રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

03 July, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

જલ્પા પ્રીતેશ લાઠિયા, ભાંડુપ

પાઇન મૅન્ગો શાહી ટુકડા

સામગ્રી 
બ્રેડ પાંચથી ૬ સ્લાઇસ, બટર ૧ કપ (બ્રેડ શકવા માટે), દૂધ ૧ બાઉલ, મિલ્ક પાઉડર ૧ બાઉલ, એલચી પાઉડર ૧ ચમચી, સાકર ૧ કપ, મૅન્ગો ૧ (ઝીણા ટુકડા સમારેલા), પાઇનૅપલ સ્લાઇસ ચાસણીમાં પલાળેલા પાંચથી ૬ નંગ, વાઇટ ચૉકલેટ ૧ નંગ, હર્શિસ ચૉકલેટ સિરપ બે પૅકેટ, વેફર બિસ્કિટ પાંચથી ૬ નંગ, ડ્રાયફ્રૂટ‍્સ ઝીણા સમારેલા ૧/૨ કપ, કેસર ૮થી ૧૦ તાંતણા, ચૉકલેટ બિસ્કિટના બૉલ્સ ૧થી ૨
રીત
રબડી બનાવવાની રીત : એક પૅનમાં દૂધ અને મિલ્ક પાઉડરને બરાબર મિક્સ કરી એમાં સાકર નાખી સરખું હલાવી ગરમ કરવું. પછી તએમાં એલચી પાઉડર નાખવો. ત્યાર બાદ કેસરના તાંતણા થોડી વાર ૧થી ૨ ચમચી દૂધમાં પલાળી એ દૂધ ઍડ કરવું. પછી ડ્રાયફ્રૂટ‍્સ ઍડ કરી સરખું ઉકાળી લેવું. રબડી જેવી ગાઢ કન્સિસ્ટન્સી થાય પછી ગૅસ બંધ કરી એક બાઉલમાં કાઢી લેવું.‍
ટુકડા બનાવવાની રીત : બ્રેડને ત્રિકોણ શેપમાં કાપી પછી એક પૅનમાં બટર લઈ ધીમા તાપે શેકી લેવી. એકદમ ક્રિસ્પી કરવી. 
ચાસણી બનાવવાની રીત : બે કપ સાકર લઈ એમાં ૧ કપ પાણી નાખી સરખું ઉકાળવું. જાડી-મધ્યમ ચાસણી કરવી. એમાં પાઇનૅપલના ટુકડા ૧ કલાક પલાળી રાખવા.
વાઇટ ચૉકલેટ સિરપ બનાવવાની 
રીત : વાઇટ ચૉકલેટને એક પૅનમાં લઈ નીચે બીજા પૅનમાં પાણી રાખી ગૅસ પર મૂકી પીગાળીને સૉસ રેડી કરવો.
ચૉકલેટ બૉલ્સ બનાવવાની રીત : કોઈ પણ ચૉકલેટ બિસ્કિટને મિક્સરમાં ક્રશ કરી ભૂકો કરી તેમાં ૧ ચમચી બુરુ સાકર અને બે ચમચી પીગાળેલું બટર લઈ મિક્સ કરી બૉલ્સ બનાવવા.
એસેમ્બલ કરવાની રીત : એક મોટી સર્વિંગ ડિશમાં સૌપ્રથમ વચ્ચે મૅન્ગોના ટુકડા ગોઠવી એના પર પાઇનૅપલની સ્લાઇસ ગોઠવીને ત્યાર બાદ આજુબાજુ બ્રેડના ટુકડા ગોઠવવા. ત્યાર બાદ પાઇનૅપલ સ્લાઇસની આજુબાજુ વેફર બિસ્કિટ ગોઠવીને પછી એના પર બનાવેલી રબડી રેડવી. સરખું રબડીથી બ્રેડને કવર કરી લેવું. પછી વાઇટ સૉસ અને હર્શિસ ચૉકલેટ સિરપથી ડેકોરેશન કરવું. ડ્રાયફ્રૂટ‍્સના ઝીણા ટુકડાથી ગાર્નિશ કરવું. સૌથી મિડલમાં ચૉકલેટ બૉલ્સ મૂકી એના પર પણ વાઇટ ચૉકલેટ સિરપ અને ડાર્ક ચૉકલેટ સિરપ ઍડ કરી ફાઇન ડેકોરેશન કરવું. રેડી છે પાઇન મૅન્ગો શાહી ટુકડા.

