શેફ, તમને જે પીરસવું હોય એ પીરસો

20 April, 2023 04:52 PM IST  |  Mumbai | Sejal Patel

મુંબઈની આ કદાચ એકમાત્ર રેસ્ટોરાં છે જ્યાં માત્ર અને માત્ર વેજિટેરિયન સેવન કોર્સ ઓમાકસે સર્વ થાય છે. એક ખાતાં બીજી ભુલાય એવી જૅપનીઝ, ચાઇનીઝ, ભુતાનીઝ એશિયન વાનગીઓનો રસથાળ એક વાર માણવા જેવો ખરો  

પનીર ચિલી ઑઇલ અને પેકિંગ ચિલી ઑઇલ ડમ્પલિંગ

બાંદરાની તાઓ એશિયન કિચનમાં જઈને તમે આમ કહી શકો છો. જૅપનીઝ ટ્રેડિશનમાં એને કહેવાય છે ઓમાકસે. મુંબઈની આ કદાચ એકમાત્ર રેસ્ટોરાં છે જ્યાં માત્ર અને માત્ર વેજિટેરિયન સેવન કોર્સ ઓમાકસે સર્વ થાય છે. એક ખાતાં બીજી ભુલાય એવી જૅપનીઝ, ચાઇનીઝ, ભુતાનીઝ એશિયન વાનગીઓનો રસથાળ એક વાર માણવા જેવો ખરો  

છેલ્લા બે-ત્રણ વખતથી પ્યૉર વેજ રેસ્ટોરાં અને કૅફેઝના રિવ્યુ પછી વાચકોએ ડિમાન્ડ કરી કે યે દિલ માંગે મોર. હજી વધુ પ્યૉર વેજ કંઈક હટકે પીરસતી રેસ્ટોરાં વિશે જણાવો. અમે પણ થોડાંક ખાંખાંખોળા કર્યાં તો બાંદરા-વેસ્ટમાં એક મજાનું એશિયન ખાણું પીરસતી રેસ્ટોરાં મળી ગઈ. નામ છે તાઓ એશિયન કિચન. રેસ્ટોરાંની બહાર જ ભગવાન બુદ્ધનું મોટું સફેદ કલરનું સ્ક્લ્પ્ચર છે. પાસે કાંસાના વાસણમાં પાણીની અંદર સુગંધિત ફૂલોની સરસ ગોઠવણી છે. બહારથી તો વાઇબ્સ બહુ સરસ છે અને અહીં એક મજાની જૅપનીઝ ટ્રેડિશન મુજબનું જમણ સર્વ થાય છે. એને કહેવાય ઓમાકસે. આ શબ્દનો અર્થ એ થાય કે શેફની ચૉઇસ જે હોય એ ખાઈશું. મુંબઈની આ એકમાત્ર પ્યૉર વેજ ઓમાકસે પીરસતી રેસ્ટોરાં છે. 

ભલા, આ ઓમાકસે શું ચીજ છે? જરાક સમજીએ. કોઈ પણ રેસ્ટોરાંમાં જઈએ ત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં મેનુ હોય. એક કાં તો ફિક્સ થાળી અને બીજું લા કાર્ટ મેનુ. ઓમાકસે આ બેની વચ્ચેનું કંઈક હોય. મતલબ કે એ ફિક્સ થાળી નથી, પરંતુ તેમના લા કાર્ટ મેનુમાંથી શેફને જે પસંદ આવે એમાંથી બે એપિટાઇઝર, બે સ્ટાર્ટર, મૉકટેલ, બે મેઇન કોર્સ, ડિઝર્ટ એમ પસંદ કરીને ફિક્સ વાનગીઓ પીરસે. તાઓ એશિયન કિચનમાં અનલિમિટેડ ઓમાકસે છે. મતલબ કે અહીં સેવન કોર્સ વાનગીઓની સંખ્યા ફિક્સ હોય, પણ એ તમારે જેટલી ખાવી હોય એટલી ખાઓ. 
અહીંના મેનુમાં ડિમસમ, સુશીઝ, સ્ટાર્ટર્સ, એપિટાઇઝર્સ, મેઇન કોર્સ હોય કે ડિઝર્ટ; જોઈએ એટલા ભરપૂર ઑપ્શન્સ છે. ૧૦૦ ટકા વેજિટેરિયન રેસ્ટોરાંની ૮૦ ટકા વાનગીઓ તમને જૈનમાં પણ મળે છે અને હા, અહીં આલ્કોહૉલ સર્વ થતો નથી. એટલે ગુજરાતી ફૅમિલી ક્રાઉડ માટે પર્ફેક્ટ ચૉઇસ!

સ્ટર ફ્રાઇડ ઉડો નૂડલ્સ

અમે પણ અહીં જઈને પહેલાં તો મેનુ એક્સપ્લોર કર્યું. આ ખાવું કે પેલું? દરેક સેક્શનમાંથી કઈ ડિશ પસંદ કરવી એની ખાસ્સી મૂંઝવણ પછી અમે પણ શેફના હાથમાં અમારા પેટનું ભવિષ્ય સોંપી દીધું. કહ્યું, ‘ઓમાકસે, જે ખવડાવવું હોય એ ખવડાવો!’ 

બસ, એ પછી શરૂ થયું સેવન કોર્સ મીલમાંથી એક પછી એક આઇટમનું આગમન. હા, અમે અમને ભાવતાં ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે શેફને થોડુંક જણાવી પણ દીધું કે વૉટર ચેસ્ટનટની ચીજો અમને ભાવે છે અને મશરૂમ અને એડમામે વગેરે ન હોય તો સારું. તમારે પણ આવું કરી જ લેવું કેમ કે તમારી ચૉઇસની જો શેફને પણ ખબર હોય તો કદાચ શેફનું કામ સરળ થાય અને તમારો અનુભવ પ્લેઝન્ટ રહે. વળી જેટલા લોકો હોય એ મુજબ અલગ વાનગીઓ સર્વ કરવાનું કહેશો તો વધુ વાનગીઓ ટ્રાય કરી શકાશે. 

ક્રિમી અવાકાડો માકી

અમે કેટકેટલું ચાખ્યું એની યાદી અહીં બનાવવાની અઘરી છે, પણ જે વાનગીઓએ અમારી જીભને ખુશ કરી દીધી એની વાતો જ આજે કરીશું. સૌથી પહેલાં જ વાત કરીએ એક્ઝૉટિક વેજિટેબલ સૂપ વિથ ગ્લાસ નૂડલ્સની. વેજિટેબલ સ્ટૉકમાં મસ્ત મોટાં સમારેલાં એક્ઝૉટિક વેજિટેબલ્સ પાઇપિંગ હૉટ હતાં. એની અંદર ટ્રાન્સપરન્ટ સેવ હતી, જે સ્મૂધ અને મોંમાં મમળાવવાની મજા આવે એવી હતી. નૅચરલ તીખાશ ધરાવતો સૂપ ભૂખ ઉઘાડે એવો છે. ખૂબ બારીક સમારેલાં શિંગોડાં અને અને બ્રૉકલીવાળું ડિમસમ પણ મજાનું હતું. વરાળથી બાફેલું ડિમસમનું પડ એટલું સૉફ્ટ છે કે જો બરાબર પકડતાં ન આવડે તો પડ ફાટી જશે. એ સ્વાદમાં સહેજ મોળું, પણ મજાનું હતું. એને સરભર કરે એવું બીજું હતું ચિલી ઑઇલ ડમ્પલિંગ. નામ મુજબ જીભને તિખારો કરાવે એવું. 

બ્લુ રાઇસ વિથ બ્લૅક બીન સૉસ

અમારી સૌથી ગમતી વાનગી હતી વૉટર ચેસ્ટનટની. આખા અને કાચા શિંગોડાની ગોટીઓ બનાવેલી હતી. બે અલગ-અલગ સૉસમાં શિંગોડાની વાનગી આવી. એકમાં પ્લમ સૉસ હતો ને બીજામાં હુનાન સૉસ. પ્લમ સૉસ મસ્ત ખટમીઠો. જાણે ગુજરાતી જીભ માટે જ બન્યો હોય. તમે કહેશો આ વળી ગુજરાતી જીભ શું છે? હા, ટેક્નિકલી ભલે એવું ન હોય પણ ગુજરાતીઓની જીભને હંમેશાં ખટમીઠી ચીજો જ વધુ ભાવતી આવી છે. દાળ હોય તો એ પણ ખટમીઠી, અથાણું હોય કે ખમણઢોકળાં; પણ ખટાશ અને ગળપણનું બૅલૅન્સ ગુજરાતીને ગમે જ. અમને પણ ગમ્યો. સાથે જ હુનાન સૉસવાળાં શિંગોડાં પણ મજાનાં છે. હુનાન સૉસ તીખો જરૂર છે, પણ એમાં ફર્મેન્ટેશન વધુ નથી એટલે અમને વધુ ગમ્યો. 

