બટાટાની કાતરી અને કેળાની વેફર વગર તો ફરાળ અધૂરું, જાણીએ અવનવી વાતો

13 August, 2019 04:14 PM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

બટાટાની કાતરી અને કેળાની વેફર વગર તો ફરાળ અધૂરું, જાણીએ અવનવી વાતો

બટાટાની વેફર્સ

ફૅન્ટૅસ્ટિક ફરાળ

મિત્રો કેમ છો? શ્રાવણ મહિનો ધીરે-ધીરે એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ગુરુવારે રક્ષાબંધન અને શનિવારે જન્માષ્ટમીનો તહેવાર આવશે ત્યારે આખું ગુજરાત અનેરા આનંદ, ઉત્સાહ અને હકારાત્મકતાના વાતાવરણમાં ફેરવાઈ જશે. રસ્તા પર સરસ શણગાર સજીને બહેનો પોતાના વીરાને રાખડી બાંધવા જતી જોવા મળશે, ભાઈ પણ પરંપરાગત ગુજરાતી પોશાકમાં વહાલી બહેનને આવકારશે. જ્યારે જન્માષ્ટમીના દિવસે નાનાં-નાનાં બાળકોને શ્રીકૃષ્ણ સ્વરૂપમાં જોવાનો પરિવારજનોનો ખૂબ આનંદ હોય છે એટલે અનેક મા-બાપ પોતાના નાના બાળકને પીતાંબર અને મોરપીંછવાળો મુગટ પહેરાવીને હાથમાં વાંસળી આપીને કાનુડો બનાવશે. લાલજી સ્વરૂપમાં ફોટો પડાવીને જીવનભરની યાદોમાં સમેટી લેશે. બસ, આનંદ જ આનંદ. તહેવારો ન હોત તો શું થાત? અરે, પાછી મારી બકબક ચાલુ થઈ ગઈ. ચાલો મૂળ મુદ્દા પર આવું. 

બસ, ફરાળમાં એક વાનગી સર્વસામાન્ય અને સર્વપ્રિય છે અને એ છે વેફર. બટાટાની અને કેળાની વેફર કોઈને ન ભાવતી હોય એવું ક્યાંય જોયું નથી. સૌને ટેસ્ટી, ક્રન્ચી અને હળવી એવી બટાટા અથવા કેળાની વેફર ભાવતી હોય છે. ઉપવાસ દરમ્યાન થોડી ભૂખ લાગી હોય ત્યારે અથવા તો ફરાળ સાથે કોઈ ક્રન્ચી વસ્તુ ખાવા જોઈએ ત્યારે વેફર ઉત્તમ વિકલ્પ છે. દર વર્ષે નવા બટાટા આવવાની મોસમ હોય છે અને આ મોસમની ગુજરાતી પરિવારોમાં રાહ જોવાતી હોય છે. મોટા અને વેફરલાયક બટાટા આવે એટલે બહેનો બટાટાની કાતરી બનાવવામાં મશગૂલ થઈ જાય. ઘણી બહેનો એકલી, જ્યારે ઘણી બહેનો પાડોશીઓ, મિત્રો કે સગાં-સંબંધી સાથે ભેગાં મળીને કાતરી બનાવે. 

કાતરી પણ ત્રણ જાતની બને. એક જાળીવાળી કાતરી, બીજી વેફર જેવી જાળી વગરની અને ત્રીજી જાડી સેવ જેવી કતરણ સ્વરૂપમાં. સવારથી જ બહેનો કાતરી બનાવવામાં મશગૂલ થઈ જાય. બહેનો કાતરી બનાવે, જ્યારે પુરુષો ધાબે કે ઘરના કમ્પાઉન્ડમાં જઈને સૂકવવામાં મદદ કરે. આખા વર્ષની કાતરી બનાવી લે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે પળવારમાં તળીને ખાઈ લેવાય. કાતરીની અંદર મીઠું તો નાખેલું હોય જ છે. આ ઉપરાંત ઉપરથી લાલ મરચું, દળેલી ખાંડ અને સહેજ મીઠું નાખીને આરોગવાની મજા જ કંઈ ઓર છે.  

અલબત્ત, હવે મોટાં શહેરોમાં આ ટ્રેન્ડ ધીરે-ધીરે ઓસરી રહ્યો છે અને લોકો બજારમાં મળતા તૈયાર પડીકાને આધીન થઈ ગયા છે. લોકો કમાવામાંથી ઊંચા નથી આવતા તો કાતરી ક્યાં બનાવે? હશે, પરિવર્તન દુનિયાનો નિયમ છે. હવે આપણા નિયમ મુજબ અલક-મલકની વાતો શરૂ કરું. આપણે બજારમાં જે મોટી-મોટી કંપનીઓની મસ્ત કડક અને ક્રસ્પી વેફર ખાઈએ છીએ અને મલ્ટિ નૅશનલ કંપનીઓ જે ફ્રૅન્ચ ફ્રાયઝ અથવા તો બટાટાની ચિપ્સ બનાવે છે એ બટાટા ક્યાંથી આવે છે, ખબર છે? બનાસકાંઠાથી. હા, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા બટાટાની ખેતીની રાષ્ટ્રીય રાજધાની કહેવાય છે. મોટી-મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરીને પોતાની પદ્ધતિ મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરે છે અને માલ બારોબાર તેમની ફૅક્ટરીઓમાં ચાલ્યો જાય છે. મલ્ટિ નૅશનલ કંપનીઓના જોડાણને કારણે બટાટાના ખેડૂતો કરોડપતિ છે અને લક્ઝુરિયસ કારમાં ફરતા હોય છે. કંપનીઓએ પોતાનું સંશોધન કરીને બટાટાની જાત વિકસાવી હોય છે જેને કારણે તેમની પસંદગીના બટાટાનો ટેસ્ટ અને બંધારણ પ્રમાણેનો પાક ઊતરે છે એટલે હંમેશાં તમને એકસરખો સ્વાદ લાગશે. બનાસકાંઠા શહેર આવે ત્યારે જે મોટું સર્કલ છે ત્યાં બટાટાની વિશાળ આકૃતિ મૂકવામાં આવી છે એટલે ખબર પડી જશે કે બનાસકાંઠા આવી ગયું. 

હવે કેળાની વેફરની વાત કરું તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોઠ ગામમાં ગણપતિજીનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ ગામ હવે ગણેશપુરા તરીકે ઓળખાય છે. અહીં શી ખબર ક્યારે પ્રથા પડી, પણ લાઇવ કેળાની વેફરનું બજાર ભરાય છે. તમે જ્યારે જાઓ ત્યારે મોટા તાવડામાં કાચાં કેળાં છીણીને એની ગરમાગરમ અને પાતળી મરચાવાળી અને મરી-મસાલાવાળી વેફર મળે. ઓછામાં ઓછા ૫૦ જેટલા ખૂમચા હશે ત્યાં લાઇવ કેળાની વેફરના. ભક્તો દર્શન કર્યા બાદ વેફરની જ્યાફત માણે અને ઘરે પાર્સલ લઈ જાય, ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આ વેફર બનાવનારાઓ ફરી વળ્યા છે અને ઠેકઠેકાણે તેઓ નજર સામે જ વેફર બનાવીને વેચે છે. 

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

તો ચાલો મિત્રો બહુ વાતો થઈ. તમે નિરાંતે બટાટા અને કેળાની વેફર ખાઓ અને મોજ કરો.

Gujarati food indian food mumbai food