મળી લો આજના વિનર્સને....

23 May, 2022 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો શાહી પનિયારમ અને બ્રેડ રસ માધુરી રેસિપી વિશે

રેસિપી કોન્ટેસ્ટ

શાહી પનિયારમ

શાહી પનિયારમ, કરુણા જયેશ સાવલા, દહિસર-ઈસ્ટ

સામગ્રી ઃ ખીરા માટે ઃ પોણો કપ રવો, બે ટીસ્પૂન દૂધનો પાઉડર, અડધો કપ દળેલી ખાંડ, ૧ ટીસ્પૂન પાણીમાં પલાળેલું કેસર, ૧ ટીસ્પૂન ઇલાયચી પાઉડર, દૂધ જરૂર પ્રમાણે
અન્ય સામગ્રીઃ બે ટીસ્પૂન ઘી, પા કપ કાજુ-બદામ-પિસ્તાંના ટુકડા, બે ટીસ્પૂન વરિયાળી પાઉડર, બે ટીસ્પૂન કોપરાની છીણ, પા ટીસ્પૂન સોડા, ૧ ટેબલસ્પૂન કિસમિસ
બનાવવાની રીત ઃ સૌપ્રથમ એક બાઉલમાં રવો, દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરો. જરૂર પ્રમાણે (આશરે પા કપ) દૂધ નાખીને ખીરું તૈયાર કરો. એક કલાક માટે રહેવા દો. ત્યાર બાદ કડાઈમાં ઘી ગરમ કરો. એમાં બદામ-કાજુ-પિસ્તાંના ટુકડા સાંતળો. ખીરામાં નાખીને હલાવો. પછી એમાં વરિયાળી પાઉડર, કોપરાની છીણ અને કિસમિસ નાખીને મિક્સ કરો. સોડા નાખીને હલાવો. હવે અપ્પમ પાત્ર (લોઢી)ને ગરમ કરો. એમાં જરા ઘી નાખીને 1 ચમચી ખીરું રેડી ઢાંકી દો. બન્ને બાજુએથી પકાવો. ઉપરથી મધ ડ્રિઝલ કરો અને બદામની કતરણ ભભરાવી ગરમ અથવા ઠંડા સર્વ કરો.

બ્રેડ રસ માધુરી

બ્રેડ રસ માધુરી, હેલી ભાવિન પરીખ, બોરીવલી-વેસ્ટ

સામગ્રી ઃ ૫૦૦ મિલી દૂધ, ૧ કપ તાજી મલાઈ, ૪ નંગ બ્રેડ (કિનાર કાઢેલા), ૪ ચમચી સૂકા કોપરાનું ખમણ, ૧૦૦ ગ્રામ સાકર, ચપટી કેસર 
દૂધમાં પલાળેલું, ૪થી પાંચ નંગ ઇલાયચી પાઉડર, તળવા 
માટે ઘી.
રીત ઃ  સૌથી પહેલાં બ્રેડના ટુકડા કરીને ઘીમાં સામાન્ય તળી લેવા અને સાઇડ પર રાખી દેવા. ત્યાર બાદ લોયામાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ગરમ થાય એટલે એમાં તાજી મલાઈ, સૂકા કોપરાનું ખમણ, તળેલા બ્રેડના ટુકડા, સાકર અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી દેવું. એ દરમ્યાન સતત હલાવતા રહેવું. થોડી વાર પછી એમાં હૅન્ડ મિક્સર ફેરવીને બ્લેન્ડ કરવું. હવે ગૅસ પર મૂકી ફરી હલાવતા રહેવું અને ઘટ થઈ જાય એટલે એમાં ઇલાયચી પાઉડર ઉમેરવો. હવે 
એક ઘી લગાડેલી થાળીમાં કાઢી ઠારવું અને ઠંડું પડે એટલે કોઈ પણ મોલ્ડથી કટિંગ કરવું. ત્યાર બાદ પ્લેટમાં કાઢી સર્વ કરવું. 

ઓટ્સ મેન્ગો આઈટમ

રેણુ અનિલ શાહ, વિલે પાર્લે-ઈસ્ટ

સામગ્રી ઃ બે નંગ આફૂસ કેરીનો પલ્પ, ૧૦૦ ગ્રામ ઓટ્સ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧ લિટર દૂધ, ૫૦ ગ્રામ કાજુનો બારીક ભૂકો, ૫૦ ગ્રામ ગૂંદર, ૫૦ ગ્રામ ઘી, ૧ ટીસ્પૂન એલચી-જાયફળ પાઉડર
ડેકોરેશન માટે ઃ 
કાજુ-બદામ-પિસ્તાંનાં ફાડિયાં
રીત ઃ કડાઈમાં ઓટ્સને શેકવા. મિક્સરમાં ચર્ન કરવું. પછી એ જ કડાઈમાં ઘી મૂકી ગૂંદર તળવો. બધો ગૂંદર ફૂલી જાય એટલે એમાં દૂધ રેડવું. તરત જ દૂધમાં કણી પડશે. અડધું દૂધ ઊકળે એટલે એમાં ઓટ્સનો ભૂકો નાખો. એકસરખું હલાવતા રહેવું. ઘટ થવા આવે એટલે કેરીનો પલ્પ નાખો. સતત એકસરખું હલાવતા 
રહેવું. હવે ખાંડ નાખો. ઘટ માવા જેવું થાય એટલે કાજુનો ભૂકો અને ઇલાયચી-જાયફળ પાઉડર નાખી નીચે ઉતારી લેવું. ઠંડું પડવા દેવું. ઘીવાળો હાથ 
કરી મનગમતો આકાર આપવો. ઉપર કાજુ-બદામ-પિસ્તાંનાં ફાડિયાં ભભરાવવાં. 

life and style indian food