06 September, 2023 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નીતા શાહ
સામગ્રી: લોટ બાંધવા માટે ૧ કપ નાચણીનો લોટ, ૧ કપ જુવારનો લોટ, ૧ કપ બાજરીનો લોટ, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી
સ્ટફિંગ માટે: ૧ કપ લાંબી સમારેલી કોબી, ૧ કપ લાંબાં સમારેલાં કૅપ્સિકમ (ગ્રીન), ૧ કપ ખમણેલું ચીઝ, ૧ કપ ખમણેલું પનીર, ૧ ચમચો મેયોનીઝ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ, અડધી ચમચી આમચૂર પાઉડર, પા ચમચી ગરમ મસાલો, સિંધવ મીઠું જરૂર મુજબ, અડધી ચમચી ચાટ મસાલો, ૧ ચમચી તેલ, ગાર્નિશ માટે કોથમીર, સ્વાદ અનુસાર મીઠું લેવું
રીત: ત્રણે લોટ ચાળી (નાચણી, જુવાર, બાજરી), મિક્સ કરી મીઠું અને પાણી, લોટ નાખી બાંધવો. બીજી બાજુ નૉનસ્ટિક પૅનમાં ૧ ચમચી તેલ નાખવું. તેલ ગરમ થયા પછી એમાં સમારેલી કોબી તથા કૅપ્સિકમ નાખી બે મિનિટ સાંતળવું. સાથે એમાં આમચૂર પાઉડર આદું-મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, ગરમ મસાલો, સિંધવ મીઠું નાખી બરાબર હલાવવું. ગૅસ બંધ કરી લેવો. પછી એમાં ખમણેલું ચીઝ, પનીર ૧ ચમચો મેયોનીઝ નાખી મિક્સ કરવું. ઉપરથી કોથમીર નાખવી. ટેસ્ટ કરી જરૂર મુજબ મીઠું નાખવું. નૉનસ્ટિક તવાને ગરમ કરી બાંધેલા લોટની રોટલી વણવી. રોટલીને બન્ને સાઇડ (તેલ, ઘી અથવા બટર)થી શેકવી. શેકાઈ ગયા પછી એના પર ૧ ચમચો બનાવેલું પૂરણ રોટલીની એક સાઇડ ઉપર પાથરવું. પૂરણ ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવો. રોટલીનો રોલ વાળી ગરમ-ગરમ સર્વ કરવું.
મંજુ પરીખ
સામગ્રી : ફરાળી લોટ, એક વાડકી સેંધા નમક (સિંધવ મીઠું), લાલ મરચું પાઉડર, ચિલી ફ્લેક્સ ૧/૨ ચમચી, જીરું ૧/૪ ચમચી, મોણ માટે તેલ
સ્ટફિંગ : બટેટા બાફેલા, બાફેલા સૂરણના પીસ કરીને, કંદ બાફીને, લીલાં મરચાં વાટેલાં, આદું, મીઠું, શિંગદાણાનો ભૂકો, ૨ ચમચી કોથમીર, લીલું નાળિયેર છીણેલું, ચાટ મસાલો, કાજુ, કિસમિસ
ટૉપિંગ માટે : મીઠી ચટણી, લીલી ચટણી, દાડમના દાણા, શિંગદાણા, ફરાળી બટેટાનો ચેવડો, સળી
રીત : પહેલાં ફરાળી લોટમાં બધો મસાલો નાખી પાણીથી લોટ બાંધવો. પછી તેલ નાખી કેળવી લેવો. સ્ટફિંગ બનાવવા. પહેલાં પૅનમાં તેલ નાખી જીરું નાખી લીમડો નાખી બાફેલા બટેટાના પીસ, સૂરણના પીસ, કંદના પીસ કરીને એ નાખવા. એમાં મીઠું, આદું–મરચાં, કોથમીર, શિંગદાણાનો ભૂકો નાખી પાંચ મિનિટ સુધી થવા દેવું. પછી એમાં લીલું નાળિયેર છીણેલું નાખવું. થોડો ચાટ મસાલો નાખવો. થોડા શિંગદાણા અને દાડમના દાણા નાખવા. લીંબુનો રસ નાખવો. કાજુ, કિસમિસ નાખવા.
ચંદ્રકલા બનાવવા : ફરાળી લોટમાંથી પૂરી બનાવવી. પછી એક પૂરી ઉપર સ્ટફિંગ મૂકી ભરી પૂરીની બૉર્ડર ઉપર પાણી લગાડી એની ઉપર બીજી પૂરી વણેલી મૂકી બરાબર દબાવી લેવું. બરાબર ચોંટાડી કાંગરી પાડવી અને પછી ફ્રાય કરવું. ચંદ્રકલાને ઉપરથી જરાક પ્રેસ કરી ઉપર મીઠી ચટણી અને લીલી ચટણી નાખવી. એની ઉપર દાડમ અને શિંગદાણા તળેલા નાખવા, બટેટાની સેવ, ચેવડો ભભરાવવાં.
વર્ષા જાની
સામગ્રી : ૧/૨ કપ રાગી લોટ, ૧/૨ ટેબલસ્પૂન બેકિંગ પાઉડર, ૧/૨ ટેબલસ્પૂન ઇલાયચી પાઉડર, ૫૦ ગ્રામ ઘી, ૧/૨ કપ જૅગરી પાઉડર, ૨ ટેબલસ્પૂન કોકો પાઉડર, ૧ ટેબલસ્પૂન દૂધ, ૧/૨ કપ ચૉકલેટ ચિપ્સ.
રીત : સૌપ્રથમ રાગી લોટ રોસ્ટ કરી લો. એમાં બેકિંગ પાઉડર, કોકો પાઉડર, ઇલાયચી પાઉડર અને જૅગરી પાઉડર નાખો. હવે દૂધ નાખીને લોટ બાંધી લો. નાના બૉલ બનાવી શેપ આપી દો. એના પર ચૉકલેટ ચિપ્સ નાખીને બેક કરો (૧૬૦ ડિગ્રી પર) ૧૨-૧૫ મિનિટ સુધી. ઠંડું પડે એટલે સર્વ કરો.