24 January, 2026 03:04 PM IST | Mumbai | Darshini Vashi
પ્રહલાદની પૅટીસ કોણે-કોણે ખાધી છે?
કાલબાદેવી મુંબઈના સૌથી જૂના વિસ્તાર તરીકે ઓળખાય છે. જેટલો જૂનો વિસ્તાર એટલી જ જૂની અહીંની વસાહત અને ખાણીપીણીની જગ્યા. એમાંની એક છે પ્રહલાદની પૅટીસ જે લગભગ ૫૫ વર્ષ કરતાં પણ જૂનો ભૂતકાળ ધરાવે છે. કહેવામાં આવે છે કે અહીંના જેવી પૅટીસ મુંબઈમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. તો ચાલો જાણીએ એવી તે શું ખાસિયત છે અહીંની પૅટીસમાં.
આજથી લગભગ ૫૫-૬૦ વર્ષ પહેલાં ગુજરાતથી પ્રહલાદ ભટ્ટ મુંબઈ આવ્યા હતા જેઓ પોતે રસોઇયા હોવાથી રાંધણકળામાં સારીએવી હથોટી ધરાવતા હતા. પોતાની આ જ કળાનો ઉપયોગ કરીને તેમણે મુંબઈની પ્રસિદ્ધ ગલીમાં પૅટીસ બનાવીને વેચવાનું શરૂ કર્યું અને નામ આપ્યું પ્રહલાદ પૅટીસ. ધીરે-ધીરે અહીંની પૅટીસ આસપાસના એરિયામાં એટલીબધી ફેમસ બની ગઈ કે લોકો દૂર-દૂરથી અહીં માત્ર ફરાળની પૅટીસનો સ્વાદ માણવા આવવા લાગ્યા. અનેક લોકપ્રિય નેતા-અભિનેતા પણ અહીંની પૅટીસનો આસ્વાદ માણવા આવી ચૂક્યા છે. જોકે હવે અહીંનો સમગ્ર કારભાર પ્રહલાદ ભટ્ટના બન્ને દીકરા ઉદય અને પ્રફુલ્લ સંભાળે છે. તેઓ અહીંની પૅટીસની લોકપ્રિયતાને નવા મુકામે લઈ ગયા છે. પ્રહલાદની પૅટીસની સક્સેસ-સ્ટોરી પર માહિતી આપતાં પ્રફુલ્લ ભટ્ટ કહે છે, ‘આ જગ્યા અમારે માટે ખૂબ જ લકી સાબિત થઈ છે એટલે અહીંથી ખસવાનો કે દુકાનમાં જવાનો અમને વિચાર પણ આવતો નથી. અમારી વાનગીઓનો વર્ષોથી જળવાઈ રહેલો એકસરખો ટેસ્ટ અને એને બનાવવાની વર્ષો જૂની એકસમાન પદ્ધતિના લીધે અમારા અનેક કાયમી ગ્રાહકો આજે પણ છે. હવે અહીંની વાનગીઓની વાત કરીએ તો અમારે ત્યાં માત્ર ને માત્ર ફરાળી વાનગીઓ જ મળે છે. ખાસ કરીને ફરાળી પૅટીસ, સાબુદાણાનાં વડાં, રાજગરાની પૂરી અને બટાટાની સૂકી ભાજી જે અમારે ત્યાં સૌથી વધુ ખવાતી વાનગી છે. ફરાળ સિવાય બીજું અમે કંઈ નથી પીરસતા. લોકો દૂર-દૂરથી અહીં ખાસ ફરાળની વાનગી ખાવા આવે છે. અમારી ફરાળી વાનગી આજે પણ એટલી જ પ્રસિદ્ધ હોવાનું કારણ એ છે કે અમે આજે પણ અમારા પપ્પાની પદ્ધતિ અને રેસિપીથી ફરાળી વાનગીઓ બનાવવાનું ચાલુ રાખ્યું છે.’
ક્યાં મળશે? : પ્રહલાદ પૅટીસ સેન્ટર, જૂની હનુમાન ગલી, કાલબાદેવી, સમય : સવારે ૧૦.૩૦થી રાત્રે ૮ વાગ્યા સુધી