રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

12 July, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

કસ્તુરબહેન રામજી વીરા, થાણે

ફાડા ભેલ ઇન કોન ઢોસા

સામગ્રી
ઢોસા માટે - ઢોસાનું બૅટર ૧ કપ, કોન શેપનો મોલ્ડ, તેલ તળવા માટે અને બે ચમચી તેલ ઢોસા માટે
ભેળ માટે : હળદર નાખી બાફેલા ફાડા ૧ કપ (જાડા સાઇઝના), ટમેટાં, કાકડી, દાડમના દાણા, ઝીણી સુધારેલી કોથમીર, ખજૂર-આમલીની ચટણી, તીખી ચટણી ગ્રીન અને ચાટ મસાલો બધું તમારી જરૂર મુજબ
વઘાર માટે : ૧ ચમચી તેલ, ચપટી હિંગ, જીરું, મીઠા લીમડાનાં પાન, ડેકોરેશન માટે ફુદીનાનાં પાન
રીત 
ગૅસ પર નૉનસ્ટિક તવા ઉપર નાની સાઇઝના કાચા-પાકા ઢોસા ઉતારી રેડી કરવા ત્યાર પછી ગૅસ પર કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. પછી કોનના મોલ્ડ પર ઢોસાને ખીરાના મદદથી ચોંટાડીને મોલ્ડને કઢાઈમાં નાખી ગરમ તેલમાં ગુલાબી કલરના તળી લો અને કોન રેડી કરો.‍
હવે ભેળ માટે તૈયાર કરેલા ફાડાને હિંગ અને જીરું અને લીમડાનાં પાનથી વઘારી રેડી કરો. હવે આ ફાડામાં ટમેટાં, કાકડી ઝીણાં સુધારીને નાખો. દાડમના દાણા અને મીઠી ચટણી અને ગ્રીન ચટણી નાખી કોથમીર ઉમેરી સરખી રીતે બધું મિક્સ કરો (જો ખાતા હો તો કાંદો ઝીણો સુધારીને નાખી શકાય). હવે આ ભેળને કોનમાં ભરીને ફુદીનાનાં પાનથી ડેકોરેટ કરો.

ગ્રેનોલા બાર વિથ પિનાકલાડા, છાયા પ્રકાશ ઓઝા, બોરીવલી

સામગ્રી 
૧/૨ કપ ઓટ્સ, ૧/૨ કપ મમરા, ૧ કપ ખજૂર, ૧/૪ ચમચી મીઠું, ૧/૪ કપ મધ, 
૧/૪ કપ પીનટ બટર, ૧/૪ કપ ચોપ કરેલી બદામ, ૧/૪ કપ ડ્રાય ક્રૅનબેરીઝ
૧/૪ કપ મગજતરીનાં બી, ૧/૪ કપ પમ્પકિન સીડ્સ, 
૧ ચમચી અળસી
રીત 
ખજૂરને મિક્સરમાં ક્રશ કરી લેવી.
ઓટ્સ, મમરા, પમ્પકિન સીડ્સ, બદામ, અળસી પણ રોસ્ટ કરી લેવાં.
એક બાઉલમાં ડ્રાય રોસ્ટ કરેલી બધી સામગ્રી ભેગી કરી એમાં મીઠું, મગજતરીનાં બી, સનફ્લાવરનાં બી, ડ્રાય ક્રૅનબેરીઝ, ખજૂરની પેસ્ટને મિક્સ કરી લેવી. એમાં પીનટ બટર અને મધ ગરમ કરી મિક્સરમાં નાખવું અને હાથેથી બધું મિક્સ કરી લેવું.
એક ટ્રેને તેલ અથવા બટરથી ગ્રીસ કરી આ મિશ્રણ એમાં નાખવું. હાથેથી હલાવી ફ્રિજમાં ૧ કલાક સેટ કરવા મૂકવું. પછી એના લાંબા પીસ કરી પમ્પકિન સીડ્સ અને ક્રૅનબેરીઝથી ગાર્નિશ કરવું.
હેલ્ધી અને નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલા ગ્રેનોલા બાર ખૂબ જ ઇમ્યુનિટી વધારે છે.
પિનાકલાડા સમર ડ્રિન્ક
સામગ્રી 
૧/૨ કપ પાઇનૅપલ, ૧/૨ કપ પાણી, 
૧/૨ કપ કોકોનટ મિલ્ક, ૧ ટેબલસ્પૂન સાકર, ૪ આઇસક્યુબ
રીત 
સૌપ્રથમ પાઇનૅપલના ટુકડા કરી મિક્સરમાં પાણી નાખી પીસવું. પછી એને ગાળી લેવું. એમાં કોકોનટ મિલ્ક, સાકર, આઇસક્યુબ નાખી પાછું એને મિક્સરમાં મિક્સ કરવું.
એક ગ્લાસમાં આઇસ ક્યુબ નાખી એમાં પિનાકલાડા જૂસ નાખી ઉપર ગાર્નિશિંગ માટે ફુદીનાનાં પાન મૂકવાં અને પાઇનૅપલની સ્લાઇસ મૂકવી.
હેલ્ધી અને નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલો પિનાકલાડા ડ્રિન્ક તૈયાર છે.

ગોલી ઇડલી, રિદ્ધિ લલિત ઓઝા, વિરાર

સામગ્રી  
ગોલી ઇડલી માટે : દોઢ કપ પાણી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ઘી, દોઢ કપ ચોખાનો લોટ 
વઘાર માટે : બે ચમચી તલ, ૧ ચમચી રાઈ, ૧ ચમચી ચણાની દાળ, ૧ ચમચી અડદની દાળ, બે ચમચી સફેદ તલ, ૧ સૂકું લાલ મરચું, થોડાં લીમડાનાં પાન, ચપટી હિંગ, ૧ ચમચી ઝીણાં સમારેલાં મરચાં, અડધી ચમચી ઝીણું સમારેલું આદું, ગાર્નિશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર
રીત
સૌપ્રથમ એક પૅનમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો. એમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ઘી નાખો. પાણી ઊકળી જાય એટલે એમાં દોઢ કપ ચોખાનો લોટ ઉમેરો અને સતત એક તરફ હલાવતા રહો (લમ્પ્સ ન પડે એ રીતે હલાવો). સરખું મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ધીમા ગૅસ પર રહેવા દો. પછી ગૅસ બંધ કરી મિશ્રણને બીજા વાસણમાં લઈ ભીના હાથ કરી લોટ બાંધી દો (જરૂર પડે તો થોડું ગરમ પાણી ઉમેરી શકો છો). નરમ લોટ બાંધવો. પછી નાના-નાના રસગુલ્લા જેવા બૉલ્સ વાળી દો.
એક પૅનમાં પાણી ગરમ કરવા મૂકો. એના પર ચાળણી (જાળીવાળું વાસણ) રાખી બૉલ્સને ગોઠવી દો. એના પર થાળી અથવા ઢાંકણ ઢાંકી મીડિયમ તાપ પર ૧૦ મિનિટ બાફી લો. ઇડલી બૉલ્સ રેડી છે.
વઘાર કરવા માટે એક પૅનમાં બે ચમચી તેલ, ૧ ચમચી રાઈ, ૧ ચમચી ચણાની દાળ, ૧ ચમચી અડદની દાળ, બે ચમચી સફેદ તલ, ૧ સૂકું લાલ મરચું, થોડાં લીમડાનાં પાન, ચપટી હિંગ, ૧ ચમચી ઝીણાં સમારેલાં મરચાં, અડધી ચમચી ઝીણું સમારેલું આદું નાખી તૈયાર કરેલી ગોલી ઇડલીને નાખો. ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ગાર્નિશ કરો. તમે બ્રેકફાસ્ટ અથવા સાંજના નાસ્તામાં તેમ જ પિકનિક પર જાઓ ત્યારે લઈ જઈ શકો છો. ચટણી અથવા સંભાર સાથે પણ ખાઈ શકો છો.

Gujarati food mumbai food indian food