આ ચોમાસામાં કારેલાં જરૂર ખાજો

29 June, 2022 08:21 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કડવાં કારેલાંનાં ગુણ ન હોય કડવાં એવું આપણા વડવાઓ કહી ગયા છે ત્યારે આ ઋતુમાં શરીરને નીરોગી રાખવા માટે આ કડવું શાક કેમ ખાવું જોઈએ એનું રહસ્ય જાણી લો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. નાનપણથી આપણે સૌએ આ કવિતા સાંભળી છે, પરંતુ વરસાદ અને કારેલાંને શું લાગેવળગે એનાથી બહુ ઓછા લોકો વાકેફ હશે. ચોમાસાની ઋતુમાં શરીરને નીરોગી રાખવા કારેલાંનું શાક ખાસ ખાવું જોઈએ એવું આપણા વડવાઓ કહી ગયા. આયુર્વેદના ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે ત્યારે આ મોસમમાં કારેલાં ખાવા પાછળના પ્રાચીન વિજ્ઞાનને સમજીએ. 
આહારનું વિજ્ઞાન
સ્વસ્થ રહેવા માટે કયો આહાર શ્રેષ્ઠ છે એ બાબત હંમેશાંથી મતમતાંતર રહ્યા છે. શાસ્ત્રોમાં ઋતુ પ્રમાણે તેમ જ ભિન્ન-ભિન્ન વ્યાધિ માટે વિશિષ્ટ આહાર લેવાની ભલામણ કરવામાં આવી છે. આહાર આપણા આરોગ્યની ચાવી છે. ખાટા, ખારા, તીખા, મધુરા અને તૂરા રસની જેમ કડવો રસ પણ શરીરમાં જવો જોઈએ એવી સલાહ આપતાં આયુર્વેદ મેડિસિન એક્સપર્ટ અને વૈદિક પ્રૅક્ટિશનર ડૉ. નિખિતા શેરે કહે છે, ‘આયુર્વેદિક કન્સેપ્ટ પ્રમાણે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ સૂર્યના ભ્રમણની દિશા પર નિર્ભર કરે છે. ચોમાસાની શરૂઆત એટલે સૂર્યનું દ​ક્ષિણાયન તરફ ભ્રમણ. આ સમયે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને શરીરમાં વાતદોષ ઉત્પન્ન કરે છે. ચોમાસાની ઋતુને ફ્લુ સીઝન પણ કહે છે. ઇમ્યુન રિસ્પૉન્સ લો થતાં કેટલીક કૉમન ઍલર્જી જોવા મળે છે. વાતદોષ, અસ્થમા અને ત્વચા રોગોના દરદીઓએ ચોમાસામાં વધુ સાવચેતી રાખવી પડે. હવામાન પરિવર્તન અને વાતાવરણમાં ભેજના લીધે ઝાડા, ઊલટી, ફૂડ પૉઇઝનિંગ, આંતરડાનું ઇન્ફેક્શન જેવા રોગ માથું ઊંચકે છે તેથી આ મોસમમાં સૌએ ખાણીપીણીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક, આ ઉક્તિ પાછળ આરોગ્ય સંબંધિત સંકેતો રહેલા છે. વર્ષાઋતુમાં શરીરમાં જળતત્ત્વનું પ્રમાણ વધતાં પાચકરસો નબળા પડે છે. ઉષ્ણ આહાર લેવાથી પાચકરસો ઉત્તેજિત થાય છે અને ભૂખ ઊઘડે છે. સંસ્કૃતમાં કડવી ટુંબી તરીકે ઓળખાતા કારેલાનો તિક્ત રસ (કડવો રસ) મંદ પડેલા પાચકરસને ઉત્તેજિત કરી ખાવામાં રુચિ પેદા કરે છે.’
ગુણોનો ભંડાર
સ્વાદમાં કડવાં પણ ગુણમાં હિતકારી કારેલાં પ્રાચીન કાળથી ઉપયોગમાં લેવાય છે એવી માહિતી શૅર કરતાં ડૉ. નિખિતા કહે છે, ‘અનેક રોગોને દૂર કરવાની શક્તિ ધરાવતી શાકભાજી તરીકે કારેલાંને આયુર્વેદમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. કારેલાંનો તિક્ત રસ જ એની વિશિષ્ટતા છે. એમાં વિટામિન એ, સી, ફૉસ્ફરસ, આયર્ન વગેરે મળી આવે છે. આપણા શરીરની મેટાબૉલિક અને ક્લેન્ઝિંગ પ્રોસેસને ઍક્સેલરેટ કરવામાં કારેલાં સહાયક બને છે. શરીરમાં રહેલાં હાનિકારક તત્ત્વોને બહાર ફેંકવા કારેલાંનું સેવન કરવું જોઈએ. રક્ત શુદ્ધીકરણ માટે અને કફદોષને દૂર કરવા કડવો રસ જોઈએ. ચોમાસામાં જુદા-જુદા રોગો થવાનું જોખમ હોવાથી બૉડી ડિટૉક્સ કરવું જરૂરી છે. કારેલાં ખાવાથી પાચનતંત્ર સુધરે છે. મૉન્સૂનમાં ડાયાબિટીઝના દરદીઓને કારેલાં ખાવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે મંદાગ્નિથી ન પચેલી શર્કરા કારેલાં ખાવાથી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. અસ્થમા અને હૃદયના રોગોના દરદીઓ માટે પણ કારેલાં ગુણકારી છે. એના સેવનથી પિત્તમાં રાહત થાય છે. કારેલાં ખાવાથી ત્વચાનો રોગો દૂર થાય છે અને ત્વચા નિખરે છે. શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિ માટે કારેલાંનો કડવો રસ ગુણકારી હોવાથી આપણા વડવાઓએ એનું સેવન કરવાની ભલામણ કરી છે.’

કારેલાંનો વિકલ્પ કંટોલા

કંટોલા એવું શાક છે કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં આ શાક જુદા નામથી ઓળખાય છે. કંકોડા, મીઠાં કારેલાં, કાકારોલ, ભાટ કારેલાં, કટરોલી વગેરે નામો પ્રચલિત છે. કંટોલા કારેલાંની પ્રજાતિ છે પરંતુ એ કારેલાં જેટલાં કડવાં નથી હોતાં. ચોમાસાની ઋતુમાં જંગલમાં કે વાડામાં કંટોલાના વેલા પુષ્કળ પ્રમાણમાં આપમેળે ઊગી નીકળે છે. એની ખેતી પણ થાય છે. આયુર્વેદમાં કંટોલા ખાવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. એમાં વિટામિન, પ્રોટીન, પેપ્ટિન તથા કાર્બોહાઇડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. કંટોલામાં મળી આવતું ફાયટોકેમિકલ નામનું રસાયણ શરીરને અંદરથી સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આંખના રોગો અને હૃદયના રોગોને અટકાવવામાં પણ ઉપયોગી છે. કંટોલાનું સેવન કરવાથી શારીરિક તાકાત અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેમને કારેલાં ન ભાવતાં હોય તેમણે પાકા કંટોલાનું શાક ખાવું જોઈએ.

columnists Varsha Chitaliya