આ પણ વાંચો : અહીં પેટ અને જીભ બન્ને ખુશ થઈ જશે

સ્ટાર્ટરમાં એક કૉટેજ ચીઝ વિથ ચિલી ઑઇલમાં પણ મજા આવી. એમાં ચિલી ઑઇલની સાથે બેસિલનાં ફ્રેશ પાંદડાં પણ છે, જે પનીરના મોળા સ્વાદમાં એક માઇલ્ડ પણ દિલખુશ કરી દે એવી ફ્લેવર આપે છે. હા, એમાં થોડુંક ઑઇલ વધારે હોય એવું લાગી શકે, પણ માત્ર પનીરના ટુકડા પર ચોંટેલા ઑઇલ સિવાયના ઑઇલને ઇગ્નૉર કરશો તો વાંધો નહીં આવે. 

વૉટર ચેસ્ટનટ વિથ પ્લમ સૉસ

ટુ બી ઑનેસ્ટ, પર્સનલી સુશીની હું બહુ ચાહક નથી છતાં ક્રીમી અવાકાડો માકી અને ટેમ્પુરા કૅલિફૉર્નિયા માકી અમે ટ્રાય કરી. ટેમ્પુરા માકીમાં જે ચોખા વપરાયેલા એ સહેજ ફાયર ટૉર્ચથી શેકીને કડક કરેલા હોય એવું લાગ્યું. એને કારણે મજા આવી. સુશીમાં સાથે પીરસાતું જે આથેલું આદું અને વસાબી હોય છે એ ખાવામાં જ બહુ મજા આવે છે. અહીં થાઇલૅન્ડનું આદું હોવાથી એની પાતળી કતરી પણ બહુ મોટી છે અને આથાની પ્રોસેસ પણ પર્ફેક્ટ છે. જોકે અહીંના સોય સૉસમાં સોડિયમની માત્રા ઘણી જ વધારે લાગી એટલે સોય સૉસમાં ડિપ કર્યા વિના જ અમે ટlમ્પુરા માકી ખાધી. 

લોટસ સ્ટેમ વિથ હની-ચિલી 

મેઇન કોર્સ આવે ત્યાં સુધી વચ્ચે એક ચટપટું સ્ટાર્ટર મળ્યું. લોટસ સ્ટેમ ઇન ચિલી સૉસ. કમળકાકડીની પાતળી વેફર્સ બનાવેલી હતી. એને હની અને ચિલી સૉસમાં મૅરિનેટ કરીને પીરસવામાં આવેલી. જો મેઇન કોર્સ માટે પેટમાં જગ્યા ન રાખવાની હોત તો અમે બાઉલ ભરીને કમળકાકડીની વેફર્સ ઝાપટી ગયા હોત. 

એમ છતાં જૅપનીઝ બ્લુ રાઇસની સાથે એક્ઝૉટિક બ્લૅક બીન સૉસ તેમ જ સ્ટર ફ્રાઇડ ઉડો નૂડલ્સ જ્યારે મેઇન કોર્સમાં સર્વ થયાં ત્યાં સુધીમાં પેટ છલકાઈ ચૂક્યું હતું. બ્લુ રાઇસની વાનગી અવ્વલ છે એવું ન કહી શકાય, પણ ટેસ્ટી જરૂર છે. 

ક્યાં? : તાઓ એશિયન કિચન, ઓએનજીસી કૉલોની, નિત્યાનંદ રોડ, બાંદરા-વેસ્ટ કિંમતઃ ૧૭૯૯ રૂપિયા (અનલિમિટેડ ઓમાકસે)

તાઓ દરસાન ઇઝ મસ્ટ

પેટમાં જરાય જગ્યા બચી ન હોવા છતાં ડિઝર્ટ વિના કોઈ પણ સેવન કોર્સ મીલ પૂરું ન જ થાય. બહુ સારું થયું કે અમે આ મિસ ન જ કર્યું. બે ડિઝર્ટ્સ અમે ટ્રાય કર્યાં. એક લેમનગ્રાસ કોકોનટ આઇસક્રીમ અને બીજું તાઓ દરસાન. દરસાન એ ચાઇનીઝ ડિઝર્ટ છે જેમાં આઇસક્રીમની સાથે ફ્લૅટ નૂડલ્સને ફ્રાય કરીને હનીમાં મૅરિનેટ કરીને સર્વ કરવામાં આવે છે. આય હાય, નૂડલ્સ તળેલાં ખાવાનાં? એમ વિચારીને નાકનું ટીચકું ચડાવવાની જરૂર નથી. એક ચમચી નૂડલ્સ ભરીને સાથે આઇસક્રીમનો ચન્ક મોંમાં મૂકશો તો આપમેળે આંખો બંધ થઈ જશે અને સ્વાદ મનમાં ભરી લેવાનું મન થશે. 

life and style japan bandra sejal patel columnists