રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

18 July, 2021 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને`મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

ગ્રીષ્મા નિકેતુ દેઢિયા, ઘાટકોપર

ચીઝી છોલે સમોસા ફોન્ડ્યુ

સામગ્રી 
મિની સમોસા : ૪ બાફેલા બટેટા, ૧/૪ કપ બાફેલા વટાણા, ૧ ટેબલ સ્પૂન તેલ, ૧/૪ કપ કોથમીર, ૧/૪ કપ ફુદીનો, ૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૨ ચમચી ધાણાજીરું પાઉડર, હીંગ, ૨ ચમચી આમચૂર પાઉડર, ગરમ મસાલો, ૧/૨ ચમચી મીઠું સ્વાદ અનુસાર.
લોટ : ૨ કપ મેંદો, ૨ ચમચી ઘી, ૧ ચમચી અજમો, મીઠું, પાણી.
રીત 
સૌપ્રથમ મેંદામાં ઘીનું મોણ નાખી અજમો, મીઠું, પાણી નાખી કડક લોટ બાંધવો. લોટ બાંધીને ૩૦ મિનિટ રાખી મૂકવો. ત્યાર બાદ એક કઢાઈમાં તેલ લઈ તેમાં હીંગ, આદું-મરચાં, કોથમીર, ફુદીનો નાખી તેમાં બાકીના બધા ડ્રાય-મસાલા નાખવા અને બાફેલા બટેટા સ્મેશ કરી નાખવા અને બાફેલા વટાણા નાખવા અને બધો મસાલો બરાબર નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી સમોસાનું ફિલિંગ તૈયાર કરવું. તેને રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડું કરવું. ત્યાર બાદ તૈયાર લોટની નાની રોટલી વણીને તેને વચ્ચેથી કાપી નાખી સમોસાની જેમ ત્રિકોણ વાળી તેમાં તૈયાર માવો ભરી  સમોસાને વાળવા. સમોસાની પટ્ટી પર પાણી લગાવવું જેથી સમોસા ખૂલી ના જાય અને મિની સમોસા બનાવવા. ગરમ 
તેલમાં ધીમા તાપે તળવા જેથી સમોસા ક્રિસ્પી થાય.
ફુદીના-કોથમીર ચટણીની સામગ્રી અને રીત
૧ કપ ફુદીનો, ૧ કપ કોથમીર, ૨ લીલાં મરચાં, ૧/૨ આદુંનો ટુકડો, ૨ ચમચી આમલીનો પલ્પ અને ૧ ચમચી ગોળ, મીઠું, બધી સામગ્રી મિક્સરમાં નાખી તેની ચટણી બનાવવી.
ફોન્ડ્યુ બનાવવાની રીત 
સામગ્રી : ૧/૨ કપ બાફેલા કાબુલી ચણા, ૧ ઝીણો સમારેલો કાંદો, ૧ ટમેટાંની ગ્રેવી, ૧ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, ૨ ચમચી તેલ, ૧ ચમચી ધાણાજીરું પાઉડર, ૧/૨ ચમચી છોલે મસાલો, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું, ૪ ચમચી ચીઝ સ્પ્રેડ, ચપટી હળદર, ૧ લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર.
રીત : સૌપ્રથમ કાબુલી ચણાને ૬થી ૭ કલાક પલાળીને રાખવા. ત્યાર બાદ તેમાં મીઠું, સોડા અને ચાની પોટલી નાખીને બાફવા. (ચાની પત્તીને એક કાપડમાં નાખી પોટલી બનાવીને નાખવાથી છોલેનો કલર બ્લૅક થશે). ત્યાર પછી એક કઢાઈમાં તેલ નાખી તેમાં કાંદા, ટમેટાંની ગ્રેવી, આદું-મરચાં, લસણની પેસ્ટ નાખી કાંદા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવું. પછી તેમાં બાકીના બધા ડ્રાય-મસાલા નાખી ૨ મિનિટ સાંતળવું. બાફેલા કાબુલી ચણાને મિક્સ્ચરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવવી અને તે તૈયાર પેસ્ટ કઢાઈમાં નાખવી. ૧ કપ પાણી નાખી બરાબર મસાલા મિક્સ થઈ જાય તેટલું હલાવવું. છેલ્લે તેમાં ચીઝ સ્પ્રેડ નાખી ૨ મિનિટ હલાવી ગૅસ બંધ કરવો.
ગાર્નિશિંગ માટે : ચીઝ, ફુદીના-કોથમીરની ચટની, કાંદાની સ્લાઇઝ.
સર્વ કરવાની રીત : સૌપ્રથમ ફોન્ડ્યુ બાઉલમાં તૈયાર છોલે લઈ એમાં ઉપર ચીઝ છીણવું. ઉપર ફુદીનાની ચટણીથી ગાર્નિશ કરવું.
સર્વ કરવાની રીત : ફોન્ડ્યુ બાઉલને પ્લેટમાં રાખવું. તેમાં નીચે કૅન્ડલ ચાલુ કરવી. પ્લેટમાં સાથે મિની સમોસા અને કાંદાની સ્લાઇઝ મૂકીને સર્વ કરવું. તો તૈયાર છે એક માઉથ વૉટરિંગ ફોન્ડ્યું.

