એવું ગરમ વડું કે પાંઉ પણ હૂંફાળું થઈ જાય

24 March, 2021 11:57 AM IST  |  Mumbai | Sanjay Goradia

રવિવારે પ્રબોધન ઠાકરેમાં મારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’નો શો હતો. નવ વાગ્યાનો શો એટલે આઠ પછી તો કશું ખાઉં નહીં, પણ એની પહેલાં સાંજે છની આસપાસ મારે કંઈક ખાવું જ પડે જેથી પછી આખો શો આસાનીથી ખેંચી શકાય.

એવું ગરમ વડું કે પાંઉ પણ હૂંફાળું થઈ જાય

નવી વાનગી, નવી ફૂડ-ટિપ અને એને લઈને આવવાનો નવો દિવસ. ફૂડ-ટિપનો દિવસ ચેન્જ થયો એટલે મનોમન નક્કી કર્યું કે ચાલો, તમને હવે હું મુંબઈના શ્રેષ્ઠ વડાપાંઉનો આસ્વાદ કરાવું. મિત્રો, બેસ્ટ એટલે અહીં કોઈએ નંબર ગેમમાં નથી પડવાનું. આપણો જે બેઝિક નિયમ છે એ જ નિયમને ધ્યાનમાં રાખવાનો છે. સ્વાદિષ્ટ આઇટમ, કિફાયતી ભાવ અને ઉત્તમ ક્વૉન્ટિટી. સૌથી પહેલાં વાત કરીએ બોરીવલીના મંગેશનાં વડાપાંઉની. રવિવારે પ્રબોધન ઠાકરેમાં મારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’નો શો હતો. નવ વાગ્યાનો શો એટલે આઠ પછી તો કશું ખાઉં નહીં, પણ એની પહેલાં સાંજે છની આસપાસ મારે કંઈક ખાવું જ પડે જેથી પછી આખો શો આસાનીથી ખેંચી શકાય. પ્રબોધન ઠાકરેની પાછળની બાજુની ગલીના કૉર્નર પર એટલે કે તમે ચંદાવરકર રોડથી જરાક અંદર આવો એટલે રાજમહેલ હોટેલની સામે આ મંગેશનાં વડાપાંઉની લારી ઊભી હોય છે. સોળ રૂપિયામાં વડાપાંઉ. મોટું વડું, પાંઉ, એમાં લાલ સૂકી ચટણી અને તીખી-મીઠી ચટણી. ગરમાગરમ વડું પાંઉમાં મૂકો એટલે અડધી મિનિટમાં તો તમારા હાથમાં રહેલું પાંઉ પણ હૂંફાળું થઈ જાય. નિમક છાંટેલાં તળેલાં મરચાંની થાળી ત્યાં જ પડી હોય. મારા સહિત બીજા ઘણા ઍક્ટર મિત્રોનાં ફેવરિટ પણ ખરાં. મુંબઈમાં મળતાં વન ઑફ ધ બેસ્ટ વડાપાંઉ કહી શકો. બાભઈનાકા પાસેના મંગેશનું ૧૬ રૂપિયાનું એક વડાંપાંઉ ભૂખમાં દોઢ કલાકની મસ્ત રાહત આપે.

Sanjay Goradia columnists Gujarati food