ફરાળી સૂરણ જાર, ખારેક-અંજીરના રોલ અને ફરાળી ડ્રાયફ્રૂટ રોલ બનાવો આ રીતે

17 August, 2019 08:37 AM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

ફરાળી સૂરણ જાર, ખારેક-અંજીરના રોલ અને ફરાળી ડ્રાયફ્રૂટ રોલ બનાવો આ રીતે

ફરાળી સૂરણ જાર

ફૅન્ટૅસ્ટિક ફરાળ

હેલો કેમ છો મિત્રો. શ્રાવણ મહિના દરમ્યાન અવનવી વાનગીઓનો રસથાળ આપને દરરોજ પીરસી રહ્યા છીએ. આજે આપણે એકદમ અનોખી ત્રણ રેસિપી જાણીશું જે અમદાવાદમાં રહેતાં વાચક અને હોમ શેફ નેહલબહેન નાયક દ્વારા મોકલવામાં આવી છે. એક સૂરણ જાર છે જેમાં સૂરણને ટેસ્ટી રીતે રાંધીને એને મેસન જારની અંદર સર્વ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખારેક અને અંજીરના ખાંડ વગરના પૌષ્ટિક  રોલ અને ફરાળી લોટમાંથી બનતા ફરાળી સ્વીટ રોલ વિશે જાણીશું. ત્રણેય વાનગીઓ ફરાળમાં ખવાય છે અને નવાં વ્યંજન હોવાથી ઘરે જરૂરથી પ્રયત્ન કરજો. આપનો સુંદર પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને ફરાળમાં ખાઈ શકાય એવાં અવનવાં વ્યંજનોની ડિમાન્ડ આવી રહી છે અને બીજું એ કે વાચકો પણ ફરાળી વાનગીઓની રેસિપી સરસ ફોટો પાડીને મોકલાવી રહ્યા છે. સૌનો આભાર...

પૌષ્ટિક ખારેક-અંજીર રોલ

સામગ્રી 
ખારેક -  1/4 કપ
અંજીર - 1/4કપ
દૂધ - 1 કપ
મિલ્ક પાઉડર - 1/4 કપ
ઘી - 2 ચમચી
કોપરાનું છીણ - કોટિંગ માટે
ખસખસ - 1 ચમચી
એલચીનો ભૂકો - 1/4 ચમચી.
દળેલી ખાંડ  - જરૂર લાગે તો 

બનાવવાની રીત
સૌપ્રથમ એક મિક્સર લઈને એની અંદર ખારેક, અંજીર, દૂધનો પાઉડર અને ખસખસ નાખીને ક્રશ કરી નાખવા. ત્યાર બાદ એક તવીમાં દૂધ નાખીને એની અંદર પીસેલાં ખજૂર અને અંજીર ઉમેરવાં. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી ગરમ કરવું. એકદમ ઘટ થઈ જાય એટલે એના પર ઘી અને એલચીનો ભૂકો નાખવો. તએને ઓરસિયા પર મૂકીને ગોળાકાર કરીને પછી કોપરાના છીણ ચારેય બાજુ ચોંટી જાય એમ ગોળ ફેરવવું. બે કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકીને ઠંડું થઈ જાય ત્યાર બાદ ગોળ કટકા કરીને પીરસવા. 

ફરાળી ડ્રાયફ્રૂટ રોલ

સામગ્રી
ફરાળી લોટ - 1/2 કપ
મિક્સ સૂકા મેવાનો ભૂકો - 1/4 કપ
મિલ્ક પાઉડર - 1/2 કપ
દૂધ - 2 કપ
ઘી - 3થી 4 ચમચી
એલચીનો ભૂકો - 1/4 ટી-સ્પૂન
ખાંડ – જરૂર લાગે તો
બદામ અને પીસ્તાની છીણ 

બનાવવાની રીત
સૌપ્રથમ લોટ, સૂકા મેવાનો ભૂકો અને દૂધનો પાઉડર મિક્સ કરી લેવાં. એક તવી લઈને એની અંદર દૂધ અને લોટ તથા સૂકા મેવાનું મિક્સર નાખી દેવું. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહેવું. સ્વાદ મુજબની ખાંડ ઉમેરવી. ઘટ થયેલા મિક્સર પર ઘી અને એલચીનો ભૂકો નાખીને ઓરસિયા પર એને ગોળાકાર કરવા અને બદામ-પીસ્તાની છીણ પર રોલ કરવા એટલે એના પર ચોંટી જાય. ત્યાર બાદ એને રેફ્રિજરેટરમાં બે કલાક માટે મૂકી દો અને ગોળાકાર રોલ કાપીને પીરસો. રોલ ફ્રિજમાં સાચવવા.

ફરાળી સૂરણ જાર

સામગ્રી 
સૂરણ – 500 ગ્રામ
ફેટેલું દહી – એક કપ
તેલ – ચારથી પાંચ ટી-સ્પૂન
મીઠું કે સિંધાલૂણ – સ્વાદ મુજબ
લાલ મરચું – એક ચમચી 
સમારેલી કોથમીર – એક ચમચી
લીલાં મરચાં – બે નંગ 
પીસેલું આદું – અડધી ચમચી
જીરું – એક ચમચી
ખસખસ – એક ચમચી
વરિયાળી – અડધી ચમચી 
લીંબુનો રસ  – એક ચમચી 
શેકેલા શિંગદાણાનો ભૂકો – એક ચમચી
સૂકું કોપરું – એક ચમચી
ફરાળી ચેવડો – જરૂર મુજબ 
મેસન જાર – એક નંગ

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

બનાવવાની રીત 
સૂરણને છોલી નાખી એને બે કલાક સુધી મીઠું નાખેલા પાણીમાં પલાળી દેવું જેને કારણે હાથમાં કે ખાધા બાદ ગળામાં ખંજવાળ નહીં આવે. ત્યાર બાદ કુકરમાં એ પાણી સાથે જ બે-ત્રણ સિટી વગાડીને બાફી લઈને એના મોટા ટુકડા કરવા. એક તવીમાં તેલ લઈને જીરાનો વઘાર કરવો અને ત્યાર બાદ આદું, મરચા અને બીજા મસાલા નાખી દેવા અને બે ચમચી પાણી નાખીને ૬થી ૭ સેકન્ડ સુધી મસાલા ચડવા દેવા. ત્યાર બાદ સૂરણના કટકા નાખી દેવા અને એને હલાવીને મસાલા એકરસ થઈ જાય ત્યાં સુધી પાંચ મિનિટ માટે રાંધવું. ત્યાર બાદ ગૅસ પરથી ઉતારી લેવું અને ઉપર લીંબુનો રસ તથા કોથમીર નાખવી. મેસન જાર લઈ પહેલાં સૂરણ નાખી એના પર ફરાળી ચેવડો અને દહીંનું લેયર કરવું. આમ જાર ભરાઈ જાય ત્યાં સુધી લેયર કરતા રહેવું. ઉપર બટાટાની વફર અને આખી શિંગથી સજાવવું.

Gujarati food indian food mumbai food