રોટલીનાં ઢોકળાં, અનસૂયા હસમુખ લાઠિયા, ભાંડુપ

સામગ્રી
એક વાટકો ઠંડી રોટલીના કટકા, એક વાટકી રવો, આદું-મરચાંની પેસ્ટ, પાલકની પેસ્ટ, ચપટીક હળદર, સ્વાદ અનુસાર મીઠું, 
વઘાર માટેઃ તેલ, રાઈ અને મીઠો લીમડો
રીત 
રોટલી ઠંડી લેવાની. એક બોલમાં એના નાના-નાના ટુકડા કરવાના. એમાં રોટલીના ટુકડા ડૂબે એટલી છાશ નાખવાની. ૩૦ મિનિટ પ્લાળ્યા બાદ એને મિક્સરમાં પીસવાની. જેમ પલાળી હોય એમ જ પીસી નાખવાની, પછી એમાં નાની એક વાટકી રવો નાખવાનો અને હલાવીને ૩થી ૪ કલાક પલાળવા દેવું. એમાં ખીરા જેવો આથો આવી જશે. આથો આવ્યા પછી ખીરામાં આદું-મરચાંની પેસ્ટ નાખવાની (તીખાશ જોઈએ એ પ્રમાણે), પછી ખીરાના બે ભાગ કરવાના.
એક ભાગમાં હળદર નાખવાની અને બીજા ભાગમાં પાલકની પેસ્ટ નાખવાની. ત્યાર બાદ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવાનું. ત્યાર બાદ બેઉ ખીરામાં થોડું ગરમ પાણી, સોડા, તેલ મિક્સ કરીને ખૂબ હલાવવાનું અને ગ્રીન ખીરું પહેલાં થાળીમાં થોડું તેલ લગાવીને પાથરી દેવું. ત્યાર બાદ એને એકથી બે મિનિટ બાફવાનું પછી હળદર નાખેલું ખીરું એમાં બીજી લહેર કરી નાખવી. ૧૦થી ૧૫ મિનિટ બાદ એને બહાર કાઢી ઠંડું કરવા મૂકવાનું. ઠંડું થયા પછી એમાં છરી વડે કાપા કરવાના.
એના વઘાર માટે નાના વઘારિયામાં ૨થી ૩ ચમચી ખાવાનું તેલ મૂકવાનું અને એમાં રાઈ, જીરું, ખાવાનો લીમડો નાખી ઢોકળાંની થાળીમાં ધીમે-ધીમે પાથરવું. એમાં ઉપરથી કોથમીર ભભરાવી દેવી. 

ટમેટાંનો હલવો, શીતલ કમલેશ ભણસાલી, લેમિંગ્ટન રોડ

સામગ્રી 
૫૦૦ ગ્રામ ટમેટાં, ૩ ચમચી ઘી, ૨૫ ગ્રામ માવો, ૨૫ ગ્રામ પનીર, ૪ ચમચી ખાંડ, એલચી, ૫-૬ તાર કેસર.
રીત
સૌ પ્રથમ ટમેટાંને આડા અડધા કાપી વચ્ચેથી બીજ કાઢી લેવા. ટમેટાંને મોટા કાણાવાળી છીણીથી છીણી જાળવાળા વાટકામાં છીણ લઈ ૧ કલાક રહેવા દેવું, જેથી ટમેટાંમાંથી પાણી નીકળી જાય. ત્યાર બાદ પૅનમાં ઘી લઈ ગરમ થાય એટલે છીણ નાખી ૫-૭ મિનિટ ફુલ ગૅસ પર હલાવવું જેથી ટમેટાંમાં રહેલું પાણી બળી જાય. ત્યાર બાદ માવો, પનીર, ખાંડ, એલચી, કેસર નાખી ૪-૫ મિનિટ હલાવવું. ઘી છૂટવા લાગે એટલે ગૅસ બંધ કરી લેવો.
હલવાને ડ્રાયફ્રૂટથી સજાવી સર્વ કરવું. ગરમ હલવાને વૅનિલા આઇસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. 

Gujarati food mumbai food indian food