06 August, 2026 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૂંગ દાલ પીત્ઝા ટોકરી
સામગ્રી : ૨૫૦ ગ્રામ ફોતરાંવાળી મૂંગ દાળ, એક ટેબલસ્પૂન અડદની દાળ, બે ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, બે ટેબલસ્પૂન દહીં, એક કપ બાફેલા સ્વીટ કૉર્ન, એક કપ બાફેલા ગ્રીન પીસ, એક ટેબલસ્પૂન પીત્ઝા સૉસ, એક ટીસ્પૂન ટમૅટો કેચપ, પીત્ઝા સીઝનિંગ, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, ચીઝ ક્યુબ અથવા ખમણેલું પનીર (વૈકલ્પિક), થોડું તેલ
બનાવવાની રીત : મૂંગ દાળ અને અડદની દાળને પાંચ-છ કલાક પલાળી લો. ત્યાર બાદ ધોઈ એમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને મિક્સરમાં જાડી પેસ્ટ તૈયાર કરો. હવે એમાં દહીં, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. અપ્પમ પાત્રને થોડું તેલ લગાવીને ગરમ કરો. દરેક ખાણામાં એક-એક ચમચી જેટલું બેટર નાખીને હળવા હાથે ફેલાવો જેથી સરસ કટોરીનો આકાર બને. ઢાંકણ મૂકીને ધીમી આંચ પર પાંચ-સાત મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તૈયાર થયેલી મૂંગ દાળની કટોરીને અપ્પમ પાત્રમાંથી કાળજીપૂર્વક બહાર કાઢી લો. એક બાઉલમાં બાફેલા સ્વીટ કૉર્ન અને ગ્રીન પીસ લો. એમાં પીત્ઝા સૉસ, થોડો ટમૅટો કેચપ, પીત્ઝા સીઝનિંગ, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ, મીઠું અને કોથમીર ઉમેરીને મિક્સ કરો. ઇચ્છો તો ખમણેલું પનીર અથવા ચીઝ પણ ઉમેરી શકો. હવે તૈયાર મૂંગ દાળની કટોરીમાં આ સ્ટફિંગ ભરો. ઉપરથી થોડું ચીઝ, પીત્ઝા સીઝનિંગ, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ અને થોડો પીત્ઝા સૉસ નાખીને તરત જ સર્વ કરો.
નોંધ : આ હેલ્ધી, હાઈ-પ્રોટીન અને બાળકો તેમ જ મોટાઓને ખૂબ જ પસંદ આવે એવી ફ્યુઝન ચાટ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી સ્ટફિંગ એને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.