જનાર્દન ત્યાં જ રહ્યું અને ઉડિપી દુનિયાભરમાં ફેલાયું

13 July, 2023 04:01 PM IST  |  Mumbai | Sanjay Goradia

એક સમયની પાર્ટનર એવી આ બે ફૅમિલીમાંથી જનાર્દને ક્વૉલિટી અને એથ્નિક ટેસ્ટને ધ્યાનમાં રાખીને બૅન્ગલોર છોડ્યું નહીં; જેનો અફસોસ જનાર્દનવાળાઓને હોય કે નહીં, મને તો પારાવાર છે

સાગુ મસાલા ઢોસા

મારું નવું નાટક ‘બે અઢી ખીચડી કઢી’ જબરદસ્ત સુપરહિટ થયું છે. એના શોની ડિમાન્ડ મુંબઈ અને ગુજરાત ઉપરાંત આખા ઇન્ડિયામાં છે તો સાથોસાથ ફૉરેનમાં પણ એની જબરદસ્ત ડિમાન્ડ ઊભી થઈ છે. ઇન્ડિયાની વાત કરું તો મુંબઈ અને ગુજરાત સિવાય અમે નાશિક, પુણે, બૅન્ગલોર, ચેન્નઈ, કલકત્તા જેવાં શહેરોમાં એના શો થઈ ગયા અને કાં તો લાઇન-અપમાં છે તો ફૉરેનમાં ટાન્ઝાનિયા, દુબઈ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, કૅનેડા, નાઇરોબી, યુકેમાં શો કરવાના શરૂ કરી દીધા છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે નાટકના બહાને તમને આવતા સમયમાં અલગ-અલગ શહેરોની ફૂડ-ડ્રાઇવમાં જલસો જ જલસો છે.
વાત કરીએ બૅન્ગલોરની. બૅન્ગલોરમાં સાઉથ ઇન્ડિયન વરાઇટી જ ખાવાની હોય. જો ત્યાં કોઈ પંજાબી ફૂડ મગાવે તો મારી નજરે એ જગતનો સૌથી મોટો મૂર્ખ છે. બૅન્ગલોરમાં અમારો શો હતો એટલે મેં પહેલેથી જ અમારા ઑર્ગેનાઇઝર નીલેશ સંઘવીને કહી દીધું હતું કે અમને બેસ્ટ સાઉથ ઇન્ડિયન જ ખાવું છે. 
તમને આડવાત કહું. બૅન્ગલોરમાં તમને ઇડલી, ઢોસા જેવી વરાઇટી સવારે અગિયાર વાગ્યા સુધી જ મળે. અગિયાર પછી મોટા ભાગે તમને મેઇન કોર્સ જ મળે અને પછી આખો દિવસ એ જ ચાલતું રહે પણ અમે તો જીદ પકડી કે અમારે તો ઢોસા-ઇડલી ને એવું જ ખાવું છે. લોકલ હોવાના કારણે તેમને રાતે પણ ઢોસા-ઇડલી મળે એવી જગ્યા ખબર એટલે એ તો અમને લઈ ગયા એક અદ્ભુત જગ્યાએ, પણ વાત અહીં પૂરી નથી થતી. વાત તો બીજા દિવસે સવારના બ્રેકફાસ્ટ પર આવે છે.
સવારે અમારી ફ્લાઇટ હતી એટલે નીલેશભાઈએ અમને કહ્યું કે આપણે સવારે બ્રેકફાસ્ટ માટે એક મસ્ત જગ્યાએ જઈશું પણ શાંતિથી બ્રેકફાસ્ટ કરવો હોય અને સમયસર ઍરપોર્ટ પહોંચી જવું હોય તો સાડાસાતે તૈયાર રહેજો. અમે તો તૈયાર થઈ ગયા અને નીલેશ સંઘવી અમને લઈ ગયા જનાર્દન રેસ્ટોરન્ટમાં. આ જનાર્દન બહુ ફેમસ રેસિડેન્શિયલ હોટેલ પણ છે. મારો મિત્ર કૌસ્તુભ ત્રિવેદી જ્યારે પણ બૅન્ગલોર જાય ત્યારે જનાર્દનમાં જ ઊતરે છે. આ જનાર્દનની પોતાની રેસ્ટોરન્ટ પણ છે. અમે પહોંચ્યા ત્યારે હજી રેસ્ટોરન્ટ ખૂલી જ હતી.
