રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

17 July, 2021 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને`મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

પ્રતીક્ષા પરેશ શાહ, કાંદિવલી

હેલ્ધી ઇડલી ચાટ

સામગ્રી 
ઇડલી બનાવવા માટે: ૧ વાટકી ઉગાડેલા લીલા મગ, ૧/૪ વાટકી અડદની દાળ, ૧/૪ વાટકી પલાળેલા પૌંઆ, ૧ વાટકો પાલક, ૧ ચમચી તેલ, ૧/૪ ચમચી લીંબુનાં ફૂલ, ૧/૨ ચમચી ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું
સ્ટફિંગ બનાવવા માટે : ૧ વાટકો અધકચરા વાટેલા લીલા વટાણા, ૮-૧૦ સૂકી દ્રાક્ષ, ૮-૧૦ કાજુ ટુકડા, બે ચમચી લીલું કોપરું, ૧ ચમચી કોથમીર, ૧ ચમચી વાટેલાં આદું-મરચાં, ૧/૨ ચમચી તેલ, ચપટી ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું 
ગાર્નિશ કરવા માટે : દહીં, દાડમના દાણા, તળેલી ચણા દાળ, ઝીણી સેવ અને કોથમીર-ફુદીનાનાં પાન 
રીત
સ્ટફિંગ બનાવવા માટે : કડાઈમાં જરાક તેલ મૂકીને એમાં અધકચરા વાટેલા વટાણા ઉમેરો. પછી એમાં ચપટી ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિશ્રણ બની જાય પછી એમાં વાટેલા આદું-મરચાં ઉમેરવાં. મિશ્રણ ચડવા આવે એટલે ગૅસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડું થવા દેવું. ત્યાર બાદ એમાં કાજુ ટુકડા, દ્રાક્ષ, લીલું કોપરું અને કોથમીર મિક્સ કરીને તૈયાર રાખવાં. 
ઇડલી બનાવવા માટે : એક મિક્સર જારમાં ઉગાડેલા મગ, અડદની દાળ, પલાળેલા પૌંઆ, પાલકનાં પાન, લીંબુનાં ફૂલ અને મીઠું નાખી ક્રશ કરવું. ખીરામાં ૧ ચમચી તેલ નાખી હલાવી એમાં સોડા ઉમેરવા. બરાબર હલાવીને ઇડલીના સ્ટૅન્ડમાં ખીરું નાખવું. પછી તરત જ એના ઉપર વટાણાનુ સ્ટફિંગ નાખવું. એને હાથેથી જરાક પ્રેસ કરી ઉપર પાછું ખીરું નાખવું. પછી એને ૧૦થી ૧૫ મિનિટ સ્ટીમ થવા દેવું. 
ઇડલી સાથે સર્વ કરવા
દહીંમાં દાડમનો રસ, સંચળ અને જરાક સાકર નાખવી. 

ઇડલીને દહીં, તીખી અને મીઠી ચટણી, દાડમના દાણા, ચણાની દાળ, સેવ અને કોથમીર સાથે ગાર્નિશ કરવું.

મગ-મખાના લાડુ, રીમા દીપક હરસોરા, તારદેવ

સામગ્રી  
૧ કપ મગ, ૧ કપ મખાના, પોણો કપ ઘી, ૧ કપથી થોડો ઓછો ગોળ (મીઠાશ તમારા હિસાબે કરી શકો) ૧/૨ કપ મિક્સ ડ્રાયફ્રૂટ બદામ, કાજુ, પિસ્તાં, કિસમિસ, ૧/૨ ચમચી ઇલાયચી-જાયફળ પાઉડર, બે ચમચી ખસખસ
રીત
સૌપ્રથમ મગને કડાઈમાં સ્લો ફ્લેમ પર શેકી લેવા. થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી, પછી મગને નીચે ઉતારી લેવા. હવે એ જ કડાઈમાં અડધી ચમચી ઘી લઈ મખાનાને પણ શેકી લેવા. હવે એને પણ ઠંડા થવા દેવા. પછી બેઉને વારાફરતી મિક્સરમાં પીસી લઈને ચાળી લેવા. હવે કડાઈમાં બેથી ત્રણ ચમચી ઘી લઈને મગ-મખાનાના પાઉડરને સ્લો ફ્લેમ પર શેકવા. પહેલાં બેઉ વસ્તુ શેકેલી છે એટલે હવે બહુ નથી શેકવાનું. સુગંધ આવે ત્યાં સુધી શેકીને નીચે ઉતારી લેવું. હવે 
એમાં જ કતરણ કરીને ડ્રાયફ્રૂટ નાખી દેવાં. પછી વધેલું બધું ઘી કડાઈમાં લઈ 
ગરમ કરો અને એમાં ગોળ સમારીને નાખી દો. ગોળનો પાયો નથી થવા દેવાનો, ખાલી ગોળને પીગળાવવાનો છે. હવે શેકેલો પાઉડર અને ગોળને મિક્સ કરી લાડવા વાળી લેવા. એની ઉપર ખસખસ ભભરાવવી.

ગોળ-ધાણા ચૉકલેટ, વંદના નીલેશ ટિલિયા, ઘાટકોપર

સામગ્રી 
૫૦ ગ્રામ ગોળ (ઝીણો સમારેલો), ૫૦ ગ્રામ ધાણા, મોરડે ડાર્ક કમ્પાઉન્ડ, ફૅન્સી ટૂથપિક, ફૅન્સી પેપર કપ, ચૉકલેટ મોલ્ડ
રીત
સૌપ્રથમ ધાણાને મિક્સરમાં પીસી લેવા. પછી એમાં ગોળ નાખી ફેરવી લેવું. પછી એના નાના ગોળા વાળી ટૂથપિકમાં ભરાવવા. એક પૅનમાં ડાર્ક અને મિલ્ક કમ્પાઉન્ડને સરખા ભાગમાં લઈ ડબલ બૉઇલિંગમાં ગરમ કરવું. બન્ને સરખી રીતે મેલ્ટ થઈ જાય પછી ચૉકલેટ મોલ્ડમાં નાખવું. પોણા ભાગ જેટલું ભરી એમાં ગોળ-ધાણાવાળી ટૂથપિક લગાડી ફ્રિજમાં સેટ કરવા મૂકવું. સેટ થઈ ગયા પછી પેપર કપમાં રાખી શણગારેલી ટ્રેમાં રાખી સર્વ કરવું.
ગોળ-ધાણાના પ્રસંગમાં પ્રસંગની સુંદરતા વધારે છે.

Gujarati food mumbai food indian food