07 October, 2024 04:33 PM IST | Mumbai | Jigisha Jain
સામો, સિંગદાણા અને સાબુદાણા
સાબુદાણા, સિંગદાણા અને સામો; ઉપવાસમાં ખવાતા આ ત્રણ ‘S’ વિશે જાણો વિસ્તારથી. ઉપવાસ દરમ્યાન ખવાતી ચીજોમાં ‘સ’ અક્ષરથી શરૂ થતી આ ત્રણ ચીજો ખૂબ પ્રચલિત છે. જોકે આ ત્રણેય ચીજોના ગુણ અને ફાયદા જુદા-જુદા છે. સીમિત માત્રામાં જો એનું સેવન કરવામાં આવે તો ફાસ્ટિંગના દિવસોમાં શરીરના મેઇન્ટેનન્સનું સરસ કામ થઈ શકે છે
શરદ ઋતુમાં આવતી આ નવરાત્રિ ચોમાસાથી શિયાળા તરફ આપણને લઈ જાય છે. સીઝનમાં આવતા આ ફેરફારો સમયે રોગપ્રતિકારક શક્તિ ઘણી જ ઘટી જાય છે. આવા દિવસોમાં ઉપવાસ તમારી મંદ સિસ્ટમને ફરી સક્રિય કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે સારી રીતે આ નવ દિવસના ઉપવાસ કરી જાણો તો એનાથી જઠર સાફ થાય છે, મન શાંત થાય છે, શરીરને પોષણ મળે છે અને આત્મિક રીતે પણ એનું ઉત્થાન થાય છે. ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે પરંતુ મોટા ભાગના લોકો જમીનથી ઉપર ઊગતી વસ્તુઓ ખાતા નથી. એટલે જ આ ઉપવાસમાં કંદ ખાવાનું મહત્ત્વ વધારે છે. આ સિવાય રાજગરો, શિંગોડા, સાબુદાણા, શક્કરિયા, સામો, સિંગદાણા ખવાય છે. આજે આપણે સાબુદાણા, સિંગદાણા અને સામો આ ત્રણ ઉપવાસી ખાદ્યસામગ્રી વિશે જાણીશું. કઈ રીતે એ હેલ્થ પર અસર કરે છે, કેવી રીતે એ ખાવા જોઈએ એ ખાસ સમજીશું.
ખોરાકમાં બદલાવ શા માટે?
ઉપવાસમાં આપણે જે દૈનિક જીવનમાં ખાતા હોઈએ છીએ એ ખોરાકને બદલીને આપણે બીજો ખોરાક કેમ ખાઈએ છીએ એ સવાલનો પહેલાં જવાબ મેળવીએ. આ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ઝરણા શાહ કહે છે, ‘સામાન્ય રીતે હિન્દુ ધર્મના કોઈ પણ ઉપવાસમાં ધાન્ય, કઠોળ કે શાકભાજી ખાવાનાં હોતાં નથી. આપણે જે ખાઈએ છીએ એ જુદી પ્રકારનાં ધાન અને બીજ હોય છે. આ સિવાય ફળો અને દૂધ લઈ શકાય છે જે લેવા પાછળનું કારણ એ છે કે આપણે શરીર નામના મશીનને આરામ આપવો જરૂરી છે. દરરોજ આપણે સૂઈએ છીએ એ દૈનિક આરામ થયો, ઉપવાસ કરીએ એ સમયાંતરે આપેલો આરામ થયો. એ મળે એટલે શરીરને સમય મળે, બેઠું થવાનો, સાફ થવાનો અને હીલિંગ મેળવવાનો. આ દિવસોમાં વધુપડતું શરીરને આપણે ઊંઘ ન લઈને કે જન્ક ખાઈને કે ખરાબ કરીએ છીએ, એને ફરીથી સ્વસ્થ કરવાનો મોકો મળે છે. આ રીબૂટ કરવાથી શરીરની ઍસિડિટી ઘટે છે, શરીર વધુ આલ્કલાઇન બને છે, મેટાબોલિઝમ વધુ સારું થાય છે. સમજો કે આપણી શરીરરૂપી ગાડીની સર્વિસિંગ છે જેનાથી ગાડી વધુ સારી રીતે ચાલી શકે છે.
એનર્જી પૂરી પાડે છે સાબુદાણા
ઉપવાસમાં ખાવામાં આવતા આ સાબુદાણા, સિંગદાણા અને સામામાંથી આપણને કેટલું અને કયા પ્રકારનું પોષણ મળે છે એ જાણવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘સાબુદાણા કાર્બોહાઇડ્રેટ્સનો મુખ્ય સ્રોત છે. ઉપવાસમાં ખાવાની પ્રથા પણ એટલે જ બની હશે કે આખો દિવસ વ્યક્તિની એનર્જી જળવાઈ રહે. જે લોકો ૩-૪ કલાક ભરપૂર ગરબા રમવાના હોય તેમણે ચોક્કસ સાબુદાણા ખાઈને ગરબા રમવા જવું જેથી રમવા માટે પૂરી એનર્જી એમાંથી મળી શકે. એમાં થોડી માત્રામાં કૅલ્શિયમ અને આયર્ન પણ છે. ઉપવાસ દરમિયાન માનસિક રીતે સજાગ રહેવું જરૂરી છે. તો જ પૂરા સ્પિરિચ્યુઅલ ફાયદાઓ તમને મળે. એ માટે પણ સાબુદાણામાંથી મળતી એનર્જી ઉપયોગી છે.’
પરંતુ ઘણી વાર સાબુદાણાને હેલ્ધી માનવામાં આવતા નથી, કારણ કે કહેવાય છે કે એમાં કૅલરી ઘણી વધુ માત્રામાં છે? આ વાત સાથે સહમત થતાં ઝરણા શાહ કહે છે, ‘ઉપવાસમાં જેટલું તમારે લાઇટ ફીલ કરવું જોઈએ એ સાબુદાણા ખાઈને ફીલ નહીં થાય. જે લોકો ૨-૩ કલાક ગરબા નથી રમવાના તેમણે સાબુદાણા ન ખાવા જોઈએ, કારણ કે હાઈ ચાન્સ છે કે એ એનર્જી ન વપરાવાને કારણે ફૅટમાં કન્વર્ટ થાય. વળી એમાં પણ સાબુદાણા વડાં તો બિલકુલ ખાવાં જ ન જોઈએ, કારણ કે કૅલરીમાં ઘણો વધારો થઈ જશે જે પચાવવી અને વાપરવી બન્ને અઘરી છે. છતાં ભાવતાં હોય અને ખાવાં હોય તો દિવસના સમયે અને થોડા પ્રમાણમાં સાબુદાણા ખાઈ શકાય.’
વારંવાર ખાવો જોઈએ સામો
ત્રણેય ‘સ’ એટલે કે સાબુદાણા, સિંગદાણા અને સામામાં સૌથી વધુ હેલ્ધી સામો જ છે એ વાત સ્પષ્ટ કરતાં ઝરણા શાહ કહે છે, ‘સામાને મોરૈયો પણ કહે છે. એમાં ખૂબ સારી ગુણવત્તાનું પ્રોટીન છે. એ ખાવાથી ભૂખ લાગતી નથી, પેટ ભરાય છે. વળી વજનની જેને ચિંતા હોય કે ડાયાબિટીઝનું જેણે ધ્યાન રાખવાનું હોય એ વ્યક્તિઓ વગર ચિંતાએ સામો ખાઈ શકે છે. સામામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. સામાનું સેવન હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે એમાં કૅલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકાં સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. સામાને તમે નવરાત્રિમાં તો ખાઓ જ, એના સિવાય પણ ખાઈ શકો છો.’
