Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > માર્તંડમાં જઈને મિસળ ટ્રાય કરવાનું ચૂકતા નહીં

માર્તંડમાં જઈને મિસળ ટ્રાય કરવાનું ચૂકતા નહીં

03 November, 2022 04:36 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મિસળ સાથે ઘણા લોકો પેલું રેગ્યુલર દહીં આપી દે છે પણ હકીકતમાં તો મિસળ સાથે એ દહીં હોય જ નહીં

માર્તંડમાં જઈને મિસળ ટ્રાય કરવાનું ચૂકતા નહીં

ફૂડ ડ્રાઇવ

માર્તંડમાં જઈને મિસળ ટ્રાય કરવાનું ચૂકતા નહીં


અત્યારે મારી ગુજરાતી વેબ-સિરીઝ ‘ગોટી સોડા’ની નવી સીઝનના શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે. શૂટિંગ પહેલાંની આ તૈયારીઓને પ્રી-પ્રોડક્શન પ્રેપરેશન કહે છે. તૈયારીઓ દરમ્યાન મારે શેમારુની મરોલમાં આવેલી ઑફિસે વારંવાર જવું પડે. જનરલી સવારે ૧૧.૩૦ની મીટિંગ હોય, જે બપોરે બે-અઢી વાગ્યા સુધી ચાલે. મીટિંગ હોય ત્યારે હું ઘરે ટિફિનની ના પાડી દઉં. મીટિંગ પતાવ્યા પછી ક્યારે ડ્રાઇવર ટિફિન લેવા જાય, ક્યારે લઈને પાછો આવે અને ક્યારે હું જમવા બેસું?

મીટિંગ હોય ત્યારે બહાર જ જમવાનું. મારી પેટપૂજા થઈ જાય અને એ બહાને તમારા માટે ફૂડ ડ્રાઇવ પણ શોધી લેવાય. મારી આ જ ટ્રાયના ભાગરૂપે હું મરોલથી મારી ઑફિસ એટલે કે જોગેશ્વરી વેસ્ટમાં જતો હતો ત્યાં જોગેશ્વરી ઈસ્ટમાં જે નવો ફ્લાયઓવર બને છે એ જગ્યાએ મેં માર્તંડ મિસળની દુકાન જોઈ અને મિસળ હોય એટલે ખાવું તો પડે જ. મેં તમને કહ્યું જ છે કે ઉસળ, મિસળ અને વડાપાંઉનું નામ પડે ત્યાં મારા મોઢામાં પાણી આવવા માંડે. આપણે તો તરત જ ઘૂસ્યા એ માર્તંડ મિસળની દુકાનમાં. ત્યાં મેં જોયું કે મિસળની પ્રૉપર રેસ્ટોરન્ટ હતી. ત્યાં સુધી કે મિસળની થાળી પણ મળતી હતી. મેં તો તરત મિસળ થાળી મંગાવી લીધી.



મિસળ થાળી ૧૦૯ રૂપિયાની હતી, જેમાં બે સરસ નરમ પાઉં, સરસ મજાની નાની બાલદી ભરીને મિસળનો રસો, એક વાટકી ભરીને સેવ-ગાંઠિયા-ચેવડો, દહીં, ફણગાવેલા મગ, એકદમ કરકરી એવી ખારી બુંદી અને સમારેલા ઝીણા કાંદા સાથે લીંબુના ટુકડા આવ્યા. આ ઉપરાંત મિસળ થાળીમાં બુંદી નાખેલી છાસ અને ગુલાબજાંબુ પણ હતાં. ગુલાબજાંબુમાં તો બે કારણસર મને બહુ રસ નહીં. એક તો હું ડાયાબેટિક અને બીજું, મિસળ સાથે ગુલાબજાંબુ જાય નહીં એટલે મેં ગુલાબજાંબુને બદલે મેં ખરવસ મંગાવી લીધું અને પછી ચાલુ કર્યું ખાવાનું. 


સરપ્રાઇઝ. 

એ પુણેરી મિસળ હતું. કોલ્હાપુરી અને પુણેરી મિસળમાં ફર્ક હોય છે. કોલ્હાપુરી મિસળ તીખું હોય અને પુણેરી મિસળ સહેજ ગળ્યું હોય, જે પેલી તીખાશને કાપે. તીખાશમાં પણ એ લોકો પાસે પ્રકાર છે. થોડું તીખું, મીડિયમ તીખું અને વધારે તીખું એટલે તમને કેવું તીખું જોઈએ છે એ ઑર્ડર લેતી વખતે જ તમને પૂછી લે અને એ મુજબ જ બનાવે. મેં મીડિયમ તીખું મંગાવ્યું હતું. મીડિયમ તીખામાં પણ ગળપણને કારણે જે ટેસ્ટ હતો એ બદલાઈ જતો હતો. કહો કે એ ગળપણ ગેમ ચેન્જર હતું. 


સેવ-ગાંઠિયા અને સહેજ બુંદી નાખીને જે ખાલી વાટકો તમને આપ્યો હતો એમાં પેલી બાલદીમાંથી તમારે રસો લેવાનો અને પછી કાંદા-મગ અને ઉપરથી લીંબુ નાખીને તમારે એ પાંઉ સાથે ખાવાનું. સાથે જે દહીં હતું એ મને બરાબર લાગ્યું નહીં; કારણ કે એ જાડું મેળવેલું દહીં હતું પણ ખરી મજા ફેંટેલું, ઠંડું, ગળ્યું દહીં હોય એની આવે. આ માર્તંડમાં જ નહીં, બીજી પણ અનેક જગ્યાએ જે દહીં આપે એ સાદું હોય છે, જે યોગ્ય નથી. 

માર્તંડમાં રેગ્યુલર મિસળ સિવાય ચીઝ મિસળ, બટર ફ્રાય મિસળ જેવાં બીજાં મિસળ પણ હતાં. મારા મતે એ બધાં ખોટાં નખરાં છે અને સાચી મજા બેઝિક ટેસ્ટ ધરાવતા ફૂડમાં જ આવે અને એટલે જ તમને કહું છું કે માર્તંડ મિસળ, જે મુંબઈમાં ઘણી જગ્યાએ છે ત્યાં જઈને મિસળ ટેસ્ટ કરો. મિસળની આખી થાળી મંગાવવા કરતાં માત્ર મિસળ-પાંઉ મંગાવશો તો તમને વધારે મજા આવશે. એક તો કૉસ્ટ ઇફેક્ટિવ રહેશે અને તમારે ટેસ્ટ તો મિસળનો જ કરવો છે તો એ રીતે પણ તમને સાચો ટેસ્ટ કરવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2022 04:36 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK