રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

11 July, 2021 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

પ્રજ્ઞા મુકેશ મિસ્ત્રી, કાંદિવલી

મેક્સિકન ગોલગપ્પા

સામગ્રી 
પૂરણ માટે : ૧ કપ રાજમા પલાળીને બાફેલા, ૧/૨ કપ મકાઈના દાણા, ૧ કાંદો ઝીણો સમારેલો, ૧ ટમેટું બારીક સમારેલું, ૪ ટે. સ્પૂન ગ્રીન-યલો કૅપ્સિકમ બારીક સમારેલું, ૨ ટે. સ્પૂન બટર, ૨ સ્પૂન લસણની પેસ્ટ, ૧ ટે. સ્પૂન ટમૅટો કેચપ, ૧ ટી. સ્પૂન રેડ ચીલી સૉસ, મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેકસ, મીઠું સ્વાદ મુજબ. 
ચીઝ સૉસ બનાવવા : ૧ ટી. સ્પૂન બટર, ૧/૨ ટી. સ્પૂન મેંદો, ૨ કપ દૂધ, ૧/૨ કપ ચીઝ, મીઠું ચપટીક
સર્વિંગ માટે : પાણીપૂરીની પૂરી, ચીલી ફ્લેક્સ 
રીત 
પૂરણ બનાવવા : કડાઈમાં માખણ ગરમ કરી કાંદા સાંતળવા. કાંદા થોડા સૉફ્ટ થાય એટલે ટમેટાં અને લસણની પેસ્ટ ઉમેરવી. ટમેટાં થોડા ચડી જાય એટલે ગ્રીન-યલો કૅપ્સિકમ, રાજમા, કૉર્ન ઉમેરી મિક્સ કરી લેવું. ટમૅટો કેચપ, રેડ ચીલી સૉસ અને બીજા બધા હર્બ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરવું.
ચીઝ સૉસ બનાવવા : એક કડાઈમાં બટર અને મેંદો મિક્સ કરી ગરમ કરવા મૂકવું. મેંદો થોડો સૂકાય એટલે દૂધ ઉમેરવું. સરખું મિક્સ કરવું. ગાંઠા ન પડવા જોઈએ. મીઠું ઉમેરવું. થોડું ગરમ થાય એટલે ચીઝ ઉમેરી મિક્સ કરી ગૅસ બંધ કરવો. પાણીપૂરીની પૂરીમાં રાજમાનું પૂરણ ભરી ગરમાગરમ ચીઝ સૉસ નાખી ચીલી ફ્લેક્સ છાંટી  મેક્સિકન ગોલગપ્પા સર્વ કરવા.

દાબેલી ઢોકળાં, ખુશાલ જગશી વીરા, વસઈ

સામગ્રી
ઢોકળાં માટે : ૨ વાટકી રવો, ૨ વાટકી દહીં, ૧ ચમચી મીઠું, ૧ નાની ચમચી તેલ, પાણી જરૂર પ્રમાણે, ૧ પૅકેટ ઇનો.
સામગ્રી દાબેલી મસાલા માટે :
૪-૫ ચમચી આખા ધાણા, ૧ ચમચી જીરું, ૧ ચમચી વરિયાળી, ૧ તજનો ટુકડો, ૧ મોટી ઇલાયચી, ૪-૫ લવિંગ, ૪-૫ કાળા મરી, ૧ તેજપત્તો, ૧ નાનું દગડ ફુલ, ૧ ચકરી ફુલ (સ્ટાર ફુલ), ચપટી મીઠું, ૧ ચમચી પીઠ્ઠી સાકર, ૧ ચમચી કાશ્મીરી લાલ મરચાં પાઉડર, ૧ ચમચી કાળું મીઠું, ૧ ચમચી આમચુર પાઉડર, ૨ ચમચી પીસેલું ખોપરું, ૪ ચમચી સાકર, ૨ ચમચી તેલ, ૭-૮ બટાટા, ૧ મોટું દાડમ, ૧ વાટકી આમલીનું પલ્પ.
ઢોકળાં બનાવવાની રીત :
રવો અને દહીં અડધો કલાક પલાળી દો. એમાં ૧ ચમચી તેલ અને મીઠું નાખી મિક્સ કરી દો. હવે ઇનોનું એક પૅકેટ એમાં નાખી મિક્સ કરી દો. એક થાળીમાં તેલ લગાવી ઢોકળાંનું ખીરું નાખી દો. હવે એને બાફી દો, ૧૫-૨૦ મિનિટ પછી ઢોકળાં તૈયાર.
દાબેલીનો મસાલો બનાવવાની રીત:
૧ તપેલીમાં ધાણા, જીરું, કાળા મરી, વરિયાળી, તજ, મોટી ઇલાયચી, લવિંગ, તેજપત્તો, ચકરી ફુલ, દગડ ફુલ અને મીઠું નાખી ધીમા તાપે બધો મસાલો ૪-૫ મિનિટ શેકી લો. મસાલો ઠંડો થયા બાદ એને મિક્સ્ચરમાં નાખો. એમાં પીસેલી સાકર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચુર પાઉડર, કાળું મીઠું અને ખોપરું નાખી પીસી લો. હવે એને એક બાઉલમાં કાઢી એમાં ૪ ચમચી સાકર અને ૨ ચમચી તેલ નાખી સરખું મિક્સ કરવું. હવે દાબેલીનો મસાલો તૈયાર.
 
