07 March, 2026 04:44 PM IST | Mumbai | Darshini Vashi
ખારી બિસ્કિટ : જેટલું નામ યુનિક છે એટલાં જ અહીંનાં ડિઝર્ટ
એક સમય હતો જ્યારે નવાં-નવાં ડિઝર્ટ ટ્રાય કરવા માટે દૂર-દૂર સુધી ફરવું પડતું હતું, પણ હવે તો ઠેકઠેકાણે ડિઝર્ટ શૉપ ખૂલી ગઈ છે જ્યાં ઘણીબધી વરાઇટીનાં અને ટ્રેન્ડિંગ ડિઝર્ટ મળે છે. જોકે તમને ટ્રેન્ડિંગ અને ફેવરિટ ડિઝર્ટની અંદર કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ખારઘર સુધી જવા માટે રેડી થવું પડશે જ્યાં બે બહેનોએ મળીને એક એવું બેકહાઉસ શરૂ કર્યું છે જ્યાં મનગમતાં ડિઝર્ટને અલગ રૂપ આપીને રજૂ કરવામાં આવ્યાં છે. જેમ કે લોટસ બિસ્કોફ બ્રાઉની, કુકીઝ વિથ નટેલા ફિલિંગ વગેરે.
ખારઘરમાં ચાર મહિના પહેલાં ખારી બિસ્કિટ નામનું બેકહાઉસ શરૂ કરવામાં આવ્યું છે જે શ્રદ્ધા અને શ્વેતા પૈઠણકરે મળીને શરૂ કર્યું છે. આ વિશે જણાવતાં શ્રદ્ધા કહે છે, ‘અમને બન્નેને બેકરી પ્રોડક્ટમાં કંઈક નવું કરવાની ઇચ્છા હતી. હું બે વર્ષ અમેરિકામાં રહી આવી છું. ત્યાં મેં કિચનમાં કામ પણ કર્યું છે જ્યાં કેક અને ડિઝર્ટ બેક પણ કરવામાં આવતાં હતાં. છતાં મને ત્યાં બેકિંગ કરવાનો ચાન્સ મળ્યો નહોતો. આ જોઈને મારામાં રહેલી બેકિંગ કરવા માટેની ઇચ્છા વધુ પ્રબળ બની અને ફરી ભારતમાં આવી ગઈ. અહીં આવીને હું ડીટેલમાં બેકિંગ શીખી અને પછી પોતાનું જ કંઈ શરૂ કરવાના વિચાર સાથે ખારી બિસ્કિટની શરૂઆત કરી. અમે બન્નેએ પહેલાં ઘરથી જ બેકિંગ કરવાની શરૂઆત કરી હતી.’
હવે અહીંની બેકરી પ્રોડક્ટની વાત કરીએ તો અહીં અલગ-અલગ પ્રકારની ચૉકલેટ કુકી મળે છે જે ઉપરથી હાર્ડ હોય છે અને જ્યારે એને તોડવામાં આવે છે તો અંદરથી ક્રીમી હોય છે. બીજું તિરામિસુ પણ મળે છે જે ઇટાલિયન પદ્ધતિથી બનાવવામાં આવે છે. એવી જ રીતે આવે છે માચા કોકોનટ ક્લાઉડ, જે કોકોનટ વૉટર અને માચામાંથી બને છે. ટ્રેસ લૅચીસ કેક, ચૉકલેટ ગનાશ વિથ સ્ટ્રૉબેરી વગેરે પણ અહીંની એટલી જ સુપર્બ આવે છે.
ક્યાં મળશે : ખારી બિસ્કિટ, ગુડવિલ ગાર્ડન, સેક્ટર 8, ખારઘર.