30 November, 2024 12:02 PM IST | Mumbai | Sanjay Goradia
પ્રહ્લાદ પૅટીસ સેન્ટર
આમ તો જે આઇટમની હું વાત કરવાનો છું એ વાંચીને તમને એમ થાય કે અત્યારે ક્યાં શ્રાવણ મહિનો છે; પણ મિત્રો, જરૂરી નથી કે શ્રાવણ મહિનામાં જ ફરાળની જરૂર પડે. લોકો રૂટીનમાં પણ કોઈ ને કોઈ વારે રહેતા હોય તો તે ફરાળ કરે અને તેને ફરાળી આઇટમની જરૂર પડે. બન્યું એમાં એવું કે હમણાં હું ટાઉનમાં આવેલી જૂની હનુમાનગલી ગયો. ત્યાં અમારા નાટકવાળાના ટેલર છે, કે. કે. ટેલર્સ. તે વર્ષોથી અમારા નાટકના કૉસ્ચ્યુમ બનાવે છે. એનું ખાસ કારણ પણ છે. તેમને ખબર છે કે નાટકમાં કપડાં ચેન્જ કરવાનું કામ કેટલું ફાસ્ટ થતું હોય એટલે ઍક્ટર ઝડપથી કપડાં બદલી શકે એ પ્રકારનાં કપડાં તે ડિઝાઇન કરે. બટનની જગ્યાએ વેલક્રો લગાડે. પૅન્ટ એવાં બનાવે કે સીધાં જ પહેરી લેવાનાં અને આવું બીજું ઘણું.
કે. કે. ટેલર્સવાળા હિમાંશુભાઈને ત્યાં કામ પતાવી હું નીકળતો હતો ત્યાં તે મને કહે કે સંજયભાઈ, આજે તમને એક મસ્ત જગ્યાએ નાસ્તો કરવા લઈ જઉં. હું ના પાડું એ પહેલાં તો મારી અંદર રહેલો બકાસુર ઠેકડા મારી-મારીને કહેવા માંડ્યો: ચાલો...
હિમાંશુભાઈ મને લઈ ગયા જૂની હનુમાનગલીના નાકા પર. આ જૂની હનુમાનગલીને બે રોડ લાગુ પડે છે. એક આપણો કાલબાદેવી રોડ ને બીજો પ્રિન્સેસ સ્ટ્રીટ સાઇડ. અમે ગયા પ્રિન્સેસ સ્ટ્રીટ સાઇડ. ત્યાં લારી હતી જેના પર લખ્યું હતું પ્રહ્લાદ પૅટીસ સેન્ટર અને એ પણ ગુજરાતીમાં. મને થયું કે ચાલો કંઈક ઇન્ટરેસ્ટિંગ ખાવા મળશે અને એવું જ બન્યું. નાની એવી એ લારીએ પેટમાં સાતેય કોઠે દીવા કરી નાખ્યા.
પ્રહ્લાદમાં ચાર જ વરાઇટી મળે; પૅટીસ, ફરાળી ચેવડો, ફરાળી ભાજી-પૂરી અને સાબુદાણાનાં વડાં. અમે ત્યાં જઈને ફરાળી પૅટીસ મગાવી અને તેણે અમારા પૂરતી જ પૅટીસ તાવડામાં નાખીને પૅટીસ બનાવવાનું શરૂ કર્યું. તાવડામાંથી ઊતરેલી ગરમાગરમ પૅટીસ સીધી પ્લેટમાં. તમારે ફૂંક મારી-મારીને એ પૅટીસ ખાવી પડે. મિત્રો પૅટીસ સાથે જે ચટણી હતી એ અદ્ભુત છે. ચટણી પણ ૧૦૦ ટકા ફરાળી. પૅટીસમાં આજકાલ ઘણી જગ્યાએ મકાઈનો લોટ વાપરવામાં આવે છે અને ખાનારાને એની ખબર પણ નથી હોતી.
ગુજરાતમાં તો આ બહુ ચાલ્યું છે. જે બિચારાએ શ્રદ્ધાથી વાર કર્યો હોય તેનું તો વ્રત તૂટેને? પણ સસ્તું આપવામાં આપણું શું જાય છે અને આપણે ક્યાં વાર કર્યો છે એવું માનનારા આવી ભેળસેળ કરે, પણ પ્રહ્લાદમાં એવું નથી થતું એની ગૅરન્ટી હું તમને આપું છું. બધું ફરાળી જ વેચવું છે એટલે જ એ લોકોએ ડિમાન્ડ હોવા છતાં પણ બીજી કોઈ આઇટમ રાખી જ નથી. ચુસ્ત રીતે વ્રત કરનારા તો એક જ તેલમાં નૉન-ફરાળી અને ફરાળી આઇટમ તળવામાં આવે એ પણ ખાતા નથી હોતા અને એ જ વ્રત રહેવાની સાચી નિશાની છે. ગુજરાતની વાત કહું તો ત્યાં કેટલીક લારી પર ગાંઠિયા અને બટાટાની ચિપ્સ એક જ તેલમાં તળીને આપે. ઍનીવેઝ, આપણે પ્રહ્લાદની વાત પર પાછા આવીએ.
પ્રહ્લાદમાં એક પ્લેટમાં ચાર પૅટીસ આપે. પૅટીસ પણ ખાસ્સી મોટી. તમે ચાર ખાઓ તો બેચાર કલાકનો ટેકો થઈ જાય. પૅટીસ પછી મેં ત્યાંનો ફરાળી ચેવડો પણ ચાખ્યો, એ પણ બહુ સરસ હતો. આ ચેવડો ત્યાં મળતી ચટણી સાથે ખાઓ તો એનો ટેસ્ટ વધારે અદ્ભુત થઈ જાય છે. મેં તો નથી ચાખ્યાં પણ હિમાંશુભાઈને મેં પૂરી-ભાજીનું પૂછ્યું તો ખબર પડી કે અમુક દિવસોમાં તો રાજગરાની પૂરી અને સૂકી ભાજી ખાવા માટે તેને ત્યાં રીતસર લાઇન લાગી હોય છે. મને થયું કે હવે જ્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ આવવાનું બને ત્યારે આ પૂરી-ભાજી અચૂક ટેસ્ટ કરવાં પણ મારા પહેલાં તમે જઈને એક વાર તેની પૅટીસ ટ્રાય કરી આવો. જલસો પડી જાશે એની ખાતરી રાખજો.