જનાર્દનની હિસ્ટરી કહું. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં તમે ઉડિપીનું નામ બહુ સાંભળ્યું હશે. આ જનાર્દન અને ઉડિપી એક સમયના પાર્ટનર, પણ સમય જતાં બન્ને અલગ પડ્યા અને ઉડિપીએ દુનિયાભરમાં બ્રાન્ચ અને ફ્રૅન્ચાઇઝી શરૂ કરી અને જનાર્દનવાળા પોતાની આ રેસ્ટૉરાંને વળગી રહ્યા. અફકોર્સ ક્વૉલિટી અને એથ્નિક ટેસ્ટને મેઇન્ટેન કરવાના હેતુથી, પણ વધુ બ્રાન્ચ કરીને પણ એ કામ તો થઈ જ શક્યું હોત. ઍનીવેઝ, આપણે ક્યાં અત્યારે એ લપમાં પડવું, આપણે વાત કરીએ આપણી પેટપૂજાની.
જઈને મેં મંગાવી બે ઇડલી અને એક મેદુ વડા. હાથનો પંજો ભરાઈ જાય એ સાઇઝની ઇડલી અને એની સૉફ્ટનેસ તકિયાથી પણ નરમ. સાંભાર અને ચટણી મેં ટ્રાય કર્યાં અને મારા મોઢામાંથી હાશકારો નીકળી ગયો. આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન ડિશમાં મોટા ભાગના લોકોએ સાંભાર બગાડીને ગુજરાતી ટેસ્ટનો કરી નાખ્યો છે. હશે, જેવાં આપણાં નસીબ. 
જનાર્દનમાં ઇડલી-વડાંનો ટેસ્ટ કર્યા પછી મેં મસાલા ઢોસા મગાવ્યો. અહીં મસાલામાં બટેટા અને કાંદા હોય અને એમાં બાફેલી મેથી અને બાજુમાં પોડી ચટણી પાથરી હોય. આ ચટણીને આપણે મુલગા પુડી કહીએ છીએ. ઑથેન્ટિસિટીનો સ્વાદ હજી તો મારા ગળે હતો ત્યાં મને નીલેશભાઈએ કહ્યું કે હવે તમે સાગુ મસાલા ઢોસા ટ્રાય કરો.
નવી આઇટમ ટેસ્ટ કરવામાં તો આપણે બધાના બાપુજી. મેં તો તરત જ હામી ભણી અને આવ્યો સાગુ ઢોસો. આ સાગુ ઢોસોમાં ગાજરથી માંડીને કોળું, ફણસી, કાંદા, દૂધી જેવી શાકભાજી હોય અને તમને ભાવે એ શાકભાજી પણ તમે એમાં નાખી શકો; પણ એક વાત યાદ રાખજો, સાગુ મસાલા ઢોસામાં આ શાકભાજી મહત્ત્વની નથી, મહત્ત્વની છે સાગુ પેસ્ટ. જે બધાં વેજિટેબલ્સ છે એને બૉઇલ કરી સાગુ પેસ્ટમાં સાંતળી એ મસાલો ઢોસામાં ભરીને તમને આપે.
સાગુ પેસ્ટ વિશે જરા કહી દઉં. ચણાદાળ, આમલી, લીંબુ, લસણ, આદું, તજ, જીરું, આખા ધાણા, લીલાં મરચાં, સાઉથમાં થતાં લાલ મરચાં, લીમડાનાં પાન, ગોળને બ્લેન્ડ કરી, એમાં આમલીનું પાણી નાખી ફરીથી બ્લેન્ડ કરવાનું એટલે જે પેસ્ટ તૈયાર થાય એમાં લીલું નાળિયેર અને કોથમીર નાખી ફરી બ્લેન્ડ કરી પેસ્ટ તૈયાર કરવાની. આ પેસ્ટને તવા પર ગરમ કરી એમાં બૉઇલ કરેલાં બધાં વેજિટેબલ્સ નાખવાનાં અને પછી આ મસાલો ઢોસામાં નાખીને આપવાનો.
હું કહીશ કે જનાર્દને પણ જો ઉડિપીની જેમ જ બહાર નીકળવાનું પસંદ કર્યું હોત તો આજે જનાર્દનનું નામ દુનિયાભરમાં ખાસ્સું પૉપ્યુલર હોત પણ શું થાય? હશે, આપણાં નસીબ પણ સાહેબ, જો નસીબને સદનસીબમાં બદલાવવું હોય તો જ્યારે પણ બૅન્ગલોર જવાનું બને ત્યારે ભૂલ્યા વિના ગૂગલબાબાની આંગળીએ જનાર્દન રેસ્ટોરન્ટમાં પહોંચીને આ વરાઇટી ટ્રાય કરજો. તમને સમજાશે કે આપણે સાઉથ ઇન્ડિયન ડિશના નામે શું ખાઈએ છીએ.
ઓરિજિનલ ટેસ્ટની મજા જ કંઈક ઓર છે અને જનાર્દનમાં એ જ મજા મેં માણી એનો આનંદ મને અત્યારે, અહીં મેલબર્નમાં પણ મોઢામાં પાણી લાવે છે.

Gujarati food columnists Sanjay Goradia life and style