રોટલીનો બાંધેલો લોટ ફ્રિજમાં મૂકી રાખો છો?

30 November, 2021 04:48 PM IST  |  Mumbai | Sejal Patel

આજે જાણીએ ઝટપટ કુકિંગ કરવામાં આ પ્રકારની કેવી-કેવી ભૂલો આપણે કરીએ છીએ એ ઘર કા ખાના જેવું હેલ્ધી બીજું કશું જ ન હોઈ શકે, પણ જો ઘરમાં પણ ખાવાનું બનાવવાની રીત હોટેલ જેવી જ હોય તો એનો કોઈ અર્થ નથી

ઘણાં ઘરોમાં સવારે બાંધેલો લોટ સાંજે અથવા તો બીજા દિવસે સવારે લંચમાં બનાવાતી રોટલી માટે પણ વપરાય છે. શું આ સાચી પ્રૅક્ટિસ છે?

આપણને લાગે છે કે રોટલી તાજી બનાવીને ખાવી હેલ્ધી કહેવાય, પણ નિષ્ણાતોનું કહેવું છે કે રાતે કણક બાંધી રાખવા કરતાં રોટલી બનાવી રાખો અને બીજા ટંકમાં એનો ઉપયોગ કરો એ ન્યુટ્રિશનની દૃષ્ટિએ વધુ બહેતર છે. આજે જાણીએ ઝટપટ કુકિંગ કરવામાં આ પ્રકારની કેવી-કેવી ભૂલો આપણે કરીએ છીએ એ ઘર કા ખાના જેવું હેલ્ધી બીજું કશું જ ન હોઈ શકે, પણ જો ઘરમાં પણ ખાવાનું બનાવવાની રીત હોટેલ જેવી જ હોય તો એનો કોઈ અર્થ નથી. ફ્રેશ ફૂડનો કન્સેપ્ટ જો એમાં પણ નેવે મુકાતો હોય તો તમે ઘરે બનાવો કે બહારનું ખાઓ એમાં ખાસ ફરક નથી. બાકી ગૃહિણીઓ કરતાં વર્કિંગ વુમન માટે ઘરના તમામ લોકો માટે ખાવાનું રાંધીને જવાનું કામ થોડુંક ચૅલેન્જિંગ હોય છે. 

રોટલીનો લોટ બાંધવાનું કામ ખૂબ ટિડિયસ હોય છે. એમાંય તમારે સવારનું કામ ઝટપટ પતાવવાનું હોય ત્યારે તો ખાસ. એ જ કારણોસર વર્કિંગ વુમન રસોડાનાં કેટલાંક કામો રાતે જ પતાવીને સૂઈ જાય છે. ઘણી મહિલાઓ રાતે જ રોટલીનો લોટ બાંધીને મૂકી દે છે. ઘણાં ઘરોમાં સવારે બાંધેલો લોટ સાંજે અથવા તો બીજા દિવસે સવારે લંચમાં બનાવાતી રોટલી માટે પણ વપરાય છે. શું આ સાચી પ્રૅક્ટિસ છે? એનાથી હેલ્થની દૃષ્ટિએ કોઈ નુકસાન ખરું? અમે કેટલાક નિષ્ણાતોને પૂછ્યું.

ટેસ્ટ અને ટેક્સ્ચર બદલાય

આયુર્વેદનો સિદ્ધાંત કહે છે કે ભોજન એક વાર રંધાઈ ગયા પછી દોઢથી બે કલાકમાં ખાઈ લેવું જોઈએ. આ વાત રોટલીના લોટ માટે પણ લાગુ પડે છે. ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘રોટલીના લોટને બાંધીને મૂકી રાખવાની આદતથી ખોરાકમાંથી ન્યુટ્રિશન ઘટી જાય છે એવું નથી હોતું, પણ એ પચવામાં અઘરું થઈ જાય છે. મલ્ટિગ્રેન આટો બાંધીને ફ્રિજમાં મૂકી રાખ્યો હોય તો એ વધુ સ્ટિકી અને ઢીલો પડી જાય છે એ બતાવે છે કે એમાં કંઈક તો પ્રોસેસ થાય છે. એનાથી ન્યુટ્રિશનની ડેફિશ્યન્સી થશે એવું નથી, પરંતુ એ તમારા પાચનની પ્રક્રિયાને કોઈક રીતે ડિસ્ટર્બ કરશે. બાંધી રાખેલા લોટમાંથી જ્યારે રોટલી બનાવીએ છીએ ત્યારે એ બરાબર ફૂલતી નથી. એનું ટેક્સ્ચર અને ટેસ્ટ પણ સહેજ બદલાઈ જાય છે. કણકને તમે જો બહાર રાખો તો એમાં પ્રૂફિંગ થઈ જાય છે, પણ ફ્રિજમાં મૂકી રાખવાથી એવું નથી થતું. ધારો કે લોટ રાખી મૂકવો જ પડે તો એને ઍરટાઇટ કન્ટેનરમાં મૂકવો.’

બીજી કઈ ભૂલો થાય છે?

રોટલીની કણક પહેલેથી બાંધી રાખવાની આદત જેટલી હેલ્ધી નથી એટલી જ, કદાચ એનાથી પણ વધુ હાનિકારક બીજી કેટલીક આદતો છે. આ હૅબિટ્સ કઈ છે એ જાણીએ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ જિનલ સાવલા પાસેથી.

