06 December, 2025 12:26 PM IST | Mumbai | Darshini Vashi
શુગર સિસ્ટર્સ
બે મિત્ર, એક પૅશન અને એક સ્ટૉલ. આ સ્ટોરી છે શુગર સિસ્ટર્સની જે બે બહેનપણીએ સાથે મળીને બનાવી છે. લૉકડાઉનથી શરૂ થયેલી કેક-બેકિંગની સફર આજે સ્ટૉલ સુધી પહોંચી ગઈ છે, પરંતુ જૉબ સાથે સ્ટૉલ પણ મૅનેજ કરવાનું સહેલું નથી. છતાં ટાઇમ મૅનેજ કરીને આ સખીઓ રોજ સાંજે સ્ટૉલ પર પહોંચી જાય છે એટલું જ નહીં, વ્યસ્ત સમયમાં પણ વિવિધ જાતની કેક અને પેસ્ટ્રી બનાવીને વેચે છે જેમાંની કેટલીક તો મુલુંડની સ્ટ્રીટ પર ક્યાંય જોવા મળતી નથી.
મુલુંડમાં શુગર સિસ્ટર્સ નામક સ્ટૉલનાં કો-ઓનર દૃષ્ટિ ઠક્કર કહે છે, ‘મેં આ સ્ટૉલ મારી ફ્રેન્ડ ઈશિકા રાજપૂત સાથે મળીને શરૂ કર્યો છે. અમારા બન્નેનું પૅશન કેક બનાવવાનું છે જે અમે લૉકડાઉનમાં હોમ-બેકરી શરૂ કરીને બહાર લાવ્યાં હતાં. જોકે લૉકડાઉન પૂરું થઈ ગયા બાદ અમે બન્ને જૉબ પર લાગી જતાં અમારું કેક-બેકિંગનું કામ અટકી ગયું હતું જે હવે અમે ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. હવે પૉપઅપ સ્ટૉલનો ટ્રેન્ડ ખૂબ જોર પકડી રહ્યો છે. એ જોતાં આ વર્ષે જૂનમાં જ અમે હોમમેડ કેકનો શુગર સિસ્ટર્સ નામક સ્ટૉલ શરૂ કર્યો હતો. પહેલાં અમે વીક-એન્ડમાં જ આ સ્ટૉલ લગાવતા હતા. હવે અમે રોજ સાંજે અહીં આવી જઈએ છીએ. અમારા બન્નેની જૉબનો ટાઇમિંગ અલગ-અલગ છે તેમ જ મારી ફ્રેન્ડ ઘોડબંદર રહે છે અને હું મુલુંડ, છતાં અમે સાંજ સુધીમાં આ સ્ટૉલ પર આવી જઈએ છીએ. અમે બન્ને કાં તો રાતના મોડે સુધી જાગીને અથવા તો વહેલી સવારે ઊઠીને કેક-બેકિંગની પૂર્વતૈયારી કરી લઈએ છીએ એટલે વાંધો આવતો નથી.’
હવે કેકની વાત કરીએ તો અહીં બેક્ડ ચીઝ કેક મળે છે જે આખા મુલુંડમાં કશે સ્ટૉલ પર નથી મળતી. તેમ જ ચૉકલેટ પેસ્ટ્રી અહીં સૌથી વધુ વેચાય છે. દરેક વસ્તુ એગલેસ મળે છે અને લિમિટેડ હોય છે જેથી વેચાઈ જાય છે.
ક્યાં મળશે? : શુગર સિસ્ટર્સ, તારાસિંહ ગાર્ડનની બહાર, મુલુંડ