રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

16 July, 2021 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને`મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

કાશ્મીરા દિપેન વિસરિયા, વડાલા

વેજ પૅટીસ ઇન હેલ્ધી હરિયાલી પિલોસ

સામગ્રી 
પિલો માટે : મગ ૩૦૦ ગ્રામ, આદું-મરચાં, જીરાની પેસ્ટ બે ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ઇનો ૧ પૅકેટ
પૅટીસ માટે : કાચાં કેળાં ૬ નંગ, તેલ ૧ ચમચી, કોબી, કૅપ્સિકમ, ફ્રેન્ચ બીન્સ (મિક્સ) બે કપ, આદું-મરચાંની પેસ્ટ બે ચમચી, જીરું પાઉડર ૧ ચમચી, બાદશાહ આમચૂર પાઉડર ૧/૨ ચમચી, બાદશાહ રજવાડી ગરમ મસાલો ૧/૨ ચમચી, બાદશાહ ચાટ મસાલો ૧/૨ ચમચી, મીઠું અને સાકર સ્વાદ પ્રમાણે
સર્વ કરવા : ગ્રીન ચટણી, ચીઝ ટમેટો સૉસ, મેયોનીઝ કાકડી ટમેટાની સ્લાઇસ, કોબીનાં પાન
રીત
મગને ચારથી પાંચ કલાક પલાળી પાણી નિતારી મિક્સરમાં પીસી લેવા. વાસણમાં કાઢી ખૂબ ફેંટી સૉફ્ટ ખીરું તૈયાર કરવું. મીઠું, આદું-મરચાંની પેસ્ટ નાખી સોડા નાખી ખૂબ હલાવી એને ગ્રીસ કરેલી વાટકીમાં નાખી સ્ટીમથી પિલોસ તૈયાર કરી લેવા.
પૅટીસ માટે પૅનમાં તેલ લઈ જીરું નાખી શાકભાજી સાંતળી લેવાં. કેળાંને બાફી મૅશ કરવાં. એમાં શાકભાજી ઉમેરવાં. આદું-મરચાંની પેસ્ટ, જીરું પાઉડર, રજવાડી ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર, મીઠું, સાકર બધું નાખી મિક્સ કરી ગોળ પૅટીસ વાળી એને શૅલો ફ્રાય કરી લેવી.
સર્વ કરવા : ૧ પિલો લઈ એના ઉપર ગ્રીન ચટણી, ટમેટો સૉસ લગાડવા. ઉપર કાકડી-ટમેટાની સ્લાઇસ મૂકી પૅટીસ મૂકવી. તેના ઉપર કોબીનું પાન મૂકવું. એના ઉપર ચીઝ ખમણીને નાખવું. બીજો પિલો લઈ એના પર મેયોનીઝ લગાડીને ચીઝ ઉપર મૂકી સર્વ કરવું.

ન્યુટ્રિશ્યસ ખીચું-ડોનટ, ભાવના ચેતન ગાલા, લાલબાગ

(એ) રોસ્ટેડ પાઉડર માટેની સામગ્રી
બે ચમચી ચણાની દાળ, બે ચમચી અડદની દાળ, ૧/૪ કપ જાડા પૌંઆ, ૧/૪ કપ ઓટ‍્સ, ૧ ચમચી તેલ
રીત
ઉપરોક્ત વસ્તુઓને નૉનસ્ટિક કડાઈમાં લઈ ગૅસ ઉપર ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લેવું.
(બી) ખીચું બનાવવા બીજી સામગ્રી 
(૧) બે કપ પાણી, ૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧/૪ ચમચી મરીનો પાઉડર, ૧ ચમચી તેલ, ૧/૪ કપ ખાવાનો સોડા, મીઠું સ્વાદ પ્રમાણે 
(૨) બીજી સામગ્રી: ૧/૨ કપ ફણગાવેલા મગ, ૧/૪ બારીક સમારેલી મેથીની ભાજી, ૧/૪ કપ બારીક સમારેલી પાલકની ભાજી, ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી, ૧/૪ કપ ચોખાનો લોટ, ૧/૨ કપ રોસ્ટેડ પાઉડર (ઉપર આપેલી રીત પ્રમાણે), ૧/૪ ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે આ સામગ્રી પૂરતું મીઠું
(૩) ખીચા પર છાંટવા માટે : થોડું તેલ અથવા ઘી, મેથીનો સંભારો
રીત
સૌપ્રથમ એક કડાઈમાં પાણી નાખી એને ગરમ કરી ઊભરો આવવા દો. ત્યાર બાદ એમાં એક નંબરની સામગ્રી નાખી બરાબર લાકડાના ચમચા અથવા વેલણથી હલાવો. બાદ એમાં બે નંબરની બધી સામગ્રી ધીમે-ધીમે ઉમેરતા જવી અને ૫થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહીને જ્યારે ખીચું ઘટ્ટ થવા આવે ત્યારે ગૅસ બંધ કરી દેવો અને તરત જ ઘી અથવા તેલવાળો હાથ લઈ ખીચાને હાથમાં લઈ ડોનટનો આકાર આપી વચ્ચે વેલણથી હોલ (ખાડો) કરીને અંદર ખાડામાં તેલ અથવા ઘી નાખી ઉપર મેથીનો સંભારો છાંટી સર્વ કરવું.

દૂધીની કેસર કુલ્ફી, સ્મિત સંજય સત્રા, વાશી

સામગ્રી  
૧ લિટર દૂધ, ૧ કપ સાકર, અડધી ચમચી એલચી પાઉડર, ૨૦૦ ગ્રામ દૂધી, ૫૦ ગ્રામ કૉર્નફ્લોર અથવા ચોખાનો લોટ (અડધો કપ ઠંડા દૂધમાં મિક્સ થયેલું), પોણો કપ ક્રશ્ડ ડ્રાયફ્રૂટ, ૪-૫ કેસરના તાંતણા
રીત 
સૌપ્રથમ દૂધીની છાલ કાઢી એને ખમણી લો. દૂધને ગરમ કરી એને ઉકાળી ધીમા ગૅસ પર ગરમ કરો. ત્યાર બાદ એમાં દૂધી નાખીને ૧૦ મિનિટ પછી સાકર ઉમેરો. ૨૦ મિનિટ સુધી ઉકાળી એમાં ડ્રાયફ્રૂટ અને કેસર નાખો. એલચી પાઉડર અને કૉર્નફ્લોર નાખ્યા પછી સતત હલાવતા રહો જેથી નીચે ચોંટી ન જાય. ત્યાર બાદ હૅન્ડ મિક્સીની મદદથી મિક્સ કરો. ક્રશ ડ્રાયફ્રૂટ ઉપરથી નાખી અને ચાના કપમાં અથવા કુલ્ફીના મોલ્ડમાં નાખી એમાં આઇસક્રીમને કૅન્ડી નાખી સિલ્વર ફોઇલથી ઢાંકી દો. ફ્રિજમાં નાખી આઇસક્રીમને જામવા દો.
છ કલાક પછી કુલ્ફી જામી જાય એટલે એ સર્વ કરો. દૂધીને લીધે આઇસક્રીમ સૉફ્ટ અને હેલ્ધી થશે.

Gujarati food mumbai food indian food