રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

15 July, 2021 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

પૂનમ સાગર નાગડા, ભાંડુપ

મુંગદાલ વેડ્સ મેંગો

સામગ્રી
મગ દાળની પૅન કેક, મગની દાળ (છલટી) પલાળેલી બે કપ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર
વેજિટેબલ 
સ્ટફિંગ : 
બેલપેપર, ગાજર, કાંદા, બ્રૉકલી, રાજમા (પોતાની પસંદગી પ્રમાણે લઈ શકાય)
લાલ ચટણી : કાંદા, ટમેટાં, લસણ, કાશ્મીરી મરચું, ગોળ, આંબલી, મીઠું
મૅન્ગો સાલસા : મૅન્ગોના બારીક ટુકડા, ટમેટા, કૅપ્સિકમ, લીંબુ, ઑરેગાનો, મીઠું, સાકર, મરી, ટમેટો કેચપ
મગની દાળની પૅન કેક : બે કપ મગની દાળમાં બે ચમચી ચોખા ૪ કલાક પલાળીને રાખવા. એમાં આદું-મરચાં, મીઠું નાખી મિક્સ કરી લેવું. પૅન ઉપર તેલ લગાવીને ખીરું પાથરી પૅન કેક ઉતારી લેવી.
લાલ ચટણી:
કાંદા, ટમેટાં, લસણની ૫-૬ કળી ફોલીને રાખવી. એક પૅનમાં તેલ ગરમ કરવું અને આ બધું સાંતળવું. એમાં કાશ્મીરી મરચું નાખવું. ટમેટું પાણી છોડશે એમાં જ મિશ્રણને કુક થવા દેવું. મીઠું, ગોળ, આંબલીનું પાણી ઍડ કરવું. કુક થઈ જાય એટલે ગૅસ બંધ કરી ઠંડું થાય ત્યારે ‍મિક્સ કરવું. પછી છેલ્લે રાઈ, હિં અને લીમડાનો વઘાર નાખવો.
સ્ટફિંગ : ઉપર સામગ્રી મુજબ જે પણ વેજિટેબલ લીધાં હોય એને સાંતળી મીઠું, ઑરેગાનો પેપરિકા નાખવા.
મૅન્ગો સાલ્સા : સૌપ્રથમ મૅન્ગોની છાલ ઉતારી એના કાપા કરી લેવા. ટમેટું અને કૅપ્સિકમ ગૅસ પર એક જાળી મૂકી છાલ કાળી થાય ત્યાં સુધી શેકવાં. ઠંડા થાય એટલે છાલ ઉતારી લેવી. ચિલી કટરમાં ચૉપ કરવા. હવે બાઉલમાં મૅન્ગો, કાંદા, કૅપ્સિકમ, કાંદા, મરી, મીઠું, સાકર, બે ચમચી ટમેટો કેચપ, લીંબુ નાખી મિશ્રણ હલાવવું. હવે આને ફ્રિજમાં ઠંડું થવા દેવું.
સર્વ કરવા માટે : નીચે ૧ પૅન કેક (મગ દાળ)ની મૂકવી. પછી વેજિટેબલ સ્ટફિંગ, એની ઉપર બીજી પૅન કેક, એના પર ચટણી પાથરવી અને સૌથી ઉપર મૅન્ગો સાલ્સા નાખવું.
એક સુંદર અને ટેસ્ટી ડિશ તમારી સમક્ષ રેડી છે. ટમેટો કેચપ સાથે સર્વ કરવું.

કમલમ ચિલ્ડ લૉલીપૉપ, ખુશી હિતુલ સાવલા, કાંદિવલી

સામગ્રી 
૧ કપ મલાઈવાળું દૂધ, દોઢ ચમચી કસ્ટર્ડ પાઉડર, બે ચમચી સાકર, અડધો કપ કમલમ પલ્પ
રીત
એક જાડા તળિયાવાળા તપેલામાં દૂધ, કસ્ટર્ડ પાઉડર, સાકર બધું મિક્સ કરવું. ત્યાર બાદ ગૅસ પર સરખું હલાવતા રહેવું. દૂધ સરખું ઘટ્ટ થાય ત્યારે ગૅસ બંધ કરી બે મિનિટ સરખું હલાવી થોડું ઠંડું કરી લીધા બાદ એમાં કમલમ પલ્પ નાખીને એકદમ ઠંડું થાય ત્યાં સુધી હલાવવું. ઠંડું થાય એટલે મોલ્ડમાં નાખી ઉપરથી સિલ્વર ફૉઇલથી કવર કરી નાની કાંડી ખોસી દેવી અને ફ્રીઝરમાં સેટ કરવા રાખી દો. બે કલાકમાં લૉલીપૉપ સેટ થઈ જશે.

બાજરાના વેજ સ્ટફ્ડ ક્વોસેડિલા, નીલમ પરેશ શાહ, બોરીવલી

સામગ્રી 
૬ નંગ કાચાં કેળાં, ૪૦૦ ગ્રામ બાજરાનો લોટ, ૧ બોલ ચોપરમાં ચોપ્ડ કરેલાં શાકભાજી (મકાઈ, કૅપ્સિકમ, ગાજર, કોબી), વટાણાને મિક્સરમાં ક્રશ કરવા, ૧૦૦ ગ્રામ ખમણેલું પનીર, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી ચિલી ફ્લૅક્સ, ૧ ચમચી ઑરેગાનો, ૧ ચમચી આમચુર પાઉડર, ૨ ચમચી ચાટ મસાલો, સમારેલી કોથમીર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી બાદશાહ ગરમ મસાલો, શેકવા માટે તેલ, ઘી અથવા બટર.
ગાર્નિશિંગ માટે : તલ.
સર્વિંગ માટે : દહીં, કોથમીર, ફૂદીનાની ચટણી, ટમૅટો સૉસ.
રીત
સૌપ્રથમ કાચાં કેળાંને તેલ લગાડી બાફી લેવા. ગરમ હોય ત્યારે જ સ્મેશ કરવા. બધાં શાકભાજીને ચોપરમાં ચોપ્ડ કરવા. લોયામાં ૨ ચમચી તેલ લેવું. ગરમ થાય એટલે એમાં હીંગ ઉમેરીને બધાં શાકભાજી ઉમેરવા. શાકના માપનું મીઠું અને હળદર ઉમેરીને શાકને બરાબર 
હલાવી લેવું. બધાં શાક સૉફ્ટ થાય એટલે ગૅસ બંધ કરી બધા સૂકા 
મસાલા ઉમેરવા. પનીર અને કોથમીર પણ ઉમેરવા. છેલ્લે બાફેલાં કેળાંનો માવો ઉમેરી બધું બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. 
બાજરાના લોટમાં મીઠું નાખી નવશેકા ગરમ પાણીથી લોટ બાંધવો. લોટ જરાક નરમ રાખવો. હવે લૂઓ લઈ એને હાથેથી થેપીને એમાં પૂરણ ભરવું. બધી બાજુથી બરાબર બંધ કરી લૂઓ 
તૈયાર કરી પાટલા પર હળવા હાથેથી થેપીને પરાંઠાં તૈયાર કરવા. ઉપર થોડા તલ ભભરાવવા. તવા પર તેલ, ઘી અથવા બટર લગાડીને ગોલ્ડન 
બ્રાઉન શેકી લેવા. ગરમાગરમ સર્વ કરવા.
૬ નંગ કેળાંમાંથી ૧૨ પરાંઠાં તૈયાર થશે.
કેળાંની જગ્યાએ બટેટા વાપરી શકાય. બટેટાને બાફીને કોરા કરવા. 

Gujarati food indian food mumbai food