ઢોકળા સુશી

સામગ્રી  
૧ કપ ઇડલીનું ખીરું, ૧ લાલ કૅપ્સિકમ (લાંબી પટ્ટીમાં કાપેલું), ૧ લીલું કૅપ્સિકમ (લાંબી પટ્ટીમાં કાપેલું), ૧ ચમચી તેલ, ૧ ચમચી દહીં, સ્વાદ મુજબ મીઠું, ૧/૨ ચમચી ખાવાનો સોડા (ફ્રૂટ સૉલ્ટ)
ચીઝ રેડ ગાર્લિક સૉસ માટે (ચીઝ-લાલ લસણની ચટણીનું મિશ્રણ)
૨-૩ ચમચી ચીઝ, લાલ ચટણી જરૂર મુજબ, કાળા તલ
નાળિયેરનું માટે : બે ચમચી કાળા તલ, ૪-૫ ચમચી ડેસિકેટેડ નાળિયેર
વસાબી મેયો માટે : ૩ ચમચી દહીં, બે ચમચી મેયોનીઝ, ૧/૨ ચમચી વસાબી સૉસ
રીત
એક નાના વાસણમાં ઇડલીના ખીરામાં મીઠું, સોડા નાખી મિશ્રણ તૈયાર કરવું. એક  થાળીમાં (ગ્રીસ કરેલી પ્લેટ)માં ૧/૨ કપ તૈયાર કરેલું ઇડલીનું મિશ્રણ સરખી રીતે પાતળું થાય તેમ ફેલાવવું. એને સ્ટીમરમાં ૪-૫- મિનિટ માટે સ્ટીમ કરવું. એ જ પ્રમાણે બીજી પ્લેટમાં પણ સ્ટીમ કરી તૈયાર કરવી. બન્ને પ્લેટની ઢોકળાની થાડી તૈયાર થાય એટલે એને આખી ગોળ નીકળે એમ બહાર કાઢવી.
એક કોરી અને સીધી સપાટી પર ક્લિંગ ફિલ્મ મૂકી એના પર તેલ લગાડી એના પર કાળા તલ તથા નાળિયેરનું મિશ્રણ પાથરવું. એની ઉપર એક ઢોકળાની પાતળી શીટ મૂકો અને એના ઉપર એકસરખી રીતે ચીઝ રેડ ગાર્લિક સૉસ પાથરવો. એના ઉપર લાલ-લીલા કૅપ્સિકમની પટ્ટી કાપેલી છે એ પાથરવી. એને ખૂબ જ કડક રીતે રોલ કરો. રોલિંગ કરતે વખતે ખાતરી કરો કે તમે રોલિંગ કરતી વખતે ક્લિંગ ફિલ્મને રોલ કરતા નથી. રોલ કરેલા સુશી ઢોકળા એ સૂકી જગા પર મૂકી તીક્ષ્ણ છરી વડે સરખે ભાગે રોલ કાપો.

સુશી ઢોકળા તૈયાર થાય એટલે એને વસાબી મેયો સાથે તરત પીરસો.

સ્ટફ કોકોનટ સબ્જી

સામગ્રી  
લીલું નારિયેળ (પાતળી મલાઈવાળું) ૧ નંગ, પાલક ૧ ઝૂડી (બારીક સુધારેલી), ગાજર ૧/૨ કપ (બારીક સુધારેલા), ફ્લાવર ૧/૨ કપ (બારીક સુધારેલું), મશરૂમ ૧/૪ કપ (બારીક સુધારેલાં), કૅપ્સિકમ ૧ નંગ (બારીક સુધારેલું), બેબીકૉર્ન ૩ નંગ (ગોળ પાતળા સુધારેલા), રીંગણ બે નંગ (બારીક સુધારેલા), કાંદા બે નંગ (બારીક સુધારેલા), ટમેટું ૧ નંગ (બારીક સુધારેલું), આદું-મરચાં-લસણની પેસ્ટ બે ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ૧/૨ ચમચી, જીરું અડધી ચમચી, લાલ મરચું ૧/૨ ચમચી, ગરમ મસાલો ૧ ચમચી (બાદશાહ રજવાડી ગરમ મસાલો), તેલ બે ચમચી, તેલ શાક તળવા માટે, ચીઝ ૧/૪ કપ 
રીત
સૌપ્રથમ ગાજર, બેબીકૉર્ન, ફ્લાવરને પારબૉઇલ કરીને હલકાં તળી લો. હવે રીંગણને તળી લો (રીંગણને પારબૉઇલ કરવાં નહીં) એક પૅન લો. એમાં તેલ મૂકો. પછી એમાં આદું-મરચા-લસણની પેસ્ટ અને જીરું નાખો. મીડિયમ ગૅસ રાખવો. હવે કાંદા નાખો. કાંદા સરખા તળાઈ જાય પછી એમાં કૅપ્સિકમ અને સુધારેલી પાલક નાખો. ૧ મિનિટ સાંતળો. પછી ટમેટાં નાખો. થોડું મીઠું નાખો. હવે સરખું મિક્સ કરીને એમાં તળેલાં શાકભાજી-મશરૂમ નાખો. હળદર નાખો. 
લીલા નારિયેળનું પાણી અને મલાઈ નાખો. પૅનને ઢાંકીને શાકને ચડવા દો. લગભગ ૭ મિનિટ. હવે એમાં ગરમ મસાલો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ૨-૩ મિનિટ ચડવા દો. હવે ખાલી નારિયેળમાં શાક ભરો. ઉપરથી ચીઝ નાખો. રોટલી સાથે સર્વ કરો.

Gujarati food mumbai food indian food