મંદ-મંદ વરસાદ અને અશોકનાં વડાપાંઉ

28 July, 2022 04:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

મુંબઈ માટે ટૂરિસ્ટ પ્લેસ બનતા જતા આ વડાપાંઉનો આસ્વાદ જો આ વરસતા વરસાદ વચ્ચે તમે ન માણ્યો હોય તો ફટ છે તમને

મંદ-મંદ વરસાદ અને અશોકનાં વડાપાંઉ

આ તમે વાંચશો ત્યારે મને તો અમેરિકા પહોંચી ગયાને બે વીક જેટલો સમય થઈ ગયો હશે પણ આ ફૂડ ડ્રાઇવ ઇન્ડિયા છોડતાં પહેલાં મેં કરી હતી. આ થઈ બેઝિક વાત, હવે વર્તમાનને ભૂલીને આપણે આવી જઈએ ભૂતકાળમાં.
૧૧ જુલાઈએ મારે અમેરિકા જવા નીકળવાનું હતું પણ એનો આગલો દિવસ એટલે રવિવાર અને આખો દિવસ હું ઘરમાં. મને થયું કે આનો તો સદુપયોગ કરવો જોઈએ. રવિવારની વાત મેં તમને કરી છે. રવિવારે મારે બે જ કામ હોય, કાં નાટક કરવાનું અને કાં નાટક જોવાનું. અમેરિકાની તૈયારીઓ ચાલતી હતી એટલે એ રવિવારે મેં શો રાખ્યો નહોતો અને નક્કી કર્યું હતું બહુ વખણાયેલું નાટક ‘ફાધર્સ ડે’ જોવા જવું. નાટકનો શો ભવન્સમાં અને મારું રહેવાનું લોખંડવાલા. લોખંડવાલાથી ચોપાટી જવા નીકળું એટલે સહેજે એક-સવા કલાક મને થઈ જાય. 
મને થયું કે અમેરિકા જતાં પહેલાં મુંબઈનાં વડાપાંઉ ખાઈ લઉં અને મિત્રો, આમ પણ વરસાદી વાતાવરણમાં વડાપાંઉ ખાવાની મજા અલગ જ હોય છે. કીર્તિ કૉલેજનાં વડાપાંઉ ખાવાનું નક્કી કરી મેં તો ગાડી લીધી સિદ્ધિ વિનાયક મંદિર તરફ. માહિમથી કાર્ટર રોડ અને ત્યાંથી તમે આગળ મંદિર તરફ જાઓ એની પહેલાં રાઇટ સાઇડ પર ગલીમાં આ કીર્તિ કૉલેજનાં વડાપાંઉ તરીકે પૉપ્યુલર છે એ અશોકનાં વડાપાંઉ મળે, પણ અહીં રાઇટ ટર્ન નથી એટલે તમારે આગળથી યુ-ટર્ન જ લેવો પડે. 
રવિવારે સાંજે છ વાગ્યાનો ટાઇમ, મંદ-મંદ વરસાદ અને વડાપાંઉ માટે ઓછામાં ઓછા સાઠ લોકોની લાંબી લાઇન. સાહેબ, સ્ટૉલથી દસ ફુટ આગળ રસ્સી બાંધી એક ભાઈ ઊભા હતા, જે આ લાઇનમાં ઊભેલા લોકોમાંથી પાંચ-પાંચ જણને વડાપાંઉ લેવા જવા દે. અહીં તમે ઊભા રહીને ખાઈ નથી શકતા, તમારે પાર્સલ જ લેવું પડે. આપણા ઘણા ગુજરાતીઓ ગાડીઓ લઈને વડાપાંઉ ખાવા આવ્યા હતા. પપ્પા બિચારા લાઇનમાં ઊભા હતા અને ફૅમિલી ગાડીમાં બેઠું હતું. 
ઘણા લોકો મને ઓળખી પણ ગયા પણ મને લોકો ઓળખે એના કરતાં અશોક વડાપાંઉવાળો મને ઓળખે એની જરૂર વધારે હતી. મારે આ અશોક વડાપાંઉવાળા અશોકની સાથે કનેક્શન કાઢવાનું હતું જેથી મને તરત વડાપાંઉ મળે. મેં કર્યો મારા મિત્ર ગણેશ ખખ્ખરને ફોન, જે અશોક વડાપાંઉવાળાની ઉપર જ રહે છે. ગણેશને મેં કહ્યું કે બહુ લાંબી લાઇન છે, તારી ઓળખાણ હોય તો મારે એક વડાપાંઉ ખાવું છે. ગણેશ તો અશોકભાઈને ઓળખતો નહોતો પણ ગણેશની વાઇફ સોનલ તેને ઓળખે એટલે અશોક પાસે જઈ તે વડાપાંઉ લઈ આવી. સોનલના કારણે જ મને ત્યાં ઊભા રહીને વડાપાંઉ ખાવા પણ મળ્યું અને જુઓ છો એ ફોટો પડાવવા પણ મળ્યો, પણ સાચું કહું સાહેબ, આ ફોટો-બોટોની લપમાં પડવાને બદલે અશોકનાં વડાપાંઉ ખાવાની લિજ્જત માણવાની હોય.
શું વડાપાંઉ! હું નથી માનતો કે મુંબઈમાં આનાથી વધારે ટેસ્ટી વડાપાંઉ ક્યાંય મળતું હોય. સૉફ્ટ પાંઉ અને એમાંથી સહેજ અમસ્તું બહાર ડોકાતું વડું. એ વડા સાથે ચેરી જેવી રતાશ ધરાવતી લસણની પાઉડર ચટણી, સાથે તીખીમીઠી ચટણી અને આ આખેઆખા કૉમ્બિનેશનની તૃપ્તિની ચરમસીમા પર લઈ જતી પેલી અંદર રહેલી ચૂરચૂર. આ ચૂરચૂર એટલે આપણે પેલી જે ચણાના લોટમાંથી બને એ મમરી. વડા તળતી વખતે ચણાના લોટનાં જે ટીપાં પડે અને વડા સાથે જે તળાઈ જાય એ મમરીને સહેજ ઓવરફ્રાય કરી અહીં વડાપાંઉમાં એ પણ મૂકવામાં આવે, જેને લીધે ક્રન્ચીનેસ અને સૉફ્ટનેસનું જે ડ્યુએટ પેટમાં ઉમેરાય કે બીજું કંઈ કહેવાનું મન જ ન થાય. બસ, એક જ શબ્દ કહેવો પડે.
આહાહાહા...
અશોકનાં વડાપાંઉ મુંબઈનું ટૂરિસ્ટ પ્લેસ બની ગયું છે. બહારથી આવનારા લોકો આ વડાપાંઉનો ટેસ્ટ કરવાનું પોતાના લિસ્ટમાં લખીને આવે છે અને સાહબે, તમે તો મુંબઈવાળા. ફટ છે તમને, જો તમે આપણા ચોમાસામાં વરસતા વરસાદ વચ્ચે અશોકનું વડાપાંઉ ખાધું ન હોય તો. ઊપડો અત્યારે જ અને હા, સોનલની ઓળખાણ મને કામ લાગી, તમારી પાસે કોઈ ઓળખાણ નથી એટલે તમે લાઇનમાં ઊભા રહેવાની તૈયારી સાથે જજો.

columnists Sanjay Goradia Gujarati food