ગોધરા અને દાહોદનું કૉમ્બિનેશન એટલે શ્રીકૃષ્ણની કચોરી

07 July, 2022 12:21 PM IST  |  Mumbai | Sanjay Goradia

ગોધરાનું નામ પડતાં સહેજ ભવાં તણાઈ જાય, પણ જો તમે એક વાર શ્રીકૃષ્ણમાં જઈ આવ્યા હો તો ગોધરાનું નામ સાંભળતાં તમારા મોઢામાં જ નહીં, કાનમાં પણ પાણી આવી જાય

સંજય ગોરડિયા

સંજય ગોરડિયા 
sangofeedback@mid-day.com
‘ગુજરાત’ અને ‘રમખાણ.’
આ બે શબ્દો કોઈ બોલે એટલે બધાને તરત જ ૨૦૦૨માં ગોધરામાં થયેલો ટ્રેન-કાંડ યાદ આવે અને એની સાથોસાથ ત્યાર પછી ગુજરાતમાં થયેલાં રમખાણ યાદ આવી જાય. એ ઘટના પછી ગોધરા દેશભરમાં બહુ કુખ્યાત થયું હતું. જોકે એ પછી ગોધરા ૩૬૦ ડિગ્રી બદલાયું છે એ પણ એટલું જ સાચું છે. આજે પણ ગોધરામાં હિન્દુ-મુસ્લિમની પ૦-પ૦ ટકા વસ્તી છે, પણ બન્ને સંપીને રહે છે. 
ગોધરાની આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ છે કે એ શહેરમાં મારે મારા નાટકના શો માટે જવાનું થયું. શો આવ્યો ત્યારે હું અમદાવાદમાં મારી ફિલ્મનું શૂટિંગ કરતો હતો. મારે શૂટ પરથી સીધું શો પર પહોંચવાનું હતું. બાય રોડ અમદાવાદથી ગોધરા બે કલાક થાય. મારી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપભાઈ કોઠારીએ ટૅક્સીની અરેન્જમેન્ટ કરી અને નીકળતાં પહેલાં મને એક-બે નંબર આપ્યા કે તમારે કંઈ કામ હોય તો આમને ફોન કરજો.
આપણું તો સિમ્પલ છેને સાહેબ, જો સમય મળે તો તમારા માટે કંઈક સરસ વરાઇટી લઈ આવવી. મેં પ્રદીપભાઈને જ ગોધરાની ખાસ આઇટમ માટે પૂછ્યું તો મને કહે કે શ્રીકૃષ્ણ સ્વીટ્સની કચોરી ચાખજો જ. 
મિત્રો, એ જ કચોરી દાહોદની કચોરી તરીકે પણ ઓળખાય છે. હા, દાહોદની કચોરી, કારણ કે શ્રીકૃષ્ણ મૂળ દાહોદમાં અને ગોધરામાં એની બ્રાન્ચ છે.
ગોધરા નાનું ટાઉન, તમે રિક્ષાવાળાને શ્રીકૃષ્ણ સ્વીટ્સનું કહો એટલે એ તરત જ તમને પહોંચાડી દે. ઍડ્રેસ કે લૅન્ડમાર્કની જરૂર જ નહીં. હું તો ત્યાં ગયો શ્રીકૃષ્ણ સ્વીટ્સમાં, પેલી દાહોદની કચોરી ટેસ્ટ કરવા અને સાહેબ, શું કચોરી!
કચોરી બે પ્રકારની હતી. એક ખસ્તા કચોરી જે મોટી હોય અને જેમાં મગની દાળનું પૂરણ હોય. પૂરણ ઓછું હોય, પણ કચોરી ફૂલેલી બહુ હોય. આ કચોરીમાં વચ્ચે કાણું પાડી એમાં તીખી-મીઠી ચટણી નાખી હોય. આ ખસ્તા કચોરીની એક વાત કહું તમને. ખસ્તા કચોરી ઍક્ચ્યુઅલી પંજાબી વરાઇટી છે. પંજાબીમાં ખસ્તા એટલે કરકરું અને એવી જ કરકરી એ કચોરી હતી. હવે વાત કરીએ બીજી કચોરીની. આ કચોરી આમ તો આપણી જેમ ગુજરાતી કચોરી હોય છે એવી જ, જેમાં મગની દાળનું પૂરણ હોય, પણ આ કચોરી ગોળ નહીં, સહેજ ચપટી હતી. એના પર તીખી-મીઠી ચટણી નાખીને ખાવાની. અદ્ભુત સ્વાદ હતો. એવી તે કરકરી કે અગાઉ મેં આટલી ક્રન્ચીનેસ એક પણ વરાઇટીમાં કોઈ ગામમાં નથી જોઈ.
તપાસ કરતાં ખબર પડી કે આ જે ક્રન્ચીનેસ છે એ દાહોદના પાણીની કમાલ છે. એ પાણીમાં જો તમે લોટ બાંધો તો દરેક ફરસાણ જબરદસ્ત કરકરું બને છે. શ્રીકૃષ્ણવાળા ભાઈએ જ મને કહ્યું કે કચોરી અને ફરસાણ માટે જે પાણી હોય છે એ રોજ સવારે દાહોદથી આવે અને એમાંથી જ બધું ફરસાણ બને. દાહોદથી ગોધરા લગભગ કલાકનો જ રસ્તો એટલે ત્યાંથી પાણી લાવવું સરળ બને. 
આ વાત સાંભળીને મેં તો ત્યાં હતું એ ફરસાણ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં રતલામી સેવ પર હાથ અજમાવ્યો. રતલામી સેવનો તમને આઇડિયા હોય જ, પણ એમ છતાં કહી દઉં કે આપણા ભાવનગરી ગાંઠિયા જેવી જાડી સેવ હોય, જેમાં લવિંગ અને સફેદ મિર્ચી પાઉડરની તીખાશ હોય. ઇન્દોર અને રતલામમાં મેં એ સેવ ચાખી હતી, ડિટ્ટો એવો જ ટેસ્ટ અને તીખાશ પણ એવી જ. રતલામી સેવ સિવાયની પણ સેવ હતી. લસણ સેવ, સાદી સેવ, ડબલ મરીવાળી સેવ જે વધારે તીખી હોય. એ પછી તો મેં દાળમૂઠ પણ ટેસ્ટ કરી અને પાણીપૂરી પણ ટ્રાય કરી. મારા જેવા માણસ માટે તો જલસો હતો આ, પણ સાહેબ, મકરંદ દવે કહી ગયા છેને,
ગમતું મળે તો અલ્યા, ન ગૂંજે ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.
સ્વાદ મારા સુધી અકબંધ રાખવાને બદલે એનો આસ્વાદ તમને કરાવી દીધો. હવે તમે એ આસ્વાદને સ્વાદમાં ફેરવજો. જ્યારે પણ ગોધરા જવાનું બને ત્યારે અચૂક શ્રીકૃષ્ણમાં જજો.

life and style mumbai food Gujarati food Sanjay Goradia