21 February, 2025 06:56 AM IST | Mumbai | Sejal Patel
કકુમ્બર છાશ, વેજિટેબલ ઢોકળાં, વેજિટેબલ ઇડલી સાંભાર, જુવાર ભૈડકું
ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી પેટમાંના સારા બૅક્ટેરિયાને જલસો પડી જાય છે. એ બૅક્ટેરિયા જ તમારી પાચનશક્તિ સુધારે છે, ખરાબ ચરબીની જમાવટ ઘટાડે છે અને ચેતાતંતુઓ માટે જરૂરી વિટામિન B12 જેવાં પોષક તત્ત્વોની પૂર્તિ પણ કરે છે. ગટ હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે આંતરડાંના સૂક્ષ્મ બૅક્ટેરિયા ખુશ તો તમારું આખું શરીર સ્વસ્થ રહેશે
દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા, શાહિદ કપૂર હોય કે જાહનવી કપૂર; આ બૉલીવુડ સેલિબ્રિટીઝની કોઈ કૉમન વાત હોય તો એ છે તેમનો સાઉથ ઇન્ડિયન ફૂડ માટેનો પ્રેમ. આ કલાકારોને રોજ બ્રેકફાસ્ટમાં ઇડલી કે ઢોસા આપો તો તેઓ ખુશ-ખુશ થઈ જાય છે. આ ચીજો તેમને બહુ ભાવે છે એટલા માટે નહીં, પેટને સ્વસ્થ રાખે છે એટલા માટે તેઓ ખાય છે. ઇડલી, ઢોસા કે ઢોકળાં જો સાચા સમયે ખાવામાં આવે તો એ ઇમ્યુન સિસ્ટમ સુધારવાનું કામ કરે છે. એનું સીક્રેટ એ છે કે આ ચીજો ફર્મેન્ટ થયેલી છે.
ફર્મેન્ટેડ ફૂડ કેમ ફાયદાકારક?
આંતરડાંની અંદરની દીવાલ પર રહેતા માઇક્રોબાયોટા તરીકે ઓળખાતા ખાસ જીવો, જેને આપણે સારા બૅક્ટેરિયા કહીએ છીએ એ ખોરાકના પાચન અને પચ્યા પછી એમાંથી પોષક તત્ત્વો શોષાઈને લોહીમાં ભળે એ માટે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફર્મેન્ટેડ ચીજો અને દહીં એ આવા સારા બૅક્ટેરિયાનો ઉત્તમ સોર્સ છે એમ જણાવતાં કાંદિવલીનાં ન્યુટ્રિશનિસ્ટ મિરલ શાહ કહે છે, ‘દહીં અને આથો આવેલી ચીજો પેટમાં સારા બૅક્ટેરિયાનો વધારો કરે છે, જેને પ્રોબાયોટિક ફૂડ કહેવાય છે. આ બૅક્ટેરિયા ખોરાકનું પાચન કરવામાં અને પાચન થયા પછી ચોક્કસ પોષક તત્ત્વોને છૂટાં પાડવાની પ્રક્રિયામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એનાથી મેટાબોલિઝમ સુધરે છે, ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં જમા થયેલી ખરાબ ચરબી ઘટાડવામાં મદદ થાય છે. આ બૅક્ટેરિયા ખોરાકનું પાચન કરીને ખાસ પ્રકારની ચરબી પેદા કરે છે, જે લો ડેન્સિટી લિપિડ (LDL) તરીકે ઓળખાતા ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડવાનું કામ કરે છે. મતલબ કે જો પૂરતી માત્રામાં સારા બૅક્ટેરિયા પેટમાં હોય તો એનાથી શરીરમાં ખરાબ ચરબીની જમાવટ પણ ઘટે છે. આડકતરી રીતે જોઈએ તો એનાથી વજન ઘટાડવામાં અને વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદ થાય છે.’
B12ની કમી ઘટે
વેજિટેરિયન્સમાં વિટામિન B12ની કમી ખૂબ મોટા પાયે જોવા મળે છે, પણ જો પેટમાં સારા બૅક્ટેરિયા હોય તો એનાથી આપણાં આંતરડાંમાં જ આપમેળે સૂક્ષ્મ માત્રામાં વિટામિન B12 પેદા થઈ શકે છે એમ સમજાવતાં મિરલ શાહ કહે છે, ‘નૉનવેજ ખાનારાઓમાં આ વિટામિનની ઊણપ નથી હોતી, પણ જે પ્રાણીઓને મારીને ખાવામાં આવે છે એ તો મોટા ભાગે વેજિટેરિયન જ હોય છેને? શાકાહારી પ્રાણીઓને મારીને ખાવાથી આપણામાં B12 વધે એવું કેમ? એવી ખરેખર જરૂર જ નથી. આપણે જન્ક ફૂડ, આલ્કોહોલનું સેવન કરીને કુદરતી રીતે આંતરડાંમાં આ વિટામિન પેદા થવાની ક્ષમતાને ડિસ્ટ્રૉય કરી નાખીએ છીએ. જો આથાવાળી ચીજો ખાવામાં આવે તો પેટમાં સારા બૅક્ટેરિયા જળવાય છે અને આ વિટામિન આપમેળે શરીરની જરૂરિયાતની પૂર્તિ કરી શકે છે. આથાવાળી ચીજો નિયમિત ખાવાથી આંતરડાંમાંના બૅક્ટેરિયાનું કુદરતી ચક્ર જળવાય છે અને પાચનક્રિયા થકી જરૂરી B12 વિટામિન શરીરમાં જ પેદા થાય છે.’
ખોટી આદત સુધારીએ
આપણે ત્યાં ઢોકળાં