શ્રાદ્ધમાં કાગવાસ કેમ? એમાંય ખીર જ કેમ?

17 September, 2019 03:41 PM IST  |  મુંબઈ | શ્રાદ્ધ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

શ્રાદ્ધમાં કાગવાસ કેમ? એમાંય ખીર જ કેમ?

ખીર

ભાદરવા સુદ પૂનમથી ભાદરવી અમાસ સુધીના દિવસો શ્રાદ્ધપક્ષ કહેવાય છે. હિન્દુ  સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં; ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ, પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં પણ આ દિવસો મહત્વના છે. ઍક્ચ્યુઅલી આ થૅન્ક્સ ગિવિંગ પર્વ છે. ઘરે બનાવેલું ખીર સહિતનું ભોજન કાગવાસરૂપે રાખી દિવંગત પૂર્વજો, સ્નેહીઓ, ગુરુઓનું, મિત્રોનું, સેવકોનું, ઇન શૉર્ટ, આપણી લાઇફમાં આવેલી દરેક મૃત વ્યક્તિનું ઋણ ચૂકવવાનો અવસર છે

ગયા શનિવારથી તમને મોટા ભાગનાં ઘરોની છત પર કે બિલ્ડિંગની પાળીઓ પર કેળનાં પાન પર અથવા પતરાળામાં ખીર-પૂરી સહિત સંપૂર્ણ ભોજનનું થોડું-થોડું પોર્શન કાગવાસરૂપે જોવા મળતું હશે. યસ, શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ગયા છે અને હિન્દુ ધર્મ પાળતા દરેક પ્રાંત, જ્ઞાતિ, પેટાધર્મની વ્યક્તિઓ પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ રાખે છે. હવે તમને પહેલો સવાલ એ થશે કે મહિનાના અંતિમ ૧૬ દિવસોમાં જ કેમ શ્રાદ્ધપક્ષ આવે છે? શ્રાદ્ધમાં કેમ કાગવાસ રાખવામાં આવે છે? એમાંય વળી ખીર કેમ આવશ્યક છે? આપણે અહીં અન્ન રાખીએ તે પિતૃઓને કઈ રીતે પહોંચે? આવા પ્રશ્નોના જવાબ મેળવવા અમે મળ્યા હિન્દુ પંડિતો અને વિધિવિધાન કરાવનારા મહારાજોને.

દેવાંગભાઈ ભટ્ટ શ્રાદ્ધ વર્ષના આ જ દિવસોમાં કેમ આવે છે એ વિશે સમજાવતાં કહે છે, ‘ખગોળશાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવ દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે એને કારણે ભાદરવા મહિનામાં એ કન્યા અને ત્યાર બાદ તુલા રાશિ તરફ પ્રયાણ કરે છે. બ્રહ્માંડ ૧૨ રાશિ અને ૨૭ નક્ષત્રોથી બંધાયેલું છે. મેષ રાશિ પ્રવેશદ્વાર છે તો બારમી મીન રાશિ મોક્ષનું દ્વાર છે. આ રાશિ  બ્રહ્મલોક કે દેવલોક સાથે સંકળાયેલી છે. એ જ રીતે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે. કન્યા રાશિમાં સૂર્યનું આગમન થતાં જ પિતૃલોક પ્રવૃત્ત અને જાગૃત થાય છે. આથી  ભાદરવી પૂનમથી ભાદરવી અમાસના ૧૬ દિવસોમાં શ્રાદ્ધનું પર્વ મનાવાય છે.

શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? એના જવાબમાં દહિસરમાં રહેતા પંડિત ઉમેશભાઈ ગોર કહે છે, ‘શ્રાદ્ધ મંત્રયુક્ત ક્રિયા છે; જે પિતૃઓની શાંતિ, તૃપ્તિ અને મોક્ષ માટે કરવામાં આવે છે. ફક્ત  પિતૃઓ જ નહીં, આપણા જીવનમાં આવેલી દરેક નાની-મોટી મૃત વ્યક્તિઓનું ઋણ ચૂકવવા આ વિધિ થતી હોય છે. એક પ્રકારે આ થૅન્ક્સ ગિવિંગ પ્રક્રિયા છે. મૃત્યુ બાદ વ્યક્તિનો સ્થૂળ દેહ  ચિતામાં નષ્ટ થઈ જાય છે, પણ જીવની ઇચ્છાઓ નષ્ટ થતી નથી. જે જીવ અતૃપ્ત કામનાઓ  પાછળ અટકી જાય તેમની સદ્ગતિ નથી થતી. હિન્દુ માન્યતા અનુસાર મૃત્યુ બાદ જીવ સૌપ્રથમ પ્રેતયોનિમાં જાય છે અને મરણ બાદ કરાતી બારમા-તેરમાની વિધિ પછી એ પિતૃલોકમાં જાય છે. આપણા પૂર્વજો વિવિધ યોનિમાં જન્મ લે છે તેઓ રાક્ષસ, યક્ષ, નાગ, દેવ જેવી યોનિમાં હોઈ શકે છે. આ દરેકને અન્નની આવશ્યકતા હોય છે અને ભોજન કેવળ પૃથ્વીલોકમાં મળે છે. આથી પિતૃપક્ષ આરંભ થતાં પિતૃઓ સંતૃપ્તિ માટે પોતાના પરિજનોના ઘરે આવે છે. આથી મૃત સંબંધીઓની મૃત્યુતિથિ કે સર્વ પિતૃ અમાસે તેમનું શ્રાદ્ધ કરવું અને કાગવાસ ધરવો ખૂબ મહત્વપૂર્ણ છે. આ કાર્યથી તેઓ વર્ષભર તૃપ્ત રહે છે.’

પૃથ્વીલોકમાં ધરેલો કાગવાસ પિતૃલોકમાં કઈ રીતે પહોંચે અને જો પિતૃઓનો બીજો જન્મ થઈ ગયો હોય તો તેમને તૃપ્તિ કઈ રીતે મળે? એના ઉત્તરમાં દેવાંગભાઈ ભટ્ટ કહે છે કે ‘ભૂખ સ્થૂળ છે, તૃપ્તિ સૂક્ષ્મ. ભૂખ શાંત થવી અને તૃપ્તિ થવી બે ભિન્ન-ભિન્ન વિષય છે. પૂર્વજો ભલે પિતૃલોકમાં હોય, કોઈ પણ યોનિમાં હોય, પિતૃલોકના દેવતાઓ તેમને અહીંથી સૂક્ષ્મ અન્ન પહોંચાડે, ઈવન પુનર્જન્મ થયા પછી પણ કાગવાસરૂપે અપાયેલું તર્પણ એ જીવને ઠારે છે. તમે ક્યારેક કોઈ કારણ વગર ખૂબ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કર્યો હશે એનું કારણ છે કોઈક જન્મનાં સંતાનોએ તમારું તર્પણ કર્યું છે, તમારી તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્યું છે.’

શ્રાદ્ધ કરવાની પરંપરા કાંઈ આજકાલની નથી એમ કહેતાં પંડિત ગૌતમભાઈ ઠક્કર ‘મિડ-ડે’ને કહે છે, ‘રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન રામે પોતાના પિતાજી દશરથ રાજાનું શ્રાદ્ધ પુષ્કરમાં કર્યું હતું. શ્રાદ્ધવિધિ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર એમાં થોડા ફેરફાર ચોક્કસ આવ્યા છે. દરેક જ્ઞાતિના રિવાજો તથા રસમો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવાની ટ્રેડિશન એકસમાન છે. આ સમયમાં થતા શ્રાદ્ધને મહાલય શ્રાદ્ધ કહેવાય છે, જેમાં કાગવાસમાં ખીર ધરાવવી અત્યંત મહત્વની છે. પિતૃઓ આ સમયમાં વાયુસ્વરૂપે ફરતા હોય છે. ઊકળતા દૂધમાં ચોખા ભળતાં એક સોડમ ઉત્પન્ન થાય છે જેનાથી પ્રસન્ન થઈ વાયુતત્વ આકર્ષાય છે અને આ સુગંધથી પિતૃઓને તૃપ્તિ મળે છે. માટે કાગવાસમાં ખીરને જરૂરી માનવામાં આવી છે. હવે જો પર્યાવરણની દૃષ્ટિએ આ તહેવારની કાગવાસરૂપે ઉજવણીની વાત કરીએ તો કાગડા ભાદરવા મહિનામાં ઈંડાં મૂકે છે અને એનાં બચ્ચાંઓને પોષણરૂપે ખીરનો ખોરાક મળી જાય જેથી કાગડાની નવી જનરેશન ઊછરી જાય.   અને કાગડાનું કાર્ય તો આપ જાણો જ છો. સૃષ્ટિને સ્વચ્છ કરવાની સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પીપળો અને વડ કોઈ બીજ કે રોપા સ્વરૂપે ઉગાડી શકાતું નથી. આ બન્ને વૃક્ષોના ટેટા કાગડો ખાય અને એના પેટમાં આખી પ્રોસેસ થાય એ પછી એ વિસ્ટારૂપે બીજ જ્યાં પડે ત્યાં આ તરુવર ઊગે. આ પ્રકૃતિની ગોઠવણ છે અને આ વ્યવસ્થા બરાબર ચાલે એથી આપણા ધર્મમાં આ સમયમાં કાગવાસ મૂકવાની પ્રથાને ધાર્મિક ક્રિયારૂપે વણી લેવામાં આવી છે. આરોગ્યની દૃષ્ટિએ પણ બે ઋતુના સંધિકાળ સમા આ સમયમાં ખીર આરોગવી પેટ માટે શાતાદાયક ગણાય છે.

ઑથેન્ટિક ખીર

સામગ્રી

દોઢ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા, ૩૦૦થી ૩૫૦ ગ્રામ ખાંડ, એલચી અથવા જાયફળનો ભૂકો.

રીત

સૌપ્રથમ ૨૦૦ ગ્રામ ચોખાને પાણીથી ધોઈને પાણીમાં ૩૦થી ૪૦ મિનિટ પલાળવા દેવા. જાડા તળિયાવાળા વાસણમાં દૂધ કાઢી એને ગૅસ પર ગરમ કરવા મૂકવું. દૂધમાં ઊભરો આવે એટલે પલાળેલા ચોખા પાણી નિતારીને દૂધમાં નાખી દેવા અને દૂધ તથા ચોખા સતત હલાવતા રહેવું. ૨૦થી ૨૫ મિનિટ બાદ ચોખાનો દાણો પાકે અને દૂધ પણ ગાઢું થવા માંડે એટલે એમાં ખાંડ નાખવી. ખાંડનું પ્રમાણ સ્વાદ અનુસાર વધારી કે ઘટાડી શકાય. જોકે અત્યંત વધુ ખાંડવાળી ખીર ખાવાથી એની એક્સ્ટ્રા મીઠાશને કારણે મોઢું ભાંગી જાય છે એ જ રીતે બહુ માઇલ્ડ સ્વીટ ટેસ્ટની ખીરમાં સ્વાદ ઊઠીને નથી આવતો.

સાકર નાખ્યા બાદ અગેઇન ખીર હલાવતા રહેવું. ખાંડનું પાણી બળી જાય અને ભાત તથા દૂધ એકરસ થઈ જાય એટલે એમાં એલચી અથવા જાયફળનો ભૂકો ઉમેરવો. કાગવાસમાં મૂકવામાં આવતી ખીરમાં જનરલી કેસર કે અન્ય ડ્રાયફ્રૂટ નાખવામાં આવતાં નથી.

ટિપ્સ

ખીરને અત્યંત ગાઢી રબડી જેવી પણ નથી બનાવવાની અને દૂધ-ચોખા અલગ રહે એવી પાતળી પણ નથી બનાવવાની. જો વધુ પાતળી લાગતી હોય તો દૂધ વધુ ઉકાળવું અથવા રાંધેલા ભાતને થોડા ક્રશ કરી ખીરમાં ભેળવવા અને જો ખીર ખૂબ જાડી બની ગઈ હોય તો દૂધ ગરમ કરી ખીરમાં જરૂર પૂરતું ભેળવી શકાય.

આ પણ વાંચો : આવી રીતે બનાવો પીત્ઝા સૉસ

દૂધ ગરમ કરવા મૂકો ત્યારથી અંત સુધી ખીરને લાકડાના ચમચા વડે હલાવતા રહેવું જેથી દૂધ કે ભાત ચોંટી ન જાય અને ખીરમાં દાઝવાની વાસ બેસી ન જાય. સ્ટીલના ચમચાથી ચોખાનો દાણો ભાંગી જવાની શક્યતા વધુ રહે છે અને ખીરમાં ભાતનો લાંબો દાણો વધુ સરસ લાગે છે આથી એને હલાવવા માટે લાકડાનો ચમચો વાપરવો.

Gujarati food