT Corner). અહીં તમને ખાખરા પિત્ઝા, મેગી ભેળ અને ચાઇનીઝ ભેળ મળશે. અમે તો અહીં ટ્રાય કર્યા ખાખરા પિત્ઝા અને મીગી ભેળ. હા, ખાખરા પિત્ઝામાં પણ ચીઝ, શેઝવાન માયો અને ઓટીટી સ્પેશિયલ જેવી વેરાયટીઝ પણ ઉપલબ્ધ છે.

મેગી ભેળ

પહેલાં જીરાવાળા ખાખરા પર લીલી ચટણી અને કેચપ લગાવી, ઉપર કાંદા, કોબી, કેપ્સિકમ, બીટ અને કાચી કેરી નાખી ઉપરથી દાડમના દાણા, મસાલા સિંગ અને સેવ ભભરાવી, ચીઝ ખમણી અને પિત્ઝા ક્ટરથી તેના ૪ પીસીઝ કરવામાં આવે.વાંચવામાં કે સાંભળવામાં મિક્સ એન્ડ મેચ લગતી આ વાનગી ટેસ્ટમાં તો બહુ મસ્ત લાગે છે. ક્રન્ચી ખાખરા પર વેજિઝ અને ચીઝનું આ કૉમ્બિનેશન કીલર છે. આ ઉપરાંત અહીંની મેગી ભેળ પણ બહુ જ સરસ છે, તેનો મૂળ સ્વાદ હોમમેડ શેઝવાન સૉસમાં રહેલો છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ઓટીટી કૉર્નરના માલિક ભાવેશ આશર કહે છે કે, “મેં લગભગ ૯ વર્ષ એચઆરમાં જૉબ કરી, પણ હંમેશાથી મારે પોતાનું કંઈક કરવું હતું. એટલે આ મોટો નિર્ણય લીધો અને પીએફના સેવિંગમાંથી ઓટીટી કૉર્નર શરૂ કર્યું. ભાઈંદરનો આ વિસ્તાર ગુજરાતીઓનો ગઢ છે. લોકો ખાખરા પિત્ઝા ખૂબ જ ચાઉંથી ખાય છે.”

તો હવે આ રવિવારે જરૂર જજો ખાખરા પિત્ઝા. સમય છે સાંજે ૪:૩૦ વાગ્યાથી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી. ખાવા આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું

sunday snacks street food Gujarati food mumbai food indian food bhayander life and style karan negandhi