સૂરણની જાતજાતની વાનગીઓ અને સ્વીટ ડિશ ફિરની ટ્રાય કરી કે નહીં?

14 August, 2019 12:15 PM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

સૂરણની જાતજાતની વાનગીઓ અને સ્વીટ ડિશ ફિરની ટ્રાય કરી કે નહીં?

ફરાળી સ્ટિક કબાબ

ફૅન્ટૅસ્ટિક ફરાળ

મિત્રો, અત્યાર સુધી આપણે ફરાળની વાનગીઓ વિશે જાણ્યું. એમાં મુખ્યત્વે બટાટા, સાબુદાણા અને સૂકા મેવાની વાત કરી, પરંતુ ઉપવાસ દરમ્યાન ખવાતી વાનગીઓના અભિન્ન અંગ એવા સૂરણની તો વાત નથી કરી. એવું નહોતું કે સૂરણ યાદ ન આવ્યું. સૂરણની અવનવી વાનગીઓ બને છે અને એ ખાવાની ખૂબ મજા આવે છે. આખા વર્ષમાં સૌથી વધુ સૂરણની ખપત શ્રાવણ મહિના દરમ્યાન રહેતી હોય છે. સૂરણની અનેક વાનગીઓ બને. એમાં એકદમ સાદી રીતે બનાવવામાં આવતું સૂરણનું શાક એટલે ટૉપ ઑફ ધ ઑલ. હા, સૂરણના ચોરસ કટકા કરીને એને એકલા તેલમાં જીરાનો વઘાર કરીને એની અંદર આદું-મરચાં અને સિંધાલૂણ નાખેલું સૂરણ બફાઈને સૉફ્ટ થઈ જાય ત્યારે એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે. 

જે લોકોને ક્રન્ચી ટેસ્ટ ભાવતો હોય તેઓ વધારે તેલ નાખીને સૂરણને તળાવા દે છે અને સ્ટિક વડે ખાય છે. એના પર લીંબુ અને દહીં નાખીને ખાવામાં આવે ત્યારે તો જાણે એમ થાય કે ખાધા જ કરીએ. જેમ બટાટાનું રસાવાળું શાક હોય એ રીતે સૂરણનું પણ રસાવાળું શાક બને છે અને રાજગરાની પૂરી સાથે ખાવામાં આવે છે. જ્યારે ઘરમાં હવન, ભજન કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ગોરમહારાજો સૂરણ-બટાટાનું રસાવાળું શાક આરોગવાનો આગ્રહ રાખતા હોય છે અને મોરિયો જોડે તેઓ આ શાક ખાઈને તૃપ્ત થાય છે. જેટલી બટાટાની વાનગીઓ બને એટલી જ વાનગીઓ સૂરણની પણ બનતી જ હોય છે. સૂરણની પૅટીસ પણ સરસ લાગે. સૂરણની ચિપ્સ ડીપ ફ્રાય કરીને ખાઓ તો સરસ લાગે.

આજે આપણે નમકીન રેસિપી જોડે મીઠી વાનગી પણ શીખીશું. સૂરણની સાથે-સાથે સ્વીટમાં ફરાળી ફિરની પણ બહુ સરસ લાગે. ફિરની મૂળ પંજાબ અને ઉત્તર ભારતનાં શહેરોમાં ખવાતી અતિલોકપ્રિય વાનગી છે. આપણે દૂધપાકમાં ચોખા અધકચરા રાખીએ છીએ અને સહેજ પ્રમાણમાં પાતળો હોય છે, પરંતુ ફિરનીમાં તો ચોખાને દૂધની અંદર જ પીગળાવી દેવામાં આવે છે અને દૂધને ખૂબ ઉકાળીને રબડી જેવું ઘટ્ટ બંધારણ આપવામાં આવે છે. પછી એની અંદર કેસર કે અન્ય ડ્રાયફ્રૂટ્સ નાખીને આરોગવામાં આવે છે. ઉત્તર ભારતની હોટેલો અને હાઇવે પરના ઢાબા પર કુલડીમાં ફિરની પીરસવામાં આવે છે, પરંતુ આપણે અહીં ફરાળી વાનગીની વાતો કરતા હોવાથી ફરાળી ફિરનીમાં રાજગરા અને શિંગોડાનો મિક્સ લોટ નાખવામાં આવશે. બજારમાં આવા મિક્સ લોટનાં તૈયાર પૅકેટ મળે છે એ પણ લઈ શકાય. આપણે જેમ સાદી વાનગીઓમાં રસો કે સૂપ ઘટ્ટ કરવા માટે કૉર્ન ફ્લોર નાખીએ છીએ એવી રીતે ફરાળની પ્રવાહી વાનગીઓ ઘટ્ટ કરવા માટે શિંગોડાના લોટનો ઉપયોગ થાય છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે આઇસક્રીમનું દૂધ જલદી ઘટ બનાવવા માટે કે થીક મિલ્ક શેક બનાવવામાં પણ શિંગોડાના લોટનો ઉપયોગ થાય છે. હશે, આજકાલ તો એવાં-એવાં કેમિકલ્સ ને પ્રિઝર્વેટિવ્સ આવ્યાં છે કે વાનગીઓને કોઈક નવું જ સ્વરૂપ ઝડપથી આપી દે છે. આથી હું તો માનું છું કે બને ત્યાં સુધી ઘરની બનાવેલી શુદ્ધ સામગ્રી નાખેલી વાનગીઓ જ ફરાળ દરમ્યાન ખાવી જોઈએ.    
તો ચાલો આજે આપણે બન્ને રેસિપી શીખીએ. 

ફરાળી સ્ટિક કબાબ
સામગ્રી
૨૫૦ ગ્રામ બાફેલા બટાટા (છૂંદી લેવા)
૨૫૦ ગ્રામ બાફેલું સૂરણ (છૂંદી લેવું)
૨ ચમચી ફરાળી લોટ
૧/૨ ચમચી શેકેલું જીરું
૧/૨ ચમચી આમચૂર પાઉડર
૧/૨ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી ધાણા-જીરું
૧/૪ ચામચી ચાટ મસાલો
ચપટી તજ-લવિંગ પાઉડર
સિંધાલૂણ સ્વાદ મુજબ
લાકડાની પાતળી સ્ટિક્સ

બનાવવાની રીત
ઉપરની બધી સામગ્રી એક વાસણમાં મિક્સ કરી લોટ બાંધવો. હથેળીને તેલવાળી કરી લોટના ગોળા ને મૂઠિયા જેવા લાંબા વાળવા. લાકડાની લાંબી કે જે બરફના ગોળામાં હોય છે એવી લાંબી સ્ટિકની આસપાસ તૈયાર કરેલો માવો દાબીને ચોંટાડી દેવો. ધ્યાન રહે કે વધારે પડતો માવો કે જે સ્ટિકમાંથી પડી જાય એ રીતે ચોંટાડવો નહીં. આમ કરશો તો તળતી કે શેકતી વખતે માવો પડી જશે. જો આ માવો ઢીલો લાગે તો ફરાળી લોટ કે આરાલોટ ઉમેરી શકાય. ત્યાર બાદ એને નૉન- સ્ટિક પૅનમાં પૅટીસની જેમ શેકવા અથવા ગરમ તેલમાં તળી લેવા. ખજૂરની ચટણી અને લીલી ચટણી જોડે પીરસવા. 

ફરાળી ફિરની


સામગ્રી
૨ કપ દૂધ
૩ ચમચી ફરાળી લોટ
૨ ચમચી ખાંડ
ચપટી એલચી પાઉડર
ચપટી કેસર
બદામ-પિસ્તા સજાવવા માટે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

બનાવવાની રીત
સૌપ્રથમ દૂધમાં લોટ મિક્સ કરી ગરમ કરવા મૂકો. દૂધને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ ઘટ કસ્ટર્ડ જેવું ન થાય. હવે એમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી હલાવ્યા કરવું અને ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવું. હવે એમાં એલચીનો પાઉડર અને કેસર ઉમેરો. ગૅસ બંધ કરી ફિરનીને કુલડીમાં કાઢી લો. બદામ-પિસ્તાથી સજાવો. વરખ પણ ચોંટાડી શકાય. કલાક જેવી ફ્રિજમાં ઠંડી કરી એનો સ્વાદ માણો.