સાદગી જ અલ-ખલીલની ચાની ખાસિયત છે

29 September, 2022 01:56 PM IST  |  Surat | Sanjay Goradia

દરરોજ ત્રણ હજાર દૂધની કોથળીની જ્યાં ચા બને છે ત્યાં ચાનો દરેકેદરેક કપ એકસરખી સોડમ અને ફ્લેવરનો હોય એ ખરેખર તાજ્જુબ જ કહેવાય

સાદગી જ અલ-ખલીલની ચાની ખાસિયત છે

આજની આપણી ફૂડ ડ્રાઇવ ચાની છે. તમને થાય કે ચાની?
હા ચાની, કારણ કે આ ચા છે પણ એવી.
માંડીને વાત કહું. 

ગયા અઠવાડિયે સુરતના જય જલારામ રસાવાળા ખમણનો આસ્વાદ આપણે કર્યો એ જ જય જલારામથી લગભગ વીસેક મીટર આગળ જ મને એક દુકાન દેખાઈ. નામ એનું અલ-ખલીલ. પૂછપરછ કરી તો ખબર પડી કે ત્યાં ચા મળે છે પણ સાહેબ, ભીડ કહે મારું કામ. ભીડ જોઈને મને થયું કે આ ચાનો ટેસ્ટ કરવો પડે, પણ સમયના અભાવે પી શકાઈ નહીં. જોકે કહે છેને અગર આપ કિસી ચીઝ કો પૂરી શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત તુમ્હે ઉસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.

એવું જ બન્યું. ફરી શો આવ્યો સુરતનો અને અમે રવાના થયા મુંબઈથી. મનમાં હતું કે આજે પહેલું કામ પેલા ખલીલને ત્યાં જવાનું કરવું છે. સુરતનો અમારો ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલા અમને લેવા આવ્યો. હું અને મારા સાથી કલાકારો વસીમની ગાડીમાં ગોઠવાયા કે તરત જ મેં વસીમને કહ્યું કે આપણે સંજીવકુમાર ઑડિટોરિયમ પર જઈએ એ પહેલાં ખલીલની ચા પીવાની ઇચ્છા છે. વસીમે ગાડી એ બાજુએ લીધી. મિત્રો, એ આખો ચોક બજાર અને ભાગળ અતિશય ભીડવાળો વિસ્તાર છે. ત્યાં ગાડી ચલાવવી પણ મુશ્કેલ પડે અને પાર્કિંગ તો ભાગ્યે જ મળે. સદ્ભાગ્યે અમને પાર્કિંગ મળી ગયું અને અમે દુકાનમાં ગયા. વસીમે બધા માટે ચા સાથે બન મસ્કા, જીરા બિસ્કિટ, ટોસ્ટ અને મેંદાની પૂરી એમ ચારેક આઇટમ મગાવી. 

આઇટમનો આસ્વાદ કરતાં પહેલાં તમને કહું, આ જે ખલીલ ચાવાળો છે એ સુરતનો જૂનામાં જૂનો ચાવાળો છે. ચોકબજારમાં વર્ષોથી બેસે. પહેલાં એક નાનકડી રેંકડી લઈને બેસતો, સમય જતાં પાછળની દુકાન ખરીદી અને જેમ-જેમ સક્સેસ વધતી ગઈ એમ-એમ એ દુકાનના ગાળા વધારતો ગયો. આજે રોજ ત્રણ હજાર દૂધની થેલીની એ ચા વેચે છે. તમને થાય કે ચામાં આટલું મોટું એક્સપાન્શન! હા, પણ આ હકીકત છે. તમે તેની ચા પીઓ તો તમે પણ સહજ રીતે સ્વીકારી લો કે આ માણસને હક છે.

એકદમ અફલાતૂન ચા. ચામાં આદું કે લીલી ચાની પત્તી કે એવું બીજું કશું નાખ્યું નહોતું. પ્યૉર કઢેલા દૂધની ચા અને અદ્ભુત એનો ટેસ્ટ. એક પ્યાલી ચા પીવો એટલે તમારી સુસ્તી ઊડી જાય. ખલીલમાં જે દૂધ વપરાય છે એ વિજય ડેરીનું દૂધ છે. વિજય ડેરી સુરતની ખૂબ જ પ્રખ્યાત ડેરી, એની દૂધની બધી જ આઇટમ ખૂબ વખણાય છે. અમે જે બન મસ્કા મંગાવ્યું હતું એમાં જે માખણ વપરાયું હતું એ પણ વિજય ડેરીનું હતું. ડિટ્ટો આપણા અમૂલ બટર જેવું જ. આ બન મસ્કાની બીજી પણ એક ખાસિયત હતી. એનો બન સ્વીટ નહોતો, નૉર્મલી કેવું હોય કે બન મસ્કામાં જે બન હોય એમાં ટૂટીફ્રૂટી નાખેલી હોય અને એ ટેસ્ટમાં સ્વીટ હોય, પણ ખલીલમાં મળતા બન મસ્કાનું બન નૉર્મલ હતું અને એની સૉફ્ટનેસ પણ ગજબનાક હતી. એનું કારણ કદાચ સુરતનું પાણી હશે. બનની ઉપર બટર લગાડી એના પર દળેલી સાકર નાખી હતી, જેને કારણે એનો ટેસ્ટ અદ્ભુત આવતો હતો. 

વાત કરીએ જીરા બિસ્કિટની તો જીરા બિસ્કિટમાં સુરત બધાનું બાપ છે. સુરતમાં ક્યાંય પણ જીરા બિસ્કિટ ખાઓ તો તમને મજા જ આવે. મંગાવેલા ટોસ્ટનો ટેસ્ટ પણ સર હતો પણ સાહેબ, મેંદાની પૂરી સાચા અર્થમાં ગેમ ચેન્જર હતી. અદ્ભુત પૂરી. એકદમ કરકરી અને છતાં પણ એવી સૉફ્ટ કે હોઠથી ભાંગી જાય. આછી અમસ્તી મરીની તીખાશનો સ્વાદ તમને ગળામાં આવે.
આ બધી આઇટમ ટેસ્ટ કર્યા પછી ખલીલને ત્યાં જોયેલી ભીડ અને તેની સક્સેસનું રહસ્ય સમજાઈ ગયું. ચોકબજારની જે દુકાને અમે ગયા હતા એ ખલીલની મેઇન બ્રાન્ચ અને આખા સુરતમાં આવી બીજી દસ બ્રાન્ચ. ચાની ફ્રૅન્ચાઇઝીનું જે ચલણ હવે શરૂ થયું છે એની સૌથી મોટી મજા એ છે કે ચાનો ટેસ્ટ બધી જગ્યાએ સરખો જળવાયેલો રહે છે. આપણે ત્યાં મુંબઈમાં પણ હવે નાગોરી અને યેવલેની ચા આવી ગઈ છે. બને કે ભવિષ્યમાં કદાચ આપણને ખલીલની ચા પણ મુંબઈમાં પીવા મળે અને જો ત્યાં સુધી રાહ ન જોવી હોય તો સુરત જાઓ ત્યારે...
સમજી ગયાને?

columnists Sanjay Goradia surat