ફરાળ ઍન્ડ મિલેટ ફેસ્ટિવલ : આજે શીખો આ વાનગીઓ

10 September, 2023 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે શીખો ફરાળી ખાંડવી, આઇસક્રીમ સંદેશ (ફરાળી વાનગી) અને બાજરી બદામ બિસ્કિટ્સ

પ્રતીકાત્મક તસવીર

ફરાળી ખાંડવી

રીટા સાયાણી

સામગ્રી : શિંગોડાનો લોટ ૧ વાટકી, છાશ બે વાટકી, મીઠું સ્વાદ અનુસાર, આદુંમરચાંની પેસ્ટ ૧ ચમચી
વઘાર માટે : તેલ ૨ ચમચી, જીરું અડધી ચમચી, તલ ૧ ચમચી, ઝીણાં સુધારેલાં લીલાં મરચાં ૨ નંગ, લીમડી, સૂકાં લાલ મરચાં ૨ નંગ, કોથમીર, ખમણેલું કોપરુ
રીત : પહેલાં તપેલીમાં શિંગોડાનો લોટ, છાશ, મીઠું, આદુંમરચાંની પેસ્ટ લઈ બધું બરાબર મિક્સ કરવું. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું. હવે નૉનસ્ટિક પૅન લઈ આ મિશ્રણને એમાં નાખી ધીમા ગૅસ પર મૂકી સતત હલાવવું. એક જ દિશામાં હલાવતા રહેવું. ૮થી ૧૦ મિનિટ પછી એનો કલર બદલાવા લાગે ત્યારે ડિશમાં જરાક મિશ્રણ લઈ ચેક કરવું. ખાંડવીનો રોલ વળવા લાગે તો તરત જ ગૅસ બંધ કરી પ્લૅટફૉર્મ કે થાળી ઉપર તેલ લગાડી આ મિશ્રણને બને એટલું પાતળું પાથરી લેવું. હવે દસ મિનિટ ઠંડું થવા દેવું. ત્યાર બાદ છરીથી લાંબા કટ કરી ધીરે-ધીરે રોલ વાળી લેવા. વઘાર માટે કડાઈમાં તેલ ગરમ મૂકી એમાં જીરું, લીલાં મરચાં, તલ, લીમડો નાખી વઘાર થવા દેવો. ગૅસ બંધ કરી સૂકાં લાલ મરચાંના બટકા નાખી દેવા અને ખમણી પર આ વઘાર પાથરી દેવો. ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર, ખમણેલું કોપરું નાખી લીલી ચટણી સાથે સર્વ કરવી. તો તૈયાર છે સૌને ઉપવાસના દિવસે પીરસવાની વાનગી ફરાળી ખાંડવી.

 

આઇસક્રીમ સંદેશ (ફરાળી વાનગી)

રીટા સોલંકી

સામગ્રી : ૧.૫ લિટર દૂધ, ૩/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૩/૪ ફ્રેશ ક્રીમ, ૧.૫ ટેબલસ્પૂન એલચી પાઉડર, ૧ ટેબલસ્પૂન રોઝ વૉટર, ૧ ટીસ્પૂન પીઠ કલર, ૧ ટીસ્પૂન સ્ટ્રૉબેરી એસેન્સ, ૧ ટેબલસ્પૂન વિનેગર
રીત : દૂધને ગરમ કરી થોડું ઠંડું પાડીને વિનેગર મિક્સ કરીને છેના અલગ કરો. છેના, કન્ડેન્સ્ડ મિલ્ક ક્રીમ, આરા લોટ, એસેન્સ રોઝ વૉટર કલર આ બધી જ સામગ્રી મિક્સના જારમાં લઈને ફેરવીને મિક્સ કરી લો. ઢોકળિયામાં પાણી મૂકીને મિશ્રણને સ્ટીમ કરવા મૂકો. લગભગ ૪૦ મિનિટ થશે. ૩૫ મિનિટ પછી શેક કરવું. રોઝ પેટલ્સથી ગાર્નિશ કરો.

 

બાજરી બદામ બિસ્કિટ્સ

જિગર શાહ

સામગ્રી : બટર ૧/૨ કપ, દળેલી ખાંડ ૧/૨ કપ, બાજરીનો લોટ ૩/૪ કપ, કરકરો બદામનો ભૂકો ૧/૪ કપ, એલચીનો પાઉડર ૧ ટીસ્પૂન, તજ પાઉડર ચપટી, ગાર્નિશ માટે બદામ
રીત : બાઉલમાં ફ્રીઝરમાંથી ૧ કલાક પહેલાં કાઢેલા બટર અને દળેલી ખાંડને ફીણવું. બાજરીનો લોટ, કરકરો બદામનો ભૂકો, એલચી પાઉડર, તજ પાઉડર નાખી મિક્સ કરવું. કણક તૈયાર કરવી. એમાંથી નાના-નાના ગોળા વાળવા. વચમાં બદામથી ગાર્નિશ કરવું. પ્રીહીટેટ અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૨ મિનિટ બેક કરવા. આ બિસ્કિટ્સને ૧૫ દિવસ સ્ટોર કરી શકાય.
વેરિએશન : (૧) બાજરીના લોટને બદલે જુવારનો લોટ અથવા નાચણીનો લોટ વાપરીને જુવાર/નાચણીનાં બિસ્કિટ બનાવી શકાય. (૨) ચૉકલેટ બિસ્કિટ બનાવવાં હોય તો બદામના પાઉડરના બદલે કોકો પાઉડર નાખવો અને એલચી પાઉડર અને તજ પાઉડરને બદલે વેનિલા એસેન્સ નાખવું.

Gujarati food mumbai food indian food life and style columnists