છપ્પનભોગ ફીક્કો પડે એવી મહાથાળીઓમાં સ્વાદ મહત્ત્વનો કે વાનગીઓની સંખ્યા?

22 July, 2019 11:46 AM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

છપ્પનભોગ ફીક્કો પડે એવી મહાથાળીઓમાં સ્વાદ મહત્ત્વનો કે વાનગીઓની સંખ્યા?

થાળી

ખાઇ પી ને મોજ

બાહુબલી, કુંભકર્ણ અને બકાસુર થાળીઓમાં હવે અન્નકૂટ જેટલી ૫૧ કે ૧૦૮ વાનગીઓ પિરસવાની ફૅશન ચાલી છે. કુતૂહલ માટે ઠીક છે, પણ લોકોને આકર્ષવા માટેના આ ગતકડાંઓનું ભવિષ્ય બહુ લાંબુ નથી. ૧૫-૨૦ વાનગીઓ ચાખવામાં જ પેટ ભરાઈ જતું હોય ત્યારે અન્નકૂટ જેવી વાનગીઓ સામે મૂકવાનો શો અર્થ?

સનાતન ધર્મમાં દેવદિવાળી, અગિયારસ કે શુભ તિથિ-પ્રસંગોએ પ્રભુને અન્નકૂટ ધરાવવાનું ખૂબ મહત્ત્વ છે. જે દિવસે અન્નકૂટ હોય એના દિવસો અગાઉ ભક્તોને મંદિરના સૂચનાપત્ર પર માહિતી આપી દેવામાં આવે છે જેથી ભક્તો એનો લહાવો લઈ શકે. વૈષ્ણવ અને સ્વામીનારાયણ મંદિરોમાં વારતહેવારે અન્નકૂટ દર્શન માટે ભારે ભીડ જામતી હોય છે.
અન્નકૂટ બે રીતે હોય છે. એક તો મંદિરના મહારાજ દ્વારા તૈયાર કરવામાં આવે, જ્યારે ઘણી વખત ભક્તો પોતપોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરીને મંદિરમાં અન્નકૂટ માટે ધરાવતા હોય છે. મંદિરના મહારાજ, સેવક કે રસોઈયા દ્વારા શુદ્ધતાનો ખ્યાલ રાખીને ખૂબ સરસ પ્રભુપ્રસાદને છાજે એવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. અન્નકૂટની વાનગીઓમાં એક કુદરતી મીઠાશ હોય છે.

છપ્પનભોગ શબ્દ પણ ખૂબ પ્રચલિત છે જેનો મતલબ એ છે કે અલગ-અલગ જાતની ૫૬ વાનગીઓ અને પીણાં. પહેલાં તો અન્નકૂટમાં શુદ્ધ વૈષ્ણવ રસોડે બનેલી વાનગીઓ જ મૂકવામાં આવતી, પરંતુ હવે નવા જમાના સાથે એમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. બહારના જૂસ, ચૉકલેટ અને કેક જેવી તૈયાર વાનગીઓએ પણ અન્નકૂટમાં સ્થાન લઈ લીધું છે એટલે હવે ૫૬ વાનગીઓ કરતાં ૧૦૮ કે એથી વધુ વાનગીઓ પણ અન્નકૂટમાં જોવા મળે છે. સનાતન ધર્મનાં દરેક દેવી-દેવતા મંદિરોમાં હવે અન્નકૂટનું આકર્ષણ હોય છે અને એ તિથિએ સામાન્ય દિવસો કરતાં ખૂબ ભીડ જામે છે. અન્નકૂટનાં દર્શન બાદ વાનગીઓને પ્રસાદરૂપે ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે અને એના આરોગને લોકો ધન્ય અનુભવે છે.

હવે મને લાગે છે કે આજકાલ બાહુબલી થાળી, કુંભકર્ણ થાળી, બકાસુર અને ઇન્ડિયા થાળીનો જબરો ટ્રેન્ડ ચાલ્યો છે. ઇન્ડિયા થાળીની તસવીરો વચ્ચે વાઇરલ થઈ હતી. એ મુજબ દેશની ચારેય દિશાઓના રાજ્યની જાણીતી વાનગીઓ એમાં પીરસવામાં આવી હતી. આ બધી થાળીઓની પ્રેરણા રેસ્ટોરાંના માલિકોએ એની પ્રેરણા અન્નકૂટ-દર્શનની લોકપ્રિયતાને જોઈને લીધી લાગે છે. વૉટ્સઍપ, ફેસબુક, યુટ્યુબ પર એના ફોટો અને વિડિયો ખૂબ વાઇરલ થયા છે. લોકો એને જોઈને રોમાંચિત થઈ જાય છે. ખાવા પણ લલચાતા હશે. એના ઉદ્ભવ વિશે ચર્ચા કરીએ તો એ યોગ્ય નહીં રહે, કારણ કે દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આવી ‘મહાથાળી’ (અલગ અલગ નામ છે પરંતુ આ શબ્દથી સર્વસ્વીકાર્ય રીતે સંબોધી શકાય)ની શરૂઆત થઈ ગઈ છે અને બધા એવો દાવો કરે છે કે અમે પહેલાં શરૂ કરી.

