10 December, 2024 07:40 AM IST | Mumbai | Rajul Bhanushali
પ્રતીકાત્મક તસવીર
આપણા વડવાઓ સાંધાના દુખાવા માટે રાતે પલાળી રાખેલા મેથીના દાણા સવારે ખાવાનો પ્રયોગ કરતા અને ઠંડીમાં મેથીના લાડુની પણ જબરી બોલબાલા રહેતી. હવે તો કડવી મેથીનું સેવન લગભગ ભુલાઈ રહ્યું છે ત્યારે જાણીએ આ સીઝનમાં સાજાનરવા રહેવા માટે મેથીના દાણાનું કઈ રીતે સેવન કરીએ તો ઉત્તમ ફાયદા થાય
મુંબઈમાં વિધિવત શિયાળો બેસી ગયો છે. શિયાળામાં મોટા ભાગે સ્કિન અને હેર ડ્રાય થવાની સમસ્યા ઘણી વધી જાય છે. તેમ જ અસ્થમા અને શ્વાસના દરદીઓ માટે પણ શિયાળો મુશ્કેલીઓ વધારે છે. સાંધાની તકલીફ હોય તેમના માટે પણ અઘરો પડે એવી શક્યતાઓ વધુ હોય છે. આ બધી તકલીફમાં મેથીનો ઉપયોગ ચમત્કારિક રીતે અસરકારક સાબિત થાય છે. શિયાળામાં નરવા રહેવું હોય તો મેથી ખાઓ એવું આપણે દાદીઓ અને નાનીઓ પાસેથી સાંભળતા આવ્યા છીએ. રાત્રે મેથીના દાણા પલાળી રાખવાના અને સવારે એ પાણી પી જવાનું. મેથી એટલી બધી ગુણકારી છે કે રોજ એનું સેવન કરવામાં આવે તો ઘણીબધી સમસ્યાઓથી રાહત મળી શકે એમ છે. ગુજરાતમાં તો શિયાળો આવે એટલે અડદિયા પાકની જેમ મેથીના લાડુ બનવા લાગે. એ સિવાય પણ રસોઈમાં મેથીનો ઉપયોગ વધારવાથી ઘણો ફાયદો થઈ શકે એમ છે. આવો એક્સપર્ટ પાસેથી આ મૅજિક ફૂડ મેથી વિશે વધુ જાણીએ.
નરણા કોઠે મેથી
મેથી દાણાની સાથે-સાથે મેથીની ભાજી પણ એટલી જ ગુણકારી છે એવું આયુર્વેદાચાર્ય ડૉ. પ્રીતિ જરીવાલા કહે છે. પોતાની વાત આગળ વધારતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘મેથી બે પ્રકારની હોય. લીલાં પાંદડાંવાળી મેથીની ભાજી અને બીજા મેથીના દાણા, જે આપણે રસોઈમાં વાપરીએ છીએ. સંસ્કૃતમાં મેથીના દાણાને અશ્વબળ કહેવાય છે કારણ કે એ ઘોડા જેવી શક્તિ આપે છે. મેથીનો છોડ એકથી દોઢ ફુટ ઊંચો હોય, એના પર પીળાં ફૂલ આવે અને પછી એમાંથી મેથીની સિંગ ફૂટવા લાગે. દરેક સિંગમાં આઠથી દસ મેથીના દાણા હોય. શરૂઆતમાં લીલા હોય ત્યાર પછી તપખીરી થાય. એને વિશિષ્ટ ઘન પણ હોય. ખાસ કરીને પ્રસવ પછી મેથીના લાડુ આપવામાં આવે. એ ખાવાથી કમરનો દુખાવો ન થાય, સ્ફૂર્તિ આવે. માતાને ધાવણ સારું આવે. જુદા-જુદા પ્રકારના વાતના રોગમાં પણ મેથીનું ચૂર્ણ ખાવાથી ખાવાથી ફાયદો થાય છે. શિયાળામાં હાડકાંના સાંધાઓમાં ઠંડીને કારણે દુખાવો થાય, કારણ કે વાતની પ્રકૃતિ પણ શીત છે. એટલે સાંધાના દુખાવા શિયાળામાં વધારે થતા હોય છે. એ સમયે મેથી રાત્રે હૂંફાળા પાણીમાં પલાળીને સવારે એમાં સૂંઠ ઉમેરીને એ પાણી પીવાથી બહુ ફાયદો થાય છે. સૂકી મેથીનો પાઉડર કરીને રાખવાનો. પછી અડધી ચમચી મેથીનો પાઉડર અને અડધી ચમચી સૂંઠ નરણા કોઠે લેવાથી સાંધાના દુખાવામાં બહુ ફાયદો થાય, કારણકે મેથી પણ ઉષ્ણ વીર્ય છે અને સૂંઠ પણ ઉષ્ણ વીર્ય છે.’
શ્વાસ અને મેદ ઘટાડે
શિયાળામાં શ્વાસને લગતા પ્રૉબ્લેમ પણ ખૂબ વધી જતા હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘બ્રૉન્કિયલ અસ્થમામાં જમ્યા પછી મેથીનું ચૂર્ણ લેવાનું હોય છે. આમ જ સીધેસીધું લેવાનું એટલે કે ફાકવાનું. શિયાળામાં વારંવાર શરદી, તાવ, ઉધરસ થતી હોય તો લીલી મેથીનાં પાનનો રસ સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે. મેથી મધુમેહના દરદીઓ માટે પણ ઉપકારક છે અને કૉલેસ્ટરોલ લેવલ પણ કાબૂમાં આવે છે. રોજ રાત્રે અડધી ચમચી મેથીનું ચૂર્ણ લેવાથી કબજિયાત મટે છે અને મેદ પણ ઘટે છે. સમાનભાગે મેથી અને સૂવાને મિક્સ કરી, શેકી અધકચરું કરીને ખાવાથી પાચનશક્તિ વધે છે.’
આ એક પ્રાકૃતિક પાવરહાઉસ છે
મેથી ખાવાથી શરીરને અંદરથી ભરપૂર પોષણ મળે છે. શિયાળામાં વાતાવરણ શુષ્ક થઈ જતું હોય છે જેની અસર આપણાં હેર અને સ્કિન પર દેખાવા લાગે છે. શિયાળામાં હેર અને સ્કિન ડ્રાય થઈ જવાની સમસ્યા મોટા ભાગના લોકોને કનડતી હોય છે. મેથીમાં લેસિથિન નામનું તત્ત્વ હોય છે જે સ્કૅલ્પને મૉઇશ્ચરાઇઝ કરે છે અને એના જ કારણે વાળ ચમકદાર બને છે. મેથીના દાણા પ્રોટીનથી સમૃદ્ધ હોય છે અને એના કારણે વાળના રૂટ્સ મજબૂત થાય છે અને હેરફૉલમાં પણ ઉત્તમ રિઝલ્ટ મળે છે. મેથીમાં રહેલી ઍન્ટિફંગલ પ્રૉપર્ટીને કારણે ડૅન્ડ્રફની સમસ્યા પણ હળવી થાય છે. મેથીના દાણા ઍન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામિન Cથી ભરપૂર હોય છે તેમાં મિનરલ્સ પણ છે. એની અંદર રહેલું મ્યુસલજ કન્ટેન્ટ મૉઇશ્ચરાઇઝર જેવું કામ આપે છે અને સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે. હેરમાં આવનારી ડ્રાયનેસ પણ કન્ટ્રોલ થાય છે.
મેથીની ચા પીઓ
મેથી સેંકડૉ વર્ષોથી ભારતીય રસોડાનું એક મહત્ત્વનું ઘટક છે. એ પોતાના અસાધારણ ઔષધીય ગુણો માટે જાણીતી છે. એ વિશે ન્યુટ્રિશનિસ્ટ માનસી ટાટિયા કહે છે, ‘મેથીમાં પ્રોટીન, ફાઇબર, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પ્રોટીન અને ઝિન્ક સહિતનાં પોષક તત્ત્વો હોય છે. પારંપરિક ચિકિત્સા પદ્ધતિમાં પણ એનું ખૂબ મહત્ત્વ છે. મેથીનો ન્યુકોલાઇટિક ગુણ છાતીમાં બાઝી જતા કફને તોડે છે જેના કારણે એ બલ્ગમ સ્વરૂપે બહાર નીકળી જાય છે. અસ્થમા અને બ્રૉન્કાઇટિસ જેવી શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓમાં પણ મેથી ફાયદાકારક સાબિત થાય છે. મેથીના સેવનને કારણે શ્વાસ નળીમાં આવતા સોજા ઓછા થાય છે અને ફેફસાંની કાર્યક્ષમતા પણ વધે છે. મેથી એક સરસ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે અને વિટામિન Cથી ભરપૂર છે. મેથીના સેવનના કારણે ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને શિયાળામાં થતાં ઇન્ફેક્શન્સથી લડવામાં મદદ મળે છે. શિયાળામાં મેથી ટી પીવી જોઈએ. મેથીના દાણાને ક્રશ કરીને એને આદું સાથે સરખું ઉકાળી લેવું. પછી એમાં મધ નાખવું અને ગરમાગરમ પીવું. આ મેથી ટી પીવાથી ગળાની ખરાશ મટી જાય છે.’
કોણે સેવન ન કરવું?
વધારે પડતી ઍસિડિટી, ગૅસ્ટ્રાઇટિસની સમસ્યા હોય એવા દરદીઓએ મેથીનો ઉપયોગ ન કરવો. જેમનું વજન ખૂબ ઓછું હોય તેમણે પણ મેથીનું સેવન ખૂબ સાચવીને કરવું. જે લોકોને પોટૅશિયમ ઓછું થવાની સમસ્યા હોય અને એની દવાઓ લઈ રહ્યા હોય એ લોકોએ પણ મેથીનું સેવન ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ.
લીલી મેથી અને મેથી સ્પ્રાઉટ્સ
મેથીના દાણા તો ગુણકારી છે જ પણ મેથીની ભાજી પણ અત્યંત પૌષ્ટિક છે. લીલી મેથીનાં થેપલાં તો દરેક ગુજરાતી ઘરમાં બને છે અને દાળ-શાક વગેરેમાં મેથી વપરાય જ છે. એ સિવાય મેથીના સ્પ્રાઉટ્સ પણ કરી શકાય. સવારના નાસ્તામાં બનતા ઉપમા કે બટાટાપૌંઆમાં એકાદ ચમચી મેથી સ્પાઉટ ઉમેરી શકાય. સૅલડમાં ટૉપિંગ સ્વરૂપે લઈ શકાય. કોઈ પણ શાક બને એમાં એકાદ નાની ચમચી નાખી દેવાય તોય ચાલી જાય. એ સિવાય આપણે ત્યાં ગુવાર જેવા અમુક શાક તો મેથીના દાણાથી જ વધારવામાં આવે છે. મેથીથી વઘારવાને કારણે ગુવાર વાયડો નથી પડતો. સૂકી મેથીનો પાઉડર બનાવીને પણ રાખી શકાય. જ્યારે-જ્યારે સૂપ બને ત્યારે અડધી ચમચી જેટલો ઉમેરવો. પૂડલા વગેરે બને ત્યારે પણ થોડોક ઉમેરી શકાય. મેથી માત્ર પેન્ટ્રી સ્ટેપલ નથી પણ ઘણી વધારે મહત્ત્વની છે. એના કારણે સ્વાસ્થ્ય અને સૌંદર્યના ઘણા લાભો થાય છે. આ એક પ્રાકૃતિક પાવરહાઉસ છે. તો આ શિયાળામાં રોજબરોજના ખોરાકમાં મેથીનો ઉપયોગ વધારો અને સ્વસ્થ રહો.’
મેથી-પાપડનું શાક બનાવો
અડધી વાટકી મેથીને લગભગ અડધો કલાક પલાળીને રાખવી. પછી જેમ કોઈ પણ શાકનો રેગ્યુલર વઘાર કરીએ એમ રાઈ, જીરું, હિંગ, લીલાં મરચાં અને લીમડો નાખીને પાણી વધારવું. મીડિયમ સાઇઝના ગ્લાસ હોય તો દોઢેક ગ્લાસ પાણી નાખી દેવું. પાણી ઊકળે પછી એમાં પલાળેલી મેથી અને મીઠું નાખીને રંધાવા દેવું. મેથી રંધાઈ જાય એટલે હળદર, લાલ મરચું અને પીસેલા ધાણા જેવા સૂકા મસાલા નાખવા. પછી અડદના ચારેક પાપડ (કાચા) તોડીને નાખી દેવા. બે જ મિનિટમાં પાપડ રંધાઈ જશે. છેલ્લે કોથમીર ભભરાવવી. મેથી-પાપડનું શાક તૈયાર છે. આ શાક રોટલા હોય કે રોટલી, બન્ને સાથે સરસ લાગે છે.