રિટાયરમેન્ટનું સ્વાદિષ્ટ વળતર

13 April, 2023 05:04 PM IST  |  Mumbai | Sanjay Goradia

મુલુંડના દેશમુખ ગાર્ડનની સામે આવેલી સમર્થ રેસ્ટોરાં આવક માટે નહીં પણ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિના ભાવ સાથે બની છે, જે તમને ત્યાં મળતી દરેક વરાઇટીમાં સ્પષ્ટ રીતે વર્તાય પણ છે

રિટાયરમેન્ટનું સ્વાદિષ્ટ વળતર

આજે આપણી ફૂડ ડ્રાઇવ દાખલ થઈ રહી છે મુલુંડમાં. હમણાં મારે નાટકના શો માટે મુલુંડ જવાનું બહુ બને છે એટલે મને હતું કે ઘણા વખતથી મુલુંડમાં કંઈ સારી ખાવાની વરાઇટી શોધી નથી તો ‘મિડ-ડે’ના વાચકો માટે મારે મુલુંડમાં કંઈક શોધવું અને એમાં મને હેલ્પ મળી ગઈ મારા સાથી-કલાકાર ભાસ્કર ભોજકની. ભાસ્કરે મને કહ્યું કે સંજયભાઈ, તમને હું મુલુંડનાં બેસ્ટ વડાપાંઉ ખવડાવું. ભાસ્કરનું મુલુંડમાં સાસરું છે એટલે તે મુલુંડની જ્યોગ્રાફીથી પણ સારોએવો વાકેફ. અમારો શો હતો મુલુંડ વેસ્ટના કાલિદાસ ઑડિટોરિયમમાં. ભાસ્કર મને તેની બાઇક પર લઈ ગયો ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા દેશમુખ ગાર્ડન પાસે. આ ગાર્ડનની સામે સમર્થ નામની સાવ નાનકડી દુકાન છે. આ સમર્થનો ઇતિહાસ સમજાવતાં ભાસ્કરે મને કહ્યું કે આ રેસ્ટોરાંના જે માલિક છે એ અંકલને આ કામ કરવાની કોઈ જરૂર નથી, પણ રિટાયરમેન્ટ પછી એમ જ બેસી રહેવાને બદલે એ અંકલે આ નાનકડી ખોબા જેવડી રેસ્ટોરાં શરૂ કરી. સમર્થ આજે ધમધોકાર ચાલે છે. સમર્થમાં સમોસા, બટેટાવડાં, સાબુદાણા વડાં જેવી વરાઇટીઓ મળે છે.

અહીં જઈને તમે વડાપાંઉ માગો તો એ તમને અંદર લીલી ચટણી અને સૂકી લસણની પાઉડર ચટણી નાખીને આપે. જો તમે વધારે માગો તો વધારે ચટણી આપવાની નમ્રતા સાથે ના પાડે અને કહે કે તમે પહેલાં ખાઓ, પછી જોઈશે તો આપીશ. આવું શું કામ એવું મને મનમાં થયું, પણ વડાપાંઉ ટેસ્ટ કર્યું ત્યાં તો તરત જ કારણ સમજાઈ ગયું.

વડાપાંઉમાં જે વડું હતું એ એકદમ ટેસ્ટી હતું તો એની ઉપરનું જે પડ હતું એ પડ એકદમ ક્રન્ચી હતું. આ ઉપરાંત એની જે બન્ને ચટણી હતી એ એવી તે અદ્ભુત હતી કે એ વડાપાંઉને નેક્સ્ટ લેવલ પર લઈ જતી હતી. જો કદાચ એમાં વધારે ચટણી પડી હોત તો વડાનો જે સેપરેટ ટેસ્ટ હતો એ ન આવ્યો હોત. મેં ઘણી જગ્યાએ જોયું છે કે વડાપાંઉ માટેના વડાના ટેસ્ટ પર ખાસ ધ્યાન નથી અપાતું. વડું ટેસ્ટી હોય તો એમાં વધારાના એક પણ સ્વાદ ઉમેરવાની જરૂર પડતી નથી. મિત્રો, આપણે શું કરતા હોઈએ કે વધારાના સ્વાદ માટે ચટણી લઈએ પણ વધારે ચટણી લેવાથી જે ઑથેન્ટિક સ્વાદ હોય છે એ મરી જતો હોય છે. હકીકત તો એ જ છે કે વડું ટેસ્ટી હોય તો વધારાની એક પણ ચટણીની જરૂર નથી પડતી અને મારી દૃષ્ટિએ વડાપાંઉ ખાવાની એ જ સાચી મજા છે. દાદરમાં આવેલા મરાઠી ઑડિટોરિયમ શિવાજી મંદિરમાં મળતાં બટેટાવડાં સાથે કોઈ ચટણી આપવામાં આવતી નથી પણ એ ચટણી વગર પણ વડાનો સ્વાદ અદ્ભુત હોય છે.

વડાપાંઉ પછી મેં સમોસા ટ્રાય કર્યાં. આ સમોસાએ તો મારી તબિયત ખુશ કરી દીધી. મેં મોઢામાં મૂક્યું કે તરત જ એક અલગ જ ચમકારો જીભ પર થયો. મેં જે પટ્ટી સમોસા મગાવ્યાં હતાં એમાં જે પૂરણ હતું એ બટેટાનું નહીં, પણ પૌઆનું પૂરણ હતું. મરાઠીઓ જે પૌઆ બનાવે એ પૌઆ રેગ્યુલર પૌઆ કરતાં જુદા હોય. કન્ફર્મ કે એ પટ્ટી સમોસામાં મરાઠીઓ વાપરે છે એ પૌઆનું જ પૂરણ હતું. સમોસા એકદમ ફ્રેશ અને કરકરાં હતાં. આવાં સમોસા મેં અગાઉ ક્યાંય ટ્રાય નથી કર્યાં એટલે જ હું તમને લોકોને પણ કહીશ કે જો તમે મુલુંડના રહેવાસી હો તો આજે જ સમર્થ સ્નૅક્સમાં જઈને એક વખત આ બન્ને વરાઇટી ટેસ્ટ કરો અને ધારો કે મુલુંડના ન હો તો મુલુંડ જવાનું બને ત્યારે અડધો કલાક વધારે કાઢીને સમર્થમાં જઈને આ વરાઇટીઓ ભૂલ્યા વિના ટ્રાય કરજો. 
મજા પડી જશે.

columnists Sanjay Goradia mulund mumbai food