પરંતુ ચોક્કસ એમ કહી શકાય કે અન્નકૂટ જેમ લોકોને આકર્ષે છે એવી જ રીતે પોતાને ત્યાં ગ્રાહકોને આકર્ષવા માટે મહાથાળીનો વિચાર સ્ફૂર્યો હોય છે. તનાવભરી જિંદગીમાં લોકો કંઈક અવનવું અને ખાસ કરીને ફૂડમાં તો વરાઇટીની શોધમાં જ હોય છે ત્યારે રેસ્ટોરાંના સંચાલકોએ પોતાનાતરફી જુવાળ ઊભો કરવા માટે કંઈક ને કંઈક તો વિચારવું જ પડે છે. એમાં પણ આવું કંઈક અનોખું લઈ આવવામાં આવે તો સોશ્યલ મીડિયાના ઇન્ફ્લ્યુન્સરો અને ફૂડ-બ્લૉગરોને તો જોઈતું મળી જાય એટલે આવી તસવીરો અને વિડિયો લોકોમાં ખૂબ કુતૂહલ ઊભું કરે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં ત્રણથી ચાર રેસ્ટોરાં દ્વારા આવી વેજ અને નૉન-વેજ વાનગીની થાળીઓ પીરસવામાં આવે છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જેવાં શહેરોમાં પણ એકાદ-બે જગ્યાએ શુદ્ધ શાકાહારી મહાથાળી શરૂ થઈ છે. થાળીની અંદર ૪૦થી લઈને ૬૦ વાનગીઓ હોય છે એટલે કે એક જ થાળીમાં છપ્પનભોગ કહીએ તો ચાલે. સંભારાથી માંડીને મીઠાઈ સુધી તમને બોલવાનું કહેવામાં આવે તો બે ડઝન વાનગીઓથી આગળ નામ લેવામાં તતફફ થઈ જાય. અમદાવાદમાં એક જાણીતી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં દ્વારા દોઢ દાયકા અગાઉ મહાઢોસો બનાવીને વિશ્વરેકૉર્ડ સર્જ્યો હતો. આજે પણ ફૅમિલી ઢોસાના નામે ચારથી પાંચ લોકો ખાઈ શકે એવડો મોટો ઢોસો મળે છે. પંજાબ કે ચંડીગઢમાં એક જણ ૫૦૦ રૂપિયામાં આલુ-પરાઠાં વેચે છે અને એ આખો પરોઠો ખાઈ જાય તેને આખું વર્ષ ફ્રી પરાઠાની ઑફર્સ પણ આપે છે. હવે તો આઇસક્રીમની પણ મહાથાળી શરૂ થઈ હોય એવું ધ્યાનમાં આવ્યું છે. ઠંડાં પીણાંની વાત કરીએ તો પાણીની ડોલ જેવડા ખાસ બનાવેલા મોટા ગ્લાસમાં અલગ-અલગ પીણાં ભરીને એનું કૉકટેલ બનાવતો હોય એવો વિદેશી બારનો વિડિયો થોડા સમય પહેલાં બહુ વાઇરલ થયો હતો.

પાછા મહાથાળી તરફ વળીએ તો ૯૯૯થી લઈને ૧૫૦૦ રૂપિયાના ભાવે મહાથાળી પીરસાય છે. એક જણથી ખાવી તો શક્ય નથી, પરંતુ ચાર જણ માટે હોય છે અનલિમિટેડ ભોજન. અહીં વાનગીઓનું લિસ્ટ લખી શકાય એવું નથી, પરંતુ તમે જેની કલ્પના કરી હોય એ બધી જાણીતી વાનગીઓ લગભગ મહાથાળીમાં આવી જાય છે. વળી અમુક રેસ્ટોરાંવાળાએ તો એવી જાહેરાત વાઇરલ કરી છે કે જો એક જણ મહાથાળી આરોગી જાય તો તેને થાળી મફત અને એટલા જ પૈસા સામેથી આપવામાં આવશે.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

પરંતુ અહીં સવાલ એ છે કે શું સામાન્ય માણસ માટે એ ખાવી શક્ય છે. તો લગભગ નકારમાં જ જવાબ મળશે. મહાથાળીની અમુક વાનગીઓ જ ખાઈ શકાય છે. કેટરિંગના વ્યવસાયવાળાએ કાઢેલા માપ પ્રમાણે એક વ્યક્તિ એક સમયે ૪૦૦ ગ્રામથી વધુ આરોગી શકતી નથી. સામાન્ય રીતે વધુ આઇટમ હોય તો ૨૫૦ ગ્રામ ભોજનમાં તો ઓડકાર આવી જાય. જેની ક્ષમતા વધુ હોય તે જ ૪૦૦ ગ્રામ કે એથી વધુ વાનગીઓ ખાઈ શકે. બીજું, એક માનસિકતાની વાત કરીએ તો થાળીમાં એકથી વધુ વાનગીઓ જોઈને જ ખાતાં પહેલાં ધરાઈ જવાય છે. એટલે આવી થાળીઓ સોશ્યલ મીડિયામાં ભારે આકર્ષણ અને મિત્રવર્તુળમાં ચર્ચા ઊભી કરી શકે છે, પરંતુ જ્યારે રેસ્ટોરાંમાં જવાનું થાય ત્યારે જૂજ લોકો એ ખાવાનું પસંદ કરતા હોય છે.
જ્યારે ડાઇનિંગ હૉલમાં જાઓ ત્યારે પણ થાળીમાં અંદાજે ૧૫થી ૨૦ વાનગીઓ હોય ત્યારે એને ચાખીને જ પેટ ભરાઈ જતું હોય ત્યારે મહાથાળીની દરેક વાનગીઓ ખાવાનો ક્યાં સવાલ જ આવે છે? થોડા સમય માટે એક જુવાળ ઊભો કરવા માટે આ વિચાર બરાબર છે, પરંતુ એ ક્યાં સુધી ટકી શકશે એ જોવું રહ્યું, કારણ કે આવી થાળી ખાઈને કોઈ સામાન્ય જનતાએ કે ખાવાના શોખીન લોકોએ પોતાના ગ્રુપમાં ફેલાવી હોય એવું બહુ ઓછું ધ્યાનમાં આવતું હશે. આથી કદાચ એવું કહી શકાય કે ફૂડ-બ્લૉગર, ફૂડ-શો કે સમર્પિત ફૂડીઓએ એને ભારે ખ્યાતિ અપાવી દીધી છે. બાકી લોકમાનસ પ્રમાણે એક વાર ખાધા પછી તમે વારંવાર આટલી વાનગીઓ ખાવા ન જઈ શકો એ તો ખુદ રેસ્ટોરાંવાળા પણ ધીમા સ્વરે સ્વીકારે છે. બહુ બહુ તો કોઈ બર્થ-ડે પાર્ટી વખતે કોઈ આવો પ્રયોગ કરી શકે. ઘણા લોકોએ તો એવી શંકા પણ ઊભી કરી છે કે આટલી વાનગીઓ એક સમયે ન બને તો પછી એ તાજી હશે કે કેમ? સ્પેશ્યલ કોઈક નામ આપીને બનાવવામાં આવતા બરફ-ગોળા કે જમ્બો આઇસક્રીમના પણ જૂજ ગ્રાહકો હોવાનું ભૂતકાળમાં ધ્યાનમાં આવ્યું છે. બાકી ફૂડ અને બીજા ધંધામાં જેમ એક ટ્રેન્ડ સમયે-સમયે આવીને અલોપ થઈ જાય એવું મહાથાળીમાં થશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે, કારણ કે ફૅશન હોય કે ફૂડ, લોકોને કંઈક નવું જ જોઈતું હોય છે. બહુ દૂરના ભૂતકાળમાં જવાની જરૂર નથી. થોડા મહિના અગાઉ તવા આઇસક્રીમ, નાઇટ્રોજનનો ધુમાડો નીકળતો આઇસક્રીમ અને કુકીઝનું જબરું ઘેલું લાગ્યું હતું પરંતુ એ પણ હવે લગભગ ઓસરી ગયું છે. આથી હવે પાછું નવું શું આવ્યું એની રાહ જુઓ મારા ફૂડી મિત્રો.

Gujarati food mumbai food indian food