રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

13 July, 2021 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

શિલ્પા જતિન ખેતાણી, મલાડ

બિહારી લીટી ચોખા

સામગ્રી
લીટી : ૧ કપ ઘઉંનો લોટ, ૨ ચમચી તેલ, અડધો કપ અજમો, પાણી.
સતુ : સ્ટફિંગ માટે : ચણા (દાળિયા) શેકેલા અડધો કપ, ૧ ચમચી જીરું, ૧ ચમચી જીણો સમારેલો કાંદો, ૨થી ૩ મરચાંના ટુકડા, ૩ ચમચી બારીક સમારેલી કોથમીર, ટેસ્ટ પ્રમાણે મીઠું, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાઉડર, થોડી હળદર, અડધી ચમચી મીઠું, ૨ ચમચી દેશી ઘી.
ચોખા : ૪ શેકીને લીધેલાં ટમેટાં, કોથમીર, ૩ સુધારેલા લીલાં મરચાં, ૧ ચમચી મીઠું, ૨ મોટા ચમચા રાયનું તેલ, ૨ બાફેલા મોટા બટેટા.
સર્વિંગ માટે : લીલી ચટણી, આમલીની ચમણી, મોગર દાળ, ઘી.
રીત
ઘઉંના લોટની અંદર તેલ, મીઠું, અજમો નાખી પાણીથી પરોઠા જેવો ઢીલો (નરમ) લોટ બાંધવો.
સતુ : દાળિયા અને જીરું ભેગા મિક્સ્ચરમાં બારીક પીસવા. એક બાઉલમાં સતુ લેવો અને તેમાં કાંદો, કોથમીર, મરચાં, આદું અને બાકીના મસાલા અને ઘી નાખવું. સ્ટફિંગ માટે સતુ તૈયાર છે. ઘઉંની કણકને ખૂબ જ મસળીને નાના લુઆ કરવા. લુઆ થેપીને તેમાં ૧ ચમચી સતુ ભરી કચોરીની જેમ વાળી બધી લીટી તૈયાર કરવી. ઓવનમાં ૧૭૦ ડિગ્રી ઉપર બધી લીટી બેક કરવા મૂકવી ૧૫થી ૨૦ મિનિટ માટે.
ચોખા : શેકેલાં ટમેટાં ઠંડા થાય પછી છાલ કાઢવી અને મસળી પ્યુરી જેવું બનાવવું. હાથેથી મસળવા. તેમાં બટેટાનો માવો અને બાકીની સામગ્રી મિક્સ કરવી. ચોખા તૈયાર છે.

મગની દાળ (મોગર) સામાન્ય રીતે બાફીને વઘારી મીઠું નાખવું.

ડીકન્સ્ટ્રક્ટેડ સમોસા, રક્ષા રમેશ ઠક્કર, મુલુંડ

સામગ્રી 
ઘઉંનો લોટ ૧/૨ કપ, મેંદો બે કપ, તેલ 4/૪ ચમચી, ૧/૨ કપ પાણી અથવા જરૂર મુજબ, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો ૧ ટીસ્પૂન, તળવા માટે તેલ
ભરણ માટે
બટાટા ૧ કપ બાફેલા, વટાણા ૧/૨ કપ, લીલાં મરચાં બેથી ત્રણ, ખમણેલું આદુ એક ટીસ્પૂન, બે ચમચી કોથમીર, પનીર ૧ કપ, ૧/૪ કપ શેકેલા શિંગદાણાનો ભૂકો, હિંગ ૧/૮ ટીસ્પૂન, જીરું ૧ ટીસ્પૂન, ૧ ટીસ્પૂન ધાણાનો પાઉડર, વરિયાળી ૧ ટીસ્પૂન,  કાળાં મરી ૨/૪ ટીસ્પૂન અધકચરાં, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાનો પાઉડર ૧/૨ ટીસ્પૂન, ગરમ મસાલા પાઉડર ૧/૪ ટીસ્પૂન, આમચૂર પાઉડર ૧ ચમચી
રીત
પહેલાં બાફેલા બટાટાને એક બાજુ રાખો. હવે એક કડાઈમાં એક ચમચી ઘી નાખો. જ્યારે ઘી ગરમ થાય ત્યારે જીરું નાખો. પછી આદું અને લીલાં મરચાંને એક મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ એમાં છૂંદેલા બાફેલા બટાટા ઉમેરીને એમાં શેકેલા શિંગદાણાનો ભૂકો તથા ઉપર જણાવેલા બધા મસાલા નાખીને એને મિક્સ કરો. છેવટે એની ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવી દો અને એક વાસણમાં સ્ટફિંગ ભરી દો અને એને ઠંડું થવા દો.
એટલી વારમાં ‍કણક તૈયાર કરો. આ માટે એક મોટા બાઉલમાં મેંદો અને લોટ લઈ મીઠું, અજમો અને ઘી નાખો. એને સરસમિક્સ કરો. પછી થોડુંક પાણી નાખી કઠણ કણક બાંધો. આને ૧૫ મિનિટ બાજુ પર રહેવા દો. એક પાટલા પર કણકનો નાનો ભાગ લો અને લંબગોળ આકારની  રોટલી બનાવો. પટ્ટી કાપીને એને વાટકીમાં લગાડો. પછી એને તળી લો. વાટકી બહાર આવી જશે.
એસેમ્બલિંગ કરવા માટે : એક પ્લેટમાં લીલી ચટણી, આમલીની ચટણી, બીટરૂટ પ્યુરી અથવા કેચપનાં ટીપાં નાખો.  સ્ટફિંગનો એક નાનો સ્તર બનાવો અને સમોસાની રિંગ રાખો અને ત્યાર બાદ સમોસા ભરણને રિંગની અંદર રાખો અને એને સેવ, બૂંદી, દાડમના દાણા નાખી ડેકોરેટ કરો. થોડો ચાટ મસાલો છાંટો અને પીરસો.

