સી. આર. પાટીલના શહેરના પાંઉ-બટેકાની વાત જ નિરાળી

09 June, 2022 02:19 PM IST  |  Mumbai | Sanjay Goradia

પૂરી-શાકની જેમ ખવાતાં આ પાંઉ-બટેકાના બટેટાના શાકના સ્વાદની જે મજા છે એવી જ મજા એના મહાકાય પાંઉની છે

સંજય ગોરડિયા

આ વખતની ફૂડ ડ્રાઇવ થોડી અલગ છે અને એ મને સાવ જ અનાયાસે મળી છે. બન્યું એમાં એવું કે અમારા નાટકનો શો નવસારીમાં હતો. નવસારીની આગલી રાતે અમારો શો સુરતમાં. સુરતમાં શો પતાવી, નાઇટ હોલ્ટ સુરતમાં જ કરી અમે બીજા દિવસે સાંજે રવાના થયા નવસારી. નવસારીના તાતા હૉલમાં અમારો શો હતો. જેવો હું તાતા હૉલ પર પહોંચ્યો કે મને મારા ‘બંધ હોઠની વાત’ નાટકના લીડ ઍક્ટર હર્ષિલ દેસાઈનો ફોન આવ્યો. વાત આગળ કરતાં પહેલાં તમને આ હર્ષિલની બીજી ઓળખાણ કરાવી દઉં.

હર્ષિલ અત્યારે કલર્સ ગુજરાતી પર આવતી ‘મારું મન મોહી ગયું’ સિરિયલનો લીડ ઍક્ટર છે તો ગુજરાતી સિરિયલોમાં સૌથી લાંબી ચાલેલી ‘સાવજ’માં પણ એ બહુ મહત્ત્વના રોલમાં હતો. હર્ષિલ મૂળ નવસારીનો. નવસારીના તાતા હૉલ પહોંચ્યા ત્યાં જ મને હર્ષિલનો ફોન આવ્યો કે પપ્પા થિયેટર પર આવે છે, તમને નાસ્તો કરવા માટે એ બહાર લઈ જશે. હર્ષિલ સાથે મારે આત્મીયતા તો હર્ષિલનાં મમ્મી-પપ્પા પણ મારા પર ખૂબ હેત રાખે. જ્યારે પણ નવસારી ગયો હોઉં ત્યારે અન્નપૂર્ણા બનીને આખું ફૅમિલી ઊભું હોય.

મેં હા પાડી એટલે હર્ષિલના પપ્પા આશુતોષભાઈ થિયેટર પર આવ્યા અને મને લઈ ગયા નવસારીની હોટેલ રામાનંદ પર. અંદર જઈને અમે બેઠા ત્યાં જ તેમણે ઇશારો કરીને આઇટમ લાવવા કહ્યું. આઇટમ આવી, પાંઉ-બટેકા.

સાઉથ ગુજરાતમાં બટેટાને બટાકા પણ કહે. પાંઉ-બટેકા નામની આ આઇટમમાં એવડો તે મોટું પાંઉ હતું કે આખી હથેળી ઢંકાઈ જાય. કહો કે પાંચેક ઇંચનું પાંઉ હતું એ. સાથે બટેટાનું સહેજ ગ્રીન ગ્રેવીવાળું શાક હતું. મેં સૌથી પહેલાં એ શાક જ ચાખ્યું. મિત્રો, મેં એવું શાક ક્યારેય ચાખ્યું નહોતું. આગળ વધતાં પહેલાં તમને એક વાત કહું, બટેટાનું શાક બહુ સામાન્ય લાગે, પણ મેં વાંચ્યું છે એ મુજબ આપણા આખા દેશમાં આ બટેટાનાં શાક પાંચસોથી વધારે ટેસ્ટમાં બને છે!

પાંઉ-બટાકાના શાકમાં ગળાશ પણ હતી એ સહેજ તમારી જાણ માટે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના શાકમાં ગળપણ નાખવામાં આવતું નથી પણ આ શાકમાં ગળાશ હતી. રાઈનું પ્રમાણ પણ બીજા શાક કરતાં જરા વધારે અને જે ગ્રેવી હતી એ ગળી ગયેલા બટેટાના કારણે પ્રમાણમાં થિક હતી.

પાંઉ-બટેકા ખાવાની સિસ્ટમ મેં અગાઉ ક્યાંય જોઈ નથી. પૂછપરછ કરતાં ખબર પડી કે નવસારીમાં એ ખૂબ ખવાય છે, કહો કે એની જબરદસ્ત ડિમાન્ડ છે. વાતચીત દરમ્યાન જ મને ખબર પડી કે આ મૉર્નિંગ બ્રેકફાસ્ટની આઇટમ છે. અશ્વિનભાઈ પાસેથી મને ખબર પડી કે તેમણે સવારથી નક્કી રાખ્યું હતું કે આ આઇટમ મને ટેસ્ટ કરાવવી એટલે સવારે જ તેમણે રામાનંદ હોટેલમાં ફોન કરીને મારા પૂરતા પાંઉ-બટેકાની પ્લેટ સાઇડ પર રખાવી દીધી હતી. કહેવાયું હતું એટલે મને એ ટેસ્ટ કરવા મળી, બાકી બપોર સુધીમાં તો એ ખાલી થઈ જાય.

પાંત્રીસ રૂપિયાની એક પ્લેટ અને સવારે એક પ્લેટ ખાઓ એટલે તમારી બપોર આરામથી પડી જાય. હું એક વાત ખાસ કહીશ. આ પાંઉ-બટેકાની ખાસિયત માત્ર બટેટાના શાકમાં જ નહોતી, એનું પાંઉ પણ વિશિષ્ટ હતું. સાઇઝ-વાઇઝ તો ખરું જ પણ ટેસ્ટ અને સૉફ્ટનેસમાં પણ એવું જ. અવ્વલ દરજ્જાનું. આ સિવાય રામાનંદની પાણીપૂરી, સેવ બટેટાપૂરી, દહીં બટેટાપૂરી મુંબઈના ટેસ્ટને ટક્કર મારે એવી છે. ટૂંકમાં હોટેલ રામાનંદમાં એક વાર જવા જેવું ખરું.

columnists Gujarati food Sanjay Goradia