ન્યુ બૉર્નને બેબીફૂડ આપવું કે ઘરનું?

06 April, 2021 03:14 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પ્રીમિક્સ બેબી ફૂડનું માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ત્યારે નવી મમ્મીઓએ સમજવું જરૂરી છે કે શિશુના શારીરિક વિકાસ માટે કેવો આહાર બેસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર

નાના બાળકના શારીરિક વિકાસમાં પૌષ્ટિક આહારનો રોલ મહત્વનો હોય છે. એટલે જ ન્યુબોર્ન ન્યુટ્રિશનલ ગ્રોથ ચાર્ટમાં ઘણાં ઇનોવેટિવ્ઝ ઉમેરાતા જાય છે. ન્યુ બૉર્ન ન્યુટ્રિશનલ પ્રીમિક્સ માર્કેટના રિપોર્ટ, ઇનોવેટિવ ટ્રેન્ડ, ડ્રાઇવિંગ ફૅક્ટર અને ગ્રોથ ઍનૅલિસિસ અનુસાર ૨૦૨૧થી ૨૦૨૮ના ગાળામાં આ ક્ષેત્રમાં બજારમાં નોંધનીય વૃદ્ધિ જોવા મળશે. આ પ્રકારના આહારનો હેતુ નાની વયના બાળકોને પોષણ પહોંચાડવાનો છે. લેટેસ્ટ ન્યુટ્રિશનલ પ્રીમિક્સના ઇનોવેટિવમાં જાતજાતના પોષકતત્ત્વો ઉમેરવામાં આવે છે ત્યારે એનાથી ભરમાવા જેવું છે કે નહીં એ સમજવા જેવું છે.

બાળકના શારીરિક વિકાસની ઝડપમાં આહારરૂપી ઈંધણમાં ખામી રહી જાય તો ન પૂરી કરી શકાય એવી ખોટ સર્જાતી હોય છે. ફર્સ્ટ ટાઇમ પેરન્ટ્સને ઘણી વાર અધૂરી માહિતીને કારણે  બિનજરૂરી ખર્ચાળ ટૉનિક્સ તરફ દોરાય છે. એમાં પાછું લેટેસ્ટમાં નાનાં બાળકોના ફૂડમાં ઑર્ગેનિક, પ્રોબાયોટિક અને એનાં જેવાં ઘણાં છોગાં ઍડ કરવામાં આવ્યા છે પણ એ કેટલા કામના છે કે નહીં એ વિશે ખારઘરની મધરહુડ હૉસ્પિટલના પીડિયાટ્રિશ્યન અને નીઓનેટોલૉજિસ્ટ ડૉ. સુરેશ બિરાજદર કહે છે, ‘વાસ્તવમાં વર્કિંગ પેરન્ટ્સને ધ્યાનમાં રાખી અનેક કંપનીઓ નવી પ્રોડક્ટ અને ઇનોવેટિવ આઇડિયાઝ સાથે માર્કેટમાં ઝંપલાવી રહી છે, પરંતુ સાયન્ટિફિક રિસર્ચની વાત કરીએ તો પ્રીમિક્સ ફૂડથી બેબીના ફિઝિકલ ગ્રોથમાં ફાયદો થાય છે એવું પુરવાર થયું નથી. ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન પ્રમાણે પ્રથમ છ માસ માટે સ્તનપાન સંપૂર્ણ આહાર છે. કેટલાક કેસમાં વિટામિન ડી સપ્લિમેન્ટ આપવામાં આવે છે. ફૉર્મ્યુલા મિલ્ક, ઉપરનું દૂધ, જનમઘૂંટી આપવાની પણ સ્પષ્ટ ના પાડીએ છીએ.’

છ મહિના પછી શિશુને કૉમ્પ્લીમેન્ટરી ન્યુટ્રિશન ફૂડ આપવાની શરૂઆત કરી શકાય. ડૉ. સુરેશ કહે છે, ‘કૉમ્પ્લીમેન્ટરી ફૂડની વાત આવે એટલે માતા ફીડિંગ સ્ટૉપ કરી બહારનો આહાર આપવા લાગે છે. કૉમ્પ્લીમેન્ટરીની વ્યાખ્યા છે કે માતાનું દૂધ તો આપવાનું જ છે, એની સાથે ઘરમાં બનાવેલી ટ્રેડિશનલ વાનગીઓ પણ ઍડ કરવાની છે. એમાં દાળનું પાણી, ચોખાની કાંજી, મગનું પાણી વગેરે જાડું પ્રવાહી આપવાનું છે. ફ્રૂટમાં કેળાં અને વેજિટેબલમાં પટેટો બેસ્ટ ઑપ્શન છે, કારણ કે બારેમાસ મળે છે અને હાથેથી સ્મૅશ કરી શકાય છે. એનાથી બાળકની જીભને નવા સ્વાદની ખબર પડે છે અને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ સહિતનાં પોષક તત્ત્વો મળે છે. ત્યાર બાદ દાળ-રોટલી ચોળીને આપો. એમાં થોડું ઘી ઉમેરો. ખીચડી, ઉપમા, શીરો, ઇડલી જેવી વાનગીઓ આપી શકાય. આ રીતે કલ્ચરલી અપ્રોપ્રિયેટ અને લોકલ માર્કેટમાં અવેલેબલ ફૂડ આપવાથી બાળકને નૅચરલ ફૉર્મમાં તમામ પોષક તત્ત્વો મળી રહે છે.’

ઘરમાં જ બનાવો પ્રીમિક્સ

ચોખા અને દાળને દળી સહેજ મીઠું ઉમેરી બરણીમાં ભરી રાખો. રવાને શેકી, ગ્રાઇન્ડ કરી રાખી મૂકો. એમાં થોડું શુદ્ધ ઘી પણ ઉમેરી શકાય. ઘરની અંદર બનાવેલા પ્રીમિક્સમાં મીઠું ઓછું અને શુગર અવૉઇડ કરવાથી એ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્ને રહે છે.

columnists Varsha Chitaliya