મિન્ટ-ગાર્લિક બ્રુશેટા વિથ પેરુ મોઈતો, દક્ષા હરીશ વરિયા, ડોમ્બિવલી

સામગ્રી 
ગાર્લિક લોફ ૧ નંગ (બ્રુશેટા), કાંદા બેથી ૩ નંગ, કૅપ્સિકમ (ત્રણ કલરનાં લાલ, પીળાં, લીલાં) ૩થી ૪ નંગ, લસણની પેસ્ટ ૧ કપ, ફુદીનાનાં પાન ૮થી ૧૦ નંગ, મેયોનીઝ ૩ કપ, ઑરેગાનો ૧ ચમચી, ચિલી ફ્લેક્સ ૧ ચમચી, મરી પાઉડર ૧ ચમચી, ચાટ મસાલો ૧/૨ ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝ ક્યુબ્સ ૪ નંગ, તેલ ૧થી ૨ ચમચી, બટર ૧ કપ
ગાર્નિશિંગ માટે : ચીઝ ક્યુબ્સ પાંચથી ૬ નંગ, ફુદીનાનાં પાન ૫થી ૬ નંગ, નાચોઝ  પૅકેટ, પેટુ મોઈતો ૧ ગ્લાસ
રીત
(ટોપિંગ) : સૌપ્રથમ બ્રુશેટા (ગાર્લિક લોફ)ને રાઉન્ડમાં કાપી લો. ત્યાર બાદ એક પૅનમાં તેલ લઈ એમાં લસણની પેસ્ટ નાખી કાંદા નાખવા (લસણની પેસ્ટ આગળ પડતી હોવી જોઈએ). કાંદા સહેજ લાલ થાય ત્યારે ત્રણ કલરનાં કૅપ્સિકમ નાખી સાંતળવાં. થોડું ક્રન્ચી જ રહેવા દેવું. ત્યાર બાદ ગૅસ પરથી નીચે ઉતારી લેવું. થોડું ઠંડું થયા બાદ એમાં ફુદીનાનાં પાન ઝીણાં કાપીને નાખી સરખાં હલાવવાં. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, ઑરેગાનો, ચિલી ફ્લેક્સ નાખી મિક્સ કરી મેયોનીઝ નાખી ૪ ચીઝ ક્યુબ્સ ખમણવા. બધું બરાબર મિક્સ કરવું.
બ્રુશેટા એસેમ્બલ કરવાની રીત : સૌપ્રથમ બ્રુશેટાની સ્લાઇસ ઉપર તૈયાર કરેલું ટૉપિંગ્સ પાથરવું. પછી એના પર ચીઝ ખમણવું. પછી એક નૉનસ્ટિક પૅનમાં બટર લગાવી ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવું.
પછી એક પ્લેટમાં બ્રુશેટા ગોઠવી એના પર ફુદીનાનાં પાન ગોઠવવાં. આજુબાજુ નાચોઝ ગોઠવી ગાર્નિશિંગ કરવું. સાથે પેરુ મોઈતો સર્વ કરવું.
પેરુ મોઈતો બનાવવાની રીત : એક પેરુ અને અડધો કપ ફુદીનાનાં પાનને એક મિક્સર બાઉલમાં લઈ એમાં ૧ ચમચી સાકર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ક્રશ કરી લેવું.
પછી એક ગ્લાસમાં પેરુનો મોઈતો નાખી ઉપર સ્પ્રાઇટ નાખવું. પછી બરફના ટુકડા અને ફુદીનાનાં પાન નાખી સર્વ કરવું.

Gujarati food mumbai food indian food