દાબેલીનો માવો બનાવવાની રીત
૧ તપેલીમાં ૨ ચમચી તેલ, ૧ ચમચી જીરું, ચપટી હીંગ પછી દાબેલી મસાલો નાખી દો. પછી ૭-૮ બટાટા બાફીને નાખો. ત્યાર બાદ મીઠું નાખી મિક્સ કરવું. એમાં ૧ વાટકી આમલીનું પલ્પ નાખવું. ૧ વાટકી દાડમ અને થોડીક કોથમીર નાખી મિક્સ કરવું. દાબેલીનો મસાલો તૈયાર.
સજાવટની રીત
ઢોકળાં પર દાબેલીનો માવો પાથરી એના પર દાડમના દાણા નાખી સેવ, કોથમીર નાખવી. એના પર હજી ઢોકળાંની બીજી લહેર નાખો. ફરી દાબેલીનો માવો પાથરો. હવે એના પર કાંદા, સેવ, દાડમથી સજાવટ કરો. 
તૈયાર છે દાબેલી ઢોકળાં.

લીલવાની કાદંબરી, હેલી ભાવિન પરીખ, બોરીવલી

સામગ્રી 
લીલવા માટે : ૨૦૦ ગ્રામ લીલવા (લીલી તુવેરના દાણા ક્રશ કરેલા), ૧૦૦ ગ્રામ મલાઈ/ ફ્રેશ ક્રીમ, ૨૦૦ ગ્રામ સાકર, ૫૦૦ મિલી દૂધ, ૧ ચમચો ઘી.
સફેદ માવા માટે : ૨૦૦ ગ્રામ કાજુ પાઉડર,  ૧૫૦ ગ્રામ સાકર, ડેકોરેશન માટે ચાંદીનો વરખ.
રીત
લોયામાં ક્રશ કરેલા લીલવા અને ઘી મિક્સ કરી ગૅસ પર મૂકી સાંતળવું. પાંચ મિનિટ બાદ તેમાં ફ્રેશ ક્રીમ અને દૂધ ઉમેરી હલાવતા રહેવું. એકદમ ગાઢું થાય એટલે તેમાં સાકર નાખી હલાવતા રહેવું. બટર છૂટું પડે એટલે ગૅસ બંધ કરી સાઇડ પર રાખવું. બીજા લોયામાં સાકર ડૂબે એટલું પાણી નાખી ગૅસ પર મૂકી બે તારની ચાસણી થવા દેવી. ત્યાર બાદ તેમાં કાજુનો પાઉડર મિક્સ કરી હલાવી ઘટ્ટ થવા દેવું. ઘટ્ટ થઈ જાય એટલે ગૅસ બંધ કરી થોડું ઠંડું થવા દેવું.  પહેલા લીલવાના માવામાંથી નાના-નાના લુવા લઈ ગોળ બનાવવા. ત્યાર બાદ કાજુના માવામાંથી નાના-નાના ગોળા બનાવવા. કાજુના ગોળાને પૂરીની જેમ બનાવી વચ્ચે લીલવાનો ગોળો મૂકી બધા ગોળા તૈયાર કરવા. ત્યાર બાદ ચાંદીનો વરખ લગાવી સૂકવવા. સુકાઈ જાય એટલે સામસામા કાપા પાડવા.
ડેકોરેશન : સાકરનું કેરેમલ બનાવીને પ્લેટમાં ઘી લગાવીને કેરેમલ નાખી- પ્રસરાવી લીલવા નાખી ઉપર કેરેમલનું લેયર કરી સુકાવીને કાઢેલ છે.

Gujarati food indian food mumbai food