11 September, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જિજ્ઞા સાવલા
સામગ્રી : ૩ નંગ મોસંબી, ૧ કપ ખાંડ, ૧/૨ કપ સામો (કુકરમાં બાફેલો), ૧ કપ કૉર્નફ્લોર, ૩ કપ પાણી, ૨ ચમચી ઘી, ૧/૨ કપ સિલોની કોપરું, ૧ ટીપું પીળો ફૂડ કલર, તુલસીનાં પાન
રીત : સૌપ્રથમ મોસંબીનો રસ કાઢી લેવો. હવે એક બાઉલમાં પાણી, સાકર, કૉર્નફ્લોર, સામો (બાફેલો), મોસંબીનો રસ, પીળો ફૂડ કલર ઉમેરો અને આ બધી સામગ્રીને સાથે હલાવીને મિક્સ કરો. ખાતરી કરો કે મિશ્રણમાં કોઈ ગઠ્ઠો નથી. હવે એક નૉનસ્ટિક કડાઈ લઈ એમાં બધી સામગ્રી મિક્સ કરો. પછી ધીમી આંચ ઉપર રાખી સતત હલાવતા રહેવું. પાંચ મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. હવે બે ચમચી ઘી ઉમેરો અને રાંધવાનું ચાલુ રાખો. જ્યાં સુધી મિશ્રણ આકાર પકડવાનું શરૂ ન કરે ત્યાં સુધી હલાવતા રહો. પછી મિશ્રણને નાના-નાના કપ (ચાય કપ પેપર)માં નાખી કપને બે કલાક સારી રીતે સેટ થવા દો. સેટ થઈ જાય પછી તમને જે આકાર આવડતો હોય એ આકારમાં એને કાપી શકો છો.
ઉપરથી સિલોની કોપરું અને તુલસીનાં પાન નાખીને સજાવટ કરીને તમારી ખાટીમીઠી જેલી પીરસો.
તરુલતા ભટ્ટ
સામગ્રી : ૧/૨ વાટકી જુવારનો લોટ, ૧/૨ વાટકી મેંદો, ૧/૨ કપ બદામ પાઉડર, ૧/૨ કપ મિલ્ક પાઉડર, ૭૦-૮૦ ગ્રામ માવો અથવા ૧ કપ તાજી મલાઈ શેકેલી, ૨ ચમચી ચણાનો લોટ, ૧/૨ કપ સાકર પાઉડર, ૧/૨ કપ ચીઝ છીણેલું, ૪-૫ નંગ ઇલાયચી પાઉડર, ઘી તળવા માટે, ડિપ કરવા માટે પા કપ ઘી, ૧ ચમચી સાકર
ડેકોરેશન માટે : ચીઝ, તુલસીનાં પાન, ગુલાબની પાંખડી, ચીઝ સૉસ
રીત : થીજેલું ઘી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી ૧૦ મિનિટ માટે સાઇડમાં રાખવો. ત્યાર બાદ લોયામાં બે ચમચી ઘી નાખી એમાં બે ચમચી ચણાનો લોટ નાખી ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકવો. ત્યાર બાદ એમાં બદામ-પિસ્તાંનો પાઉડર તેમ જ માવો અથવા શેકેલી મલાઈ અને દૂધનો પાઉડર મિક્સ કરી મિશ્રણને ઠંડું થવા દેવું. ત્યાર બાદ એમાં સાકર અને ઇલાયચી પાઉડર ઉમેરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી સાઇડમાં રાખવું. ત્યાર બાદ છીણેલા ચીઝમાં બે ચમચી સાકર ઉમેરી મિક્સ કરી નાના બૉલ બનાવવા. ત્યાર બાદ ચીઝનો બૉલ લેવો. એની ઉપર બદામ, પિસ્તાંનું મિશ્રણ બનાવ્યું છે એનો ગોળો વાળી વચ્ચે ચીઝવાળો ગોળો મૂકી ગોળ શેપ આપવો. ત્યાર બાદ મેંદાના બાંધેલા લોટમાંથી નાના-નાના લૂવા કરી રોટલી જેવું પાતળું વણી એની વચ્ચે ગોળ પૂરણનો ગોળો મૂકી ચારે બાજુથી સીલ કરી લેવું. આ રીતે બધી ઘારી તૈયાર કરવી. ત્યાર બાદ લોયામાં ઘી ગરમ મૂકવું. મીડિયમ ગરમ કરવું. એમાં એક-એક ઘારી તળવી. ઉપરના લેયર ઉપર ઝારા વડે ઘી નાખતા રહેવું અને ઘારીને ફેરવીને તળવી. આ રીતે બધી ઘારી તળી લેવી અને ઠંડી થવા દેવી. ત્યાર બાદ એક વાટકીમાં થીજેલું ઘી અને સાકર મિક્સ કરી તૈયાર થયેલી ઘારીને એમાં ડિપ કરવી (બધી બાજુ મિશ્રણ લગાડવું). આ રીતે બધી ઘારી તૈયાર કરી ફ્રીઝરમાં રાખવી. કલાક પછી પ્લેટમાં કાઢી સર્વ કરવી.
માધવી મોઢા
સામગ્રી લોટ માટે : ૧/૨ કપ કોદરીનો લોટ, ૧/૨ કપ જવારનો લોટ, ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ, ૨ ટીસ્પૂન તેલ, સ્વાદ અનુસાર નમક, ગરમ પાણી
રીત : લોટની અંદર બધી સામગ્રી નાખી ગરમ પાણીથી સૉફ્ટ લોટ બાંધવો અને ૧૫ મિનિટ માટે મૂકી દેવું.
સ્ટફિંગ માટે : ૫૦ ગ્રામ ફણસી (બારીક), ૫૦ ગ્રામ કોબી બારીક, ૫૦ ગ્રામ શિમલા મિર્ચી બારીક, ૫૦ ગ્રામ ગાજર બારીક, બે ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ, બે ટીસ્પૂન ચિલી સૉસ, ૧ ટીસ્પૂન સોયા સૉસ, ૧ ટીસ્પૂન તેલ, નમક સ્વાદ અનુસાર
રીત : કડાઈમાં તેલ ગરમ કરવું. આદું-લસણની પેસ્ટ નાખવી. બધી શાકભાજી નાખી ફાસ્ટ ગૅસ પર રાંધવું. શાકનું પાણી છૂટું ન પડવું જોઈએ. એમાં બન્ને સૉસ નાખી દેવા અને ઠંડું કરવું. લોટને મસળીને નાના લૂવા કરવા. વચ્ચેથી જાડું અને સાઇડથી પાતળું વણવું. એમાં ૧ ટીસ્પૂન સ્ટફિંગ ભરવું અને ડિમસમનો શેપ આપવો. ચપટી લઈને પૅક કરવું. આવી રીતે બધાં ડિમસમ વાળી લેવાં. મોટા વાસણમાં પાણી લેવું અને ગરમ કરવું. એમાં ઉપર ચાળણી મૂકી એના ઉપર ડિમસમને ગોઠવી દેવાં. ઢાંકણ કાઢી ૧૫ મિનિટ એને બાફવાં. ગરમ-ગરમ સેઝવાન સૉસ સાથે સર્વ કરવું.