સામો આદર્શ રીતે રાત્રિના ભોજનમાં ખવાય છે જેનાથી એ હળવું રહે છે. જે લોકોને ઉપવાસમાં વધુ બ્લોટિંગ થઈ જાય કે ઍસિડિટી વધે તેમણે સામો ટ્રાય કરવો. એનાથી આવી તકલીફો નહીં થાય એમ જણાવતાં કેજલ શાહ કહે છે, ‘સામાને ભાતના રિપ્લેસમેન્ટ તરીકે ખાવો જોઈએ. ઘણી જગ્યાએ સામો સામાના ચોખા તરીકે જ ઓળખાય છે. સામાની ખીચડી દહીં કે શિંગોડાની કઢી સાથે ખાઈ શકાય. એ સિવાય એને પીસીને એના ઢોસા પણ બનાવી શકાય, જેમાં મસાલા તરીકે બટાટા, શક્કરિયાં કે સૂરણ લઈ શકાય છે. સામાની ખીચડી જેટલી તમે સિમ્પલ રાખો એટલી વધુ ગુણકારી. જે લોકો દૂધી ખાતા હોય એ લોકો એમાં દૂધી ખમણીને નાખી શકે છે. એ સિવાય દહીં, છાશ એના પોષણને વધારે છે એટલે એ સાથે ચોક્કસ લેવાં.’
પ્રોટીનનો ઉત્તમ સ્રોત સિંગદાણા
સિંગદાણા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાથ્યવર્ધક પણ છે. સિંગદાણામાં તો ફૅટ, પ્રોટીન અને વિટામિનનું ગજબ મિશ્રણ છે. એ વિશે વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘સિંગદાણામાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન સમાયેલું હોય છે, જે શરીરના વિકાસ માટે બહુ જરૂરી છે. ૧ મુઠ્ઠી સિંગદાણા ઉપવાસમાં તમને ટકાવી રાખવામાં મદદરૂપ છે. વૃદ્ધાવસ્થામાં ભૂલવાની બીમારી સામાન્ય થઈ ગઈ છે. જો વાત-વાતમાં ભૂલી જવાતું હોય તેમ જ યાદદાસ્ત નબળી થઈ ગઈ હોય તો પલાળેલા સિંગદાણાનું સેવન કરવું જેથી યાદદાસ્ત સુધરે છે. ઘણા લોકોને એ પચવામાં ભારે પડે છે. જો તમને પણ સિંગદાણા ખાવાથી ઍસિડિટી કે બ્લોટિંગ થઈ જાય છે તો એને પલાળીને ખાઓ અને થોડી ઓછી માત્રામાં ખાઈ જુઓ.’
કઈ રીતે ન ખાવા?
ખાદ્ય પદાર્થ સારો હોય, પણ એને પકવવાની રીત યોગ્ય ન હોય ત્યારે એ આપણને એવા ફાયદાઓ નથી આપી શકતા જે આપવા જોઈએ. એ વિશે વાત કરતાં ઝરણા શાહ કહે છે, ‘ઉપવાસમાં લોકો ગળ્યું ખૂબ ખાય છે. ફળ અને દૂધ લો તો પણ એમાં ખાંડ નાખવાની જરૂર નથી. સામા જેવા ઉપયોગી ધાનની ખીચડી બનાવવાને બદલે લોકો ખીર બનાવીને લે છે, જે યોગ્ય નથી. ખાંડનો પ્રયોગ વ્રતમાં ન થવો જોઈએ, કારણ કે જે હેતુ સાથે તમે વ્રત રાખો છો એમાં ખાવાનું નહીં અને ખાંડ લીધા કરવાની એ યોગ્ય નથી. એના કરતાં તો તમે જમી લો. ખાંડ લેવાથી એનર્જી રહેશે એ માન્યતા પણ ખોટી છે. એ જ રીતે તળેલો ખોરાક પણ ન ખાવ. વ્રતમાં સાદું ખાઓ, બાફેલું, ઓછા તેલ કે ઘીનું, મરી-મસાલા વગરનું ખાવું જોઈએ. વળી વ્રતનું જમવાનું ખૂબ ટેસ્ટી હોય છે એટલે લોકો વધુ પ્રમાણમાં ખાઈ લેતા હોય છે, જેમાં કન્ટ્રોલ રાખવો જરૂરી છે. વધુ કૅલરી પેટમાં પધરાવી વ્રત ન કરો.’