સવારે ટિફિન અને સાંજે પરાઠા

12 April, 2025 04:29 PM IST  |  Mumbai | Darshini Vashi

પોતાનામાં રહેલી આવડતને તકમાં ફેરવીને આ મહિલાએ મલાડમાં એક શૉપની બહાર પરાઠાનો સ્ટૉલ શરૂ કર્યો

સિદ્ધિવિનાયક પરાઠા હાઉસ, લિબર્ટી ગાર્ડન રોડ 3 નજીક, મધર્સ બેકરીની સામે, મલાડ (વેસ્ટ)

એક મહિલા ચાહે તો શું નથી કરી શકતી એનું એક જીવંત ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું છે. મલાડ વેસ્ટમાં લિબર્ટી ગાર્ડન નજીક એક ગૃહિણીએ પોતાની કુકિંગની આવડતનો ઉપયોગ કરીને એક દુકાનની બહાર પોતાનો સ્ટ‍ૉલ શરૂ કર્યો છે. તે સવારે ઘરનું કામ પતાવીને પોતાના સ્ટૉલ ઉપર આવે છે જ્યાંથી ટિફિન પહોંચાડે છે અને પછી પરાઠા બનાવીને વેચે છે. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ઘરે જાય છે અને ઘરનાં કામ પતાવે છે.

આલૂ-ચીઝ પરાઠા(બટર)

મલાડ-વેસ્ટમાં સિદ્ધિવિનાયક પરાઠા હાઉસ નામનો સ્ટૉલ ધરાવતાં શ્વેતા શર્મા કહે છે, ‘હું એક હાઉસવાઇફ છું. મારાં બાળકો થોડાં મોટાં થઈ ગયાં એટલે હું ઘરની જવાબદારીઓમાંથી ઘણી હળવી થઈ ગઈ હતી. મને ફ્રી સમય પણ મળતો હતો એટલે મને વિચાર આવ્યો કે કેમ ન હું મારો ફૂડ-સ્ટૉલ શરૂ કરું? મને આમ પણ કુકિંગનો ખૂબ શોખ છે અને મારા હાથનાં પરાઠા બધાને ભાવે પણ ખરા એટલે મેં એનો સ્ટૉલ શરૂ કરવાનું નક્કી કર્યું, પણ સ્ટૉલ શરૂ કરવા પહેલાં મેં ઘરે કેટલાય મહિનાઓ સુધી અલગ-અલગ જાતનાં પરાઠા બનાવવાની પ્રૅક્ટિસ કરી હતી. ત્યાર બાદ મેં એક દુકાનની બહાર નાનકડો સ્ટૉલ નાખ્યો, જ્યાં ૩૦થી વધુ વરાઇટીનાં રેગ્યુલર અને જૈન પરાઠા બનાવીને આપું છું. તેમ જ સવારે ટિફિન પણ મોકલું છું.’

આમ તો અહીં ઘણી વરાઇટીના પરાઠા મળે છે પણ આલૂ-ચીઝ સ્ટફિંગવાળાં પરાઠા લોકોના સૌથી વધારે ફેવરિટ છે. આ સિવાય આલૂ-પ્યાઝ પરાઠા, પનીર પરાઠા વગેરેની પણ ઘણી ડિમાન્ડ રહેતી હોય છે. માત્ર ચીઝ વરાઇટીમાં જ ડઝનથી વધુ પરાઠા અહીં મળે છે. સાંજ પછી અહીં વધુ ભીડ રહેતી હોય છે. આ સ્ટૉલ તેઓ એકલાં જ સંભાળે છે. પરાઠાની સાથે દહીં અને તીખી ચટણી સર્વ કરવામાં આવે છે.

ક્યાં આવેલું છે? : સિદ્ધિવિનાયક પરાઠા હાઉસ, લિબર્ટી ગાર્ડન રોડ 3 નજીક, મધર્સ બેકરીની સામે, મલાડ (વેસ્ટ)

malad street food mumbai food indian food life and style columnists gujarati mid-day mumbai darshini vashi