 શાકભાજી બનાવવા માટે આગલા દિવસે સાંજે જ બધું શાક કાપીને ફ્રિજમાં સ્ટોર કરી દેવું એ બીજી મોટી ભૂલ છે. ઘણા લોકો ફ્રૂટ્સ પણ કાપીને મૂકી રાખે છે. ક્યારેક ઠંડું કરવા માટે તો ક્યારેક ડબ્બામાં સાથે લઈ જવા માટે. આ બન્ને પ્રક્રિયામાં ફ્રૂટ્સની અંદરનાં ન્યુટ્રિશન્સ ઘટી જાય છે એટલું જ નહીં, શાક-ફ્રૂટ્સની અંદર રહેલાં ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ તત્ત્વો ઍક્ટિવેટ થઈ જાય છે.

 દાળ અને કઠોળ પૂરતાં પલાળ્યા વિના જ કુકરમાં બાફી નાખવાં. ઝડપથી બફાય એ માટે કુકરની વધુ સીટીઓ મારવી પડે કાં સોડા ઍડ કરવો પડે. આ બન્ને ખોટી બાબત છે. મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળને ઓછામાં ઓછી ૪૫ મિનિટ માટે પલાળી રાખવી. રસોઈ બનાવતી વખતે પાંચ-દસ મિનિટ પલાળી લેવાથી ચાલે નહીં. એના બદલે ઊઠીને સૌથી પહેલું કામ દાળ-ચોખા પલાળવાનું કરી શકાય. ઇન ફૅક્ટ, તમે રાતે દાળ ધોઈને પલાળીને ફ્રિજમાં મૂકી દેશો તો ચાલશે.રાજમા, કાબુલી ચણા, વાલ, ચણા જેવાં કઠોળને તો ઓછામાં ઓછા પાંચથી છ કલાક પલાળવાં જ જોઈએ. બને ત્યાં સુધી કઠોળને ઓવરનાઇટ સોક કરવાં જ.

 આદું-મરચાં-લસણની પેસ્ટ તમારા ઘરમાં તૈયાર રહે છે? તો એ કદાચ તમારા ભોજનને સ્વાદ આપશે, પણ જોઈએ એટલું ન્યુટ્રિશન નહીં મળે. આ બધાં એવાં હર્બ્સ છે જેની અંદર ઊડી જાય એવાં ફ્લેવનૉઇડ્સ હોય છે. એમાં ખૂબ સારી માત્રામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે, પણ એની પેસ્ટ બનાવીને રાખી મૂકવાથી ધીમે-ધીમે કરતાં એમાંથી ફાયદાકારક ચીજો ઊડી જાય છે. હર્બ્સને બનેએટલાં ફ્રેશ વાપરીએ એ જ હિતાવહ છે.

 વર્કિંગ વિમેન બીજી એક ભૂલ કરે છે ફાસ્ટ ગૅસ પર શાક ચડી જાય અને ચોંટે નહીં એ માટે વધુ પડતું તેલ વાપરવાની. એમાં બે ગેરફાયદા છે. વધુપડતું તેલ શાકમાં નિતરે છે અને બીજું, ફાસ્ટ તાપે શાકનું ન્યુટ્રિશન બળી જાય છે. થોડુંક શાક અધકચરું રાખવું શ્રેષ્ઠ છે, પણ જો તમને એ ન ચાલતું હોય તો સ્ટીમ કરી લો જેથી ઓછા તેલમાં ઝડપથી વઘાર થઈને શાક રેડી થઈ જાય. અને હા, સ્ટીમ દરમ્યાન વપરાયેલા શાકના પાણીને દાળમાં સ્ટૉક તરીકે વાપરી લો.

વાસી રોટલી વધુ સારી

રોટલીનો લોટ આગલા દિવસે બાંધી રાખવો અથવા તો બાંધેલી કણકને દસ-બાર કલાક પહેલાં બાંધીને ફ્રિજમાં મૂકી રાખવાની રોજ આદત ઠીક નથી એમ જણાવતાં જુહુની ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ક્યારેક લોટ બચે અને તમે એને વાપરી લો એ ઠીક છે, પણ રોજ સવલત માટે આગલા ટંકે અથવા તો આગલા દિવસે લોટ બાંધીને લાંબો સમય ફ્રિજમાં મૂકી રાખવાનું હેલ્ધી નથી. આવા લોટની રોટલી ખાવાથી પાચન સંબંધિત ઇશ્યુઝ થઈ શકે છે. ઘણા લોકોને એનાથી ગૅસ અને ઍસિડિટીની તકલીફ થાય છે. આવી નાની-નાની આદતોને કારણે પેદા થતી પાચનની સમસ્યા બહુ ઝડપથી પકડાતી નથી. જો તમને સવારે બહુ સમય ન મળતો હોય તો રોટલીની કણક બાંધી રાખવા કરતાં રોટલી/ભાખરી કરી રાખવી. આવી વાસી રોટલી ખૂબ જ હેલ્ધી છે. આપણે ત્યાં દાદી-નાનીના વખતથી સાંજે બનાવેલી ભાખરી સવારે ચા સાથે ખાવાની આદત પાળવામાં આવતી હતી એ કંઈ એમ જ નહોતી.’

મલ્ટિગ્રેન આટો બાંધીને ફ્રિજમાં મૂકી રાખ્યો હોય તો એ વધુ સ્ટિકી અને ઢીલો પડી જાય છે મતલબ કે એમાં કંઈક પ્રોસેસ થાય છે. એનાથી ન્યુટ્રિશનની ડેફિશ્યન્સી નથી થતી, પણ એ પાચનની પ્રક્રિયાને કોઈક રીતે ડિસ્ટર્બ કરશે. ધ્વનિ શાહ, ન્યુટ્રિશનિસ્ટ

 

બેસ્ટ ન્યુટ્રિશન માટે દાળને ૪૫ મિનિટ અને ભારે કઠોળને પાંચ-સાત કલાક અથવા ઓવરનાઇટ પલાળવાં જરૂરી છે.

indian food health tips sejal patel