મેક્સિકન મિજબાની

22 September, 2022 03:59 PM IST  |  Mumbai | Sejal Patel

બાંદરામાં કમ્ફર્ટ ફૂડ માટે જાણીતા જૅમજાર ડાઇનરમાં દસ દિવસનો લિટલ કૅન્ટિના મેક્સિકન ફેર શરૂ થયો છે. મીડિયા માર્કેટિંગની જૉબ છોડીને કેટરિંગમાં ઝંપલાવનાર શેફ ભક્તિ મહેતાનો સ્વાદ અહીં ચાખવા મળશે અને હા, એમાં નિરાશ નહીં થાઓ

ચીટોઝ કૉર્ન

સેજલ પટેલ
sejal@mid-day.com

જો ખાવાના શોખીન હો તો બાંદરાના જૅમજાર ડાઇનરમાં એકાદ વાર તો આંટો જરૂર માર્યો જ હશે. હાલમાં અહીં દસ દિવસનો મેક્સિકન ફેર ચાલી રહ્યો છે, નામ છે લિટલ કૅ‌ન્ટીના. આ મેક્સિકન મેળાવડામાં અચૂક જવું જોઈએ એનું એક કારણ છે આ પૉપ-અપનાં ગુજરાતી શેફ ભક્તિ મહેતા. આ મેક્સિકન ફેર માત્ર રવિવાર સુધી જ ચાલવાનો છે એટલે બહુ રાહ જોવાય એમ નથી. 

અમે ગયા વીક-એન્ડમાં જૅમજાર ડાઇનરમાં લંચના સમયે પહોંચ્યા. હિલ રોડ પર જાણે જૂની મઢૂલીમાં પ્રવેશતા હો એવો જૅમજારનો દરવાજો છે. જૂનાં ઘરોમાં મેડા પર ચડવા માટે જેવી લાકડાની સીડીઓ હોય એવી સાંકડી સીડી ચડીને ઉપર જાઓ એટલે મજાની રેસ્ટોરાં આવે. જો આ પહેલાં તમે અહીં આવ્યા હો તો લુક જોઈને નવાઈ લાગશે. રૂરલ મેક્સિકન વિલેજ જેવી સજાવટ કરવામાં આવી છે. ત્રિકોણ પતાકડાની સાથે ઓલ્ડ સ્કૂલ ઍગ્રિકલ્ચરલ ડૉન્કીનો સિમ્બૉલ પણ અહીં જોવા મળશે. 

શેફ ભક્તિ મહેતા

મેનુ પર નજર નાખતાં-નાખતાં અમે શેફ ભક્તિ સાથે થોડીક ગોષ્ઠિ કરી. તેમના મેક્સિકન ફૂડનાં વખાણ અનેક શેફ્સ પાસેથી અમે સાંભળ્યાં હતાં, પણ વાત-વાતમાં ખબર પડી કે શેફે કોઈ ટ્રેઇનિંગ લીધી જ નથી. તેઓ કઈ રીતે શેફ બન્યાં એની વાત કરતાં ભક્તિ કહે છે, ‘બહુ જ અનાયાસે હું આ ક્ષેત્રમાં આવી પડી. બાકી મેં માસ મીડિયા મૅનેજમેન્ટ કર્યું હતું. એક ચૅનલમાં મીડિયા માર્કેટિંગનું કામ કરતી હતી. જોકે મને ખાવાનો અને જાતજાતનું બનાવવાનો બહુ શોખ હતો ને મારા એ એક્સપરિમેન્ટ્સ ફ્રેન્ડસર્કલમાં બહુ ફેમસ હતા. મારી એક બહેનપણીનો ફૅશન સ્ટોર ખૂલવાનો હતો. એમાં પચીસ-પચાસ લોકો માટે કંઈક સ્નૅક્સ જેવું બનાવવાની એ ફ્રેન્ડે મને ઑફર કરી. બાર વર્ષ પહેલાંની એ વાત છે. મેં તો એ વખતે થાઇ પાણીપૂરી અને વસાબી હમસ જેવી ચીજોનું મેનુ બનાવ્યું. જોકે ધીમે-ધીમે કરતાં સ્ટોરના ઓપનિંગમાં ઇન્વાઇટીઝનું લિસ્ટ વધતું ગયું અને પચીસમાંથી અઢીસો લોકો થઈ ગયા. હવે શું? નાના પાયે દસ-વીસ લોકો માટે બનાવવાની વાત અલગ છે, પણ આટલા લોકો માટેનું રૉ મટીરિયલ પણ ક્યાંથી લાવવું અને કેવી રીતે બનાવવું એની સમજણ નહોતી પડતી. એટલે હું મારા જ બિલ્ડિંગમાં રહેતા એક શેફ પાસે પહોંચી. મારી રેસિપી મુજબ રૉ મટીરિયલ કેટલું જોઈએ એની ક્વૉન્ટિટી અને ક્યાંથી મળશે એ બાબતે તેમણે ખૂબ હેલ્પ કરી. આ પહેલાં કદી પચાસ લોકો માટે સાદું કંઈ બનાવ્યું નહોતું, પણ એ ફૅશન સ્ટોરના ઓપનિંગમાં મેં જે ફ્યુઝન ડિશિસ સર્વ કરી એ જબરી ક્લિક થઈ. નાના પાયે કંઈક કરવાની ઇચ્છા હતી એટલે એ જ ઓપનિંગમાં ‘લિટલ ફૂડ્સ’ના નામે મારું કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કરેલું. એ દિવસનું ફૂડ એટલું વખણાયું કે પછી તો નાનાં-નાનાં ફંક્શન્સમાં કેટરિંગ માટે ઑર્ડર મળવા લાગ્યા. વીક ડેઝમાં જૉબ કરતી અને વીક-એન્ડ્સમાં પાર્ટીના ઑર્ડર્સ લેતી. એમ જ ગાડી પાટે ચડી જતાં પછી નોકરી છોડીને ફુલટાઇમ કેટરિંગ કરવાનું શરૂ કર્યું.’

એક ટિપિકલ ગુજરાતી ફૅમિલીમાં સ્ટ્રગલ કરીને આગળ આવેલી લેડીની વાત સાંભળીને લિટલ કૅન્ટિનાના મેક્સિકન ફેર એ કોઈ ઘરઘરાઉ ફીસ્ટ જેવું હશે એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. વાતો ચાલતી હતી ત્યારે જ ટૉર્ટિલા ચિપ્સની સાથે ચાર ડિપ્સ અને સાલ્સા સર્વ થયાં. એ ચાર ડિપ્સમાંથી પાઇનૅપલ હાબનેરો સાલ્સા છે એ મસ્ટ ટ્રાય છે. પાઇનૅપલના ખાટામીઠા સ્વાદની સાથે મેક્સિકન આબનેરો મરચું જીભને ચચરાવે એવું છે. વાતો કરતાં-કરતાં મંચિગ કરી શકાય એવું બીજું ચીઝી સ્ટાર્ટર છે ક્વેસો ફન્ડિડો. એમાં ભૂંજેલા આલપીનોની સાથે મેલ્ટેડ ચીઝ છે. ટૉર્ટિલા ચિપ્સ એમાં બોળીને મન્ચ કરતા રહો તો ક્રન્ચ અને ગરમાગરમ ચીઝ જીભને જન્નતનો અહેસાસ કરાવે. મેક્સિકન ફૂડ હોય અને મેઝ ન હોય એવું બને જ નહીં. અહીં મકાઈનો અલગ-અલગ રીતે ઉપયોગ થયો છે. બેબી કૉર્નને બેક કરીને એના પર ચિપોતલે સૉસ અને ચિપ્સનો ક્રશ લગાવેલાં ચીટોઝ કૉર્ન પણ આવું જ એક સ્ટાર્ટર છે. ચીઝી ડિપમાં બોળીને બેબીકૉર્ન ખાવાની મજા છે. બેબી કૉર્નને શેકેલી હોય એવું લાગે છે જે સૉફ્ટ અને જૂસી છે જ્યારે એની પર ચિપ્સના ભૂકાનું કડક આવરણ ચાવવાની મજા આપે છે. 

ચિપ્સ એન્ડ ડિપ્સ અને એન્ચિલાડાઝ

સ્ટાર્ટર પછી વારો આવ્યો ટાકોઝ અને ટોસ્ટાડાઝનો. ફૉરેસ્ટ મશરૂમ ટાકોઝમાં જે ચીઝ વપરાયેલું છે એ બહુ ચીઝી નથી, પણ એની ક્રીમીનેસ મમળાવવી ગમે એવી છે. મકાઈની રોટલીના ટાકોઝ અને સ્પ્રિંગ અન્યનનો ક્રન્ચ સરસ છે. એ પછી અમે ટ્રાય કર્યા આર્ટિચોક ટોસ્ટાડાઝ. ટોસ્ટાડાની જો દેશી રીતે ઓળખ આપવી હોય તો સમજી લ્યો મેક્સિકન સેવપૂરી. જોકે એમાં પૂરી પર જે પૂરણ વપરાય એ યુનિક છે. આર્ટિચોક એક પ્રકારની ફૂલની કળી જેવું વેજિટેબલ છે જેનાથી ડિશની આખી ફ્લેવર જ બદલાઈ જાય છે. એમાં અવાકાડોની સુંવાળપ અને ચિમીચુરીનો ગ્રીન મસાલો ટોસ્ટાડાઝને ચટપટો બનાવે છે. 

લિટલ કૅન્ટીનાના મેઇન કોર્સમાં મસ્ટ ટ્રાય આઇટમ છે એન્ચિલાડાઝ. એમાં છે ઍસ્પરેગસ, લીક અને ઝુકિની જેવાં ફાઇનલી ચૉપ્ડ વેજિટેબલ્સની સાથે ચેડર ચીઝ અને ઉપરથી રેડાયો છે સાલ્સા સૉસ. ગરમાગરમ એન્ચિલાડાઝની અડધી ડિશ પૂરી કરશો તોય પેટ ભરાઈ જશે એની ગૅરન્ટી. એન્ચિલાડાઝમાં ટૉર્ટિલા તમને સૉફ્ટ થઈ ગયેલી ન ભાવતી હોય તો બીજી એક વાનગી છે ટકિટોઝ, એ ટ્રાય કરી શકો. ક્રીમી પટેટો, ટમેટો, ચીઝ અને વેજિટેબલ્સના પૂરણને ભરીને તૈયાર કરેલા ટૉર્ટિલાના પૉકેટ્સ ડીપ ફ્રાય કર્યાં હોય એવાં ક્રન્ચી છે અને એની ઉપર ભરપૂર સાલ્સા અને મેલ્ટેડ ચીઝનું ટૉપિંગ છે જે આ ડિશને સુપર ડિલિશ્યસ બનાવે છે. 

આર્ટિચોક ટોસ્ટાડાઝ અને ટકિટોઝ

અત્યાર સુધીમાં અમે જેટલી પણ ડિશ ટ્રાય કરી એમાં ન તો ક્યાંય બીન્સ વપરાયાં હતાં ન તો કૅપ્સિકમ. શેફ ભક્તિ કહે છે, ‘મેક્સિકન ફૂડ એટલે બીન્સ જ હોય એ માન્યતા મારે તોડવી છે. મારે ત્યાં ભાગ્યે જ કોઈ વાનગીમાં થોડીક માત્રામાં બીન્સ વાપર્યાં છે અને કૅપ્સિકમ તો કિચનમાં જ નથી રાખ્યાં. જ્યાં પણ જરૂર હોય ત્યાં મેક્સિન ચિલીઝ જ વાપરવામાં આવે તો જ રિયલ મેક્સિકન ફ્લેવર આવે.’

ક્યાં છે?

લિટલ કૅન્ટીના બાય શેફ ભક્તિ મહેતા, જૅમજાર ડાઇનર, હિલ રોડ, બાંદરા. કિંમતઃ ૧૨૦૦ રૂપિયા બે વ્યક્તિ માટે

થોડા હોર્ચાતા હો જાએ!

અહીં બે ડ્રિન્ક ટ્રાય કર્યાં. એકમાં આમલી અને વૉટરમેલનનું જૂસ હતું જે આમલીની ખટાશને કારણે ઘણું રિફ્રેશિંગ હતું. કિનારી પર લાગેલી આબનેરો ચિલી અને સૉલ્ટની રિંગ એને ખારું અને 
તીખું પણ બનાવતી હતી.

યસ, એ સારું ડ્રિન્ક છે પણ જેણે બાજી મારી એ છે હોર્ચાતા ડ્રિન્ક. દૂધ જેવા સફેદ દેખાતા પીણાની ઉપર તજની મોટી સ્ટિક સાથે સર્વ થતા આ ડ્રિન્કના ‌ફીકા દેખાવ પર જવા જેવું નથી. રાઇસ અને આમન્ડ મિલ્કમાંથી બનતા આ ડ્રિન્કમાં વૅનિલા અને સિનેમનની ફ્લેવર એટલી અદ્ભુત છે કે એક સિપ પીતાં જ દિલ ખુશ થઈ જશે. લગભગ ૨૦૦ એમએલનો આખો ગ્લાસ સિપ ‌બાય સિપ પીધા પછી પણ જાણે યે દિલ માંગે મોર! એવું બોલી ઊઠશો. 

columnists bandra sejal patel life and style