20 June, 2026 02:29 PM IST | Mumbai | Heena Patel
દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલું પંચમ પૂરીવાલા
દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલું પંચમ પૂરીવાલા ફક્ત એક રેસ્ટોરાં નથી, પણ મુંબઈના ઇતિહાસનો હિસ્સો છે. પંચમ પૂરીવાલા મુંબઈની સૌથી જૂની કાર્યરત રેસ્ટોરાંઓમાંની એક ગણાય છે, જેને ૧૭૮ વર્ષ થવા આવ્યાં છે. જ્યારે ભારતમાં હજી રેલવેલાઇન પણ શરૂ નહોતી થઈ ત્યારથી પંચમ પૂરીવાલા છે. એટલે આ રેસ્ટોરાંએ બદલાતા મુંબઈને જોયું છે. બોરીબંદર સ્ટેશન કઈ રીતે વિક્ટોરિયા ટર્મિનસ અને બાદમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) બન્યું એનું સાક્ષી રહ્યું છે.
પંચમ પૂરીવાલાની શરૂઆત વિશે વાત કરતાં છઠ્ઠી પેઢીના અનુપમ શર્મા કહે છે, ‘વર્ષ ૧૮૪૮ની વાત છે. ઉત્તર પ્રદેશના આગ્રા નજીકના અઢેત ગામના રહેવાસી એવા અમારા પૂર્વજ પંચમ દાસ શર્મા પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યા હતા. તેઓ બળદગાડામાં અનેક દિવસોની લાંબી સફર ખેડીને બૉમ્બે પહોંચ્યા હતા. તેમણે જોયું કે બહારથી આવતા પ્રવાસીઓ, વેપારીઓ અને મજૂરો માટે સસ્તું અને સારું ખાવાનું મળવું મુશ્કેલ હતું. એટલે એમણે ગુજરાન ચલાવવા માટે નાની દુકાન શરૂ કરી. અહીં તેમણે ઉત્તર પ્રદેશની પરંપરાગત શૈલીમાં ગરમાગરમ પૂરી અને બટાકા-ભોપળાનું શાક બનાવવાનું શરૂ કર્યું હતું.’
રેસ્ટોરાંનું નામ પંચમ પૂરીવાલા કઈ રીતે પડ્યું અને એ સમયની કેટલી જૂની વાતોને યાદ કરતાં તેઓ કહે છે, ‘રેસ્ટોરાંનું નામ પંચમના નામને લઈને બે વસ્તુ કહેવામાં આવે છે. એક તો સ્થાપકનું નામ પોતે પંચમ હતું. બીજું તેઓ શરૂઆતમાં એક પ્લેટમાં પાંચ પૂરી પીરસતા હતા. પંચમ એટલે પાંચ. એ સમયે દુકાન બહુ નાની એવી હતી. અત્યારે જેમ અંદર બેસીને જમવાની વ્યવસ્થા છે એમ ત્યારે દુકાનની બહાર લાકડાના બાંકડા હતા અને ત્યાં બેસીને લોકો જમતા. એ સમયે પૂરી-ભાજીનો પ્લેટનો ભાવ પણ માંડ એક-બે આના હશે.’
પંચમ પૂરીવાલા સાથે જોડાયેલી વધુ એક રસપ્રદ વાત કરતાં તેઓ કહે છે, ‘આજે જ્યાં સીએસએમટી સ્ટેશન અને બીએમસીની મુખ્ય ઑફિસ છે ત્યાં ૧૮૫૦ પહેલાં એક તળાવ હતું, જેને અંગ્રેજ ગિબેટ ટૅન્ક અને સ્થાનિક લોકો ફાંસી તળાવ કહેતા હતા. આ જગ્યાનો ઉપયોગ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ગુનેગારોને જાહેરમાં સજા આપવા માટે થતો હતો, જેથી લોકો ગંભીર ગુનો કરતાં પહેલાં સો વાર વિચારે. જ્યારે અંગ્રેજો દ્વારા અપરાધીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવતી હતી ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ થતી હતી. ફાંસી જોયા બાદ લોકો સીધા સ્ટૉલ પર પૂરી-ભાજી ખાવા આવતા હતા.’
સાતમી જનરેશનના યંગ મેમ્બર શિવાંગ શર્મા કહે છે, ‘આટલાં વર્ષોમાં અનેક મહાન હસ્તીઓ અમારે ત્યાં મળતી પૂરી-ભાજીનો સ્વાદ માણી ચૂકી છે. મેં મારા પૂર્વજો પાસેથી સાંભળ્યું છે કે અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સુપરસ્ટાર રાજેશ ખન્ના, નર્ગિસ દત્ત, મ્યુઝિક-ડિરેક્ટર ખય્યામ, ભૂતપૂર્વ રાજકારણી જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવી હસ્તીઓ પણ આવી ચૂકી છે. મેં પોતે સંગીતકાર જોડી જતીન-લલિતના કોઈ એક ભાઈને અહીં જમતા જોયા છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, જાણીતા અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલ પણ અમારે ત્યાં જમી ચૂક્યા છે. તેમણે મારી સાથે પણ ઇન્ટરૅક્શન કર્યું હતું. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ પણ અમારી રેસ્ટોરાંને લઈને ટ્વીટ કરેલું.’
એસ્થેટિક અને થીમબેઝ્ડ રેસ્ટોરાંના જમાનામાં પંચમ પૂરીવાલામાં હજુ પણ સાવ સાદું ડાઇનિંગ છે. જગ્યા નાની અને લોકોની ભીડ વધુ રહેતી હોવાથી રેસ્ટોરાંમાં શૅર્ડ સીટિંગ વ્યવસ્થા છે એટલે તમારે અજાણ્યા સાથે ટેબલ શૅર કરવું પડે. તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ કોઈ મોટી બૅન્કનો મૅનેજર પણ હોઈ શકે અને સામે બેઠેલી વ્યક્તિ કોઈ ટૅક્સી ડ્રાઇવર કે મજૂર પણ હોઈ શકે. આ જગ્યા લાંબી વાતો કરવા કે હૅન્ગઆઉટ કરવા માટે નથી. અહીંનો નિયમ સ્પષ્ટ છે કે આવો, ગરમાગરમ ઑર્ડર કરો, પેટ ભરીને જમો અને જગ્યા ખાલી કરો, જેથી બહાર લાઇનમાં ઊભેલા બીજા ભૂખ્યા માણસનો નંબર આવી શકે. અહીં કૉર્પોરેટ-બૅન્કમાં કામ કરતા કર્મચારીઓ, રોજિંદા મુસાફરો, ટૂરિસ્ટો, કૉલેજ સ્ટૂડન્ટ્સથી લઈને ટૅક્સી-ડ્રાઇવર્સ અને મજૂર સુધીના બધા જ લોકો આવે છે.
પંચમ પૂરીવાલામાં સમય સાથે મેનુમાં ઘણી વરાઇટીઓ ઍડ થઈ છે, પણ પૂરી-ભાજી હજુ પણ એનું મુખ્ય આકર્ષણ છે. અહીં સાદી પૂરીની સાથે મસાલા પૂરી, બીટરૂટ પૂરી, પનીર પૂરી, પાલક પૂરી જેવી વિવિધ વરાઇટીની પૂરી મળે છે. પૂરીઓ પણ પાછી એટલી મોટી અને અલગ અલગ ફ્લેવરની હોય કે ખાવામાં મજા પડી જાય અને પેટ પણ ભરાઈ જાય. એ સિવાય શાકમાં પણ આલૂ મટર, આલૂ મેથી, આલૂ પાલક, મસાલા ભીંડી, આલૂ ગૉબી, પકોડાં કડી જેવા ઑપ્શન્સ છે. આ શાકમાં માપસરનાં તેલ-મસાલા હોય અને તમને જે ઑથેન્ટિક ટેસ્ટ છે એ ફીલ થાય. એ સિવાય સ્વીટ કંઈક ખાવું હોય તો સ્પેશ્યલ ખીર, ગુલાબજામુન, લસ્સી અને સીઝન હોય ત્યારે કેરીનો રસ પણ અવેઇલેબલ હોય છે. પંચમ પૂરીવાલાની સૌથી પ્રખ્યાત થાળી પંચમ થાળી અને પંચમ રોયલ થાળી છે. બન્નેમાં વેજિટેબલ અને પૂરીની વરાઇટીમાં ફરક હોય છે. પંચમ થાળીમાં ૩ પ્રકારની સબ્જી, કઢી, ૩ પ્રકારની પૂરી, પુલાવ, રાયતું અને ખીર પીરસવામાં આવે છે. રૉયલ થાળીમાં ૩ પનીર ગ્રેવી, દાળ, પાંચ પ્રકારની પૂરી, પુલાવ અને બે સ્વીટ આઇટમ આપવામાં આવે છે. તમારે પૂરીનાં કૉમ્બો અને શાક અલગથી લેવાં હોય તો એ રીતનું મેનુ પણ છે.
સારી વાત એ છે કે અહીં ખિસ્સાને પરવડે એવા ભાવમાં ટેસ્ટી અને કમ્ફર્ટેબલ ફૂડ પીરસવામાં આવે છે. અહીં સતત ગ્રાહકોનો ધસારો રહેતો હોય છે. ખાસ કરીને ફોર્ટની ઑફિસોનો લંચબ્રેક શરૂ થાય એટલે પંચમ પૂરીવાલાની બહાર કતારો લાગી જાય છે. ગ્રાહકોને ગરમાગરમ અને તાજી પૂરી મળે એ માટે અહીં સતત પૂરીઓ તળાતી રહે છે. પૂરી કડાઈમાંથી સીધી થાળીમાં પહોંચે છે. પંચમ પૂરીવાલાની ખાસિયત એની અવિરત જળવાયેલી ગુણવત્તા છે. અહીંના રસોઇયાઓ આજે પણ એ જ જૂની પદ્ધતિથી પૂરી વણે છે અને લોખંડની મોટી કડાઈમાં એને તળે છે, જેનાથી પૂરી એકદમ મુલાયમ અને ખસ્તા બને છે. રસોડામાં વપરાતા મસાલા અને પૂર્વજોની એ જૂની રેસિપીમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
આજે મુંબઈમાં ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં, આંતરરાષ્ટ્રીય ક્વિઝીન અને નવી-નવી ફૂડ ટ્રેન્ડ્સની કોઈ કમી નથી. છતાં પંચમ પૂરીવાલામાં ગ્રાહકોની ભીડ ઓછી થતી નથી. તેનું કારણ માત્ર ભોજન નથી, પરંતુ એની સાથે જોડાયેલી લાગણી, વિશ્વાસ અને પરંપરા છે. ઘણા લોકો અહીં પોતાનાં દાદા-દાદી કે માતા-પિતા સાથે આવતા હતા અને આજે પોતાનાં બાળકોને લઈને આવે છે. વર્ષો પછી પણ અહીંનો સ્વાદ, આત્મીયતા અને ઘર જેવો અનુભવ યથાવત્ રહ્યો છે. જ્યારે ફૂડ ટ્રેન્ડ્સ બદલાય છે, ત્યારે પણ કેટલીક જગ્યાઓ લોકોને તેમની યાદો અને મૂળ સાથે જોડીને રાખે છે અને પંચમ પૂરીવાલા એવી જ એક જગ્યા છે.