તહેવારોના દિવસોમાં ઘીથી લથબથ ફરાળી પૂરણપોળી ને બાસુંદીની મોજ

15 August, 2019 02:08 PM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

તહેવારોના દિવસોમાં ઘીથી લથબથ ફરાળી પૂરણપોળી ને બાસુંદીની મોજ

પૂરણ પોળી

ફૅન્ટૅસ્ટિક ફરાળ

કેમ છો મારા મિત્રો. હવે તો રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો આવી ગયા છે અને ખૂબ આનંદ-ઉલ્લાસથી એની ઉજવણી કરવામાં આવશે. ફરસાણ અને મિષ્ઠાનની દુકાન પર ગ્રાહકોનો તડાકો પડશે અને લોકો ખાઈ-પીને મોજ કરશે. 

મિત્રો, આજે આપણે વાત કરીશું પૂરણપોળીની. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણપોળીનું અનેરું મહત્ત્વ છે. જો પૂરણપોળીના પ્રેમ વિશે વાત કરીએ તો બન્ને રાજ્યોમાં એની એકસરખી લોકપ્રિયતા છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં લીલા નારિયેળની છીણ નાખેલી પૂરણપોળી હોય છે, કારણ કે કોંકણ દરિયાકિનારાનો પ્રદેશ હોવાથી ત્યાં નારિયેળનો ઉપયોગ છૂટથી થાય છે. ગુજરાતમાં ગુજરાતી થાળી પીરસતા તમામ ડાઇનિંગ હૉલમાં નાની-નાની પૂરણપોળી સર્વ કરવામાં આવે છે અને એક જ બાઇટમાં ખા, જવાય. લોકો હોંશે-હોંશે ચાર-પાંચ પૂરણપોળી ઝાપટી જાય. 

જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે પૂરણપોળી બનાવવામાં આવે છે. ઘણા પરિવારમાં તો પૂરણપોળીને ઘીમાં ડુબાડીને પીરસવામાં આવે છે. એટલે એ ખાધા પછી પેટ ભારે થઈ જાય અને નિંદર આવી જાય. અમદાવાદમાં અમુક રેસ્ટોરાં ખૂલી છે જે માત્ર મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસે છે. એ રોસ્ટેરાંના મેનુમાં પણ પૂરણપોળીને એક અલગ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે પૂરણપોળી ચણાની દાળના સ્ટફિંગમાં ખાંડ અને એલચી નાખીને તૈયાર કરવામાં આવે છે.
પૂરણપોળી આમ તો એકલી જ ખાવાની મજા આવે, પણ જો એની સાથે બાસુંદી હોય તો સોને પે સુહાગા જેવી વાત થઈ જાય છે. 

મિત્રો, અત્યાર સુધી આપણે મુખ્યત્વે ફરાળી ફરસાણની વાત કરી છે. ત્યારે હવે તહેવારમાં મીઠાઈ તો ખાવી જ પડે. હાલના સમયમાં હું બહારની મીઠાઈ ખાવાથી દૂર રહેવાનું સૂચન કરીશ, કારણ કે દિવસો પહેલાં બનાવેલી મીઠાઈ અને એમાં પડતી સામગ્રીઓની શુદ્ધતાની ગૅરન્ટી હોતી નથી. એના કરતા તો ઘરે જ તહેવારનો આનંદ માણતાં-માણતાં મીઠાઈ બનાવીને ખાઈએ તો ખૂબ મજા આવે. બાકી પસંદગી તમારી છે કે તમારે ઘરની મીઠાઈ ખાવી કે બહારની.

આજે આપણે ફરાળી પૂરણપોળી કે જે બટાટાના માવામાંથી તૈયાર થાય છે એની રેસિપી આપને જણાવીશ અને સાથે બાસુંદી પીવાની તો ખૂબ મજા આવે. પૂરણપોળીના એક બાઇટ સાથે સબડકા ભરીને બાસુંદી પીવાની ખૂબ મોજ આવશે. ઘરની બાસુંદી હોય તો બે-ત્રણ વાટકા પી જવામાં પણ વાંધો નહીં હો. તો ચાલો, આજે આપણે શીખીએ ફરાળી પૂરણપોળી અને બાસુંદીની રેસિપી. 

ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે પૂરણપોળી બનાવવામાં આવે છે. ઘણા તો પૂરણપોળીને ઘીમાં ડુબાડીને પીરસવામાં આવે છે. અમદાવાદમાં અમુક રેસ્ટોરાં ખૂલી છે જે માત્ર મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસે છે

ઘરની શુદ્ધ બાસુંદી 

સામગ્રી
એક લીટર દૂધ (ફુલ ક્રીમ)
૬-૮ સમારેલા પિસ્તા
૬-૮ સમારેલી બદામ
એક ચપટી કેસર
૧ નાની ચમચી એલચી પાઉડર
૧ નાની ચમચી જાયફળ પાઉડર
ખાંડ (સ્વાદ અનુસાર)

રીત
તપેલી અથવા કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઊભરો આવે એટલે ગૅસ ધીમો કરી દો. હવે ધીમા તાપ પર દૂધને એના કરતાં અડધું થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં. હવે દૂધમાં ખાંડ, જાયફળ પાઉડર અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો અને વધુ ૫ મિનિટ ઉકળવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો. હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગૅસ બંધી કરી દો. સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે. બાસુંદી ઠંડી કરીને ખાવામાં મજા આવે છે. બાસુંદીને ફરાળી પૂરણપોળી સાથે સર્વ કરો!

ફરાળી પૂરણપોળી

સામગ્રી
બાફેલા બટાટા - 400 ગ્રામ (છૂંદી નાખવા)
ચોખ્ખું ઘી – 250 ગ્રામ
રાજગરાનો લોટ – 400 ગ્રામ
ખાંડ - સ્વાદ મુજબ
૨ ચમચી કાજુ
૪/૫ એલચી વાટેલી
૨ ચમચી બદામની કતરણ

રીત
બટાટા બાફીને એને છુંદીને માવો બનાવવો. બટાટાને હથેળીના ભારથી બરાબર છૂંદીને લીસા બનાવી દેવા અને એની અંદર કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું. એક વાસણમાં ઘી ગરમ કરીને એમાં બટાટાનો માવો નાખીને ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે સોતે કરવું. બરાબર ગરમ થઈ વરાળ નીકળવા લાગે એટલે એમાં ખાંડ, એલચી, કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરવું. આ પૂરણને બાજુમાં ઠરવા માટે મૂકી દેવું.

ઉપરનું પડ બનાવવા માટે રાજગરાના લોટમાં એક ચમચી તેલ નાખી સરસ પોચો અને મુલાયમ લોટ બાંધવો. જરૂર પ્રમાણે પાણી રેડવું. લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે. હવે સરખા ૪ ગોળા વાળી લેવા. રાજગરાના લોટની રોટલી વણવી. જો લોટ તૂટી જતો હોય એમ લાગે તો અંદર શિંગોડાનો લોટ ઉમેરી દેવો. બટાટાના પૂરણનો ગોળો વાળી લેવો અને એ ગોળો લઈ રોટલીની વચ્ચે મૂકી બધી બાજુથી સરખી બંધ કરી ફરીથી લોટ ભભરાવી રોટલી વણવી. 

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

હવે ગૅસ પર લોઢી મૂકી પૂરણપોળી ઘી નાખી બન્ને બાજુથી સરખી શેકવી. આછી બદામી થાય ત્યાં સુધી શેકવી. તૈયાર છે ગરમાગરમ ફરાળી પૂરણપોળી.

Gujarati food indian food mumbai food