National Sandwich Day: ખાવામાં શોર્ટકટ લાવવા બનાવાઈ હતી આ વાનગી, જાણો ક્યારે બની પહેલી વાર

03 November, 2022 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખરેખર, સેન્ડવીચ પશ્ચિમી દેશોનું વ્યંજન છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વેજ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, આલૂ સેન્ડવિચ, પિત્ઝા સેન્ડવિચ, કોર્ન સેન્ડવિચ, બોમ્બે સેન્ડવિચ અને બીજી જાત-જાતની ને ભાત-ભાતની સેન્ડવિચ આજકાલ ટ્રેન્ડમાં છે. સેન્ડવિચ એક એવો નાસ્તો છે જે હવે માત્ર સવારના નાસ્તા તરીકે જ નહીં પણ ટી ટાઈમ સ્નેક્સ અને સાંજના નાસ્તા તરીકે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એકંદરે તેને નાસ્તાનો રાજા કહીએ તો અતિશ્યોક્તિ નથી. શું તમે જાણો છો કે આજે રાષ્ટ્રીય સેન્ડવીચ દિવસ (National Sandwich day) છે. આ ખાસ દિવસ દર વર્ષે 3જી નવેમ્બરે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ રીતે બની હતી સેન્ડવીચ.

લેટ નાઈટ સ્નૅક્સ તરીકે શરૂઆત થઈ

ખરેખર, સેન્ડવીચ પશ્ચિમી દેશોનું વ્યંજન છે. કેટલાક અહેવાલોનું માનીએ તો પ્રથમ વાર સેન્ડવીચ 18મી સદીમાં બનાવાઇ હતી. શરૂઆતમાં તેમાં સ્ટફિંગમાં માંસ ભરવામાં આવતું. ભારતીયોએ પશ્ચિમની આ ભેટને અપનાવી છે, પરંતુ તેમાં શાકભાજી ઉમેરીને ભારતીય સ્વાદ સાથે તેને નવું સ્વરૂપ આપ્યું. પશ્ચિમી દેશોમાં લેટ નાઈટ સ્નૅક્સ તરીકે સેન્ડવીચનો ઉદ્દભવ થયો હોવાનું માનવામાં આવે છે. તેની લોકપ્રિયતા વધી કારણ કે તેને એક હાથે ખાવાનું સરળ હતું. તેને કાંટા કે છરીની જરૂર નહોતી અને તેમાં ઇચ્છિત સ્ટફિંગ ભરી શકાય છે. બ્રિટિશ રાજકારણી જોન મોન્ટાગુએ સેન્ડવીચની રજૂઆત કરી હોવાનું કહેવાય છે. પત્તા રમતી વખતે તેને બે ટોસ્ટ વચ્ચે જોઈતું સ્ટફિંગ ખાવાનું ગમતું.

જેથી તેમના પત્તાં ગંદા ન થાય અને રમત બંધ ન થાય. મોન્ટાગુ સેન્ડવિચ નામની જગ્યાના ચોથો અર્લ હતો, જે દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં છે. ત્યાં જ તેનું નામ સેન્ડવીચ પડ્યું. ધીમેધીમે તેનો ઉપયોગ નાસ્તા વગેરેમાં થવા લાગ્યો અને તે દરેક ઘરની પસંદગી બની ગઈ. જ્હોન મોન્ટાગુનો જન્મ 3 નવેમ્બર, 1718ના રોજ થયો હતો. તેમના માનમાં નેશનલ સેન્ડવિચ ડે ઉજવવામાં આવે છે.

સેન્ડવિચ આજે દરેકની પસંદગી છે, પરંતુ તેને ખાતી વખતે તેની કેલરીનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. જ્યારે પણ તમે સેન્ડવીચ ખાઓ તો તેને વીટબ્રેડમાં ખાઓ. મેંદાની બ્રેડ ટાળો.

આ પણ વાંચો: માર્તંડમાં જઈને મિસળ ટ્રાય કરવાનું ચૂકતા નહીં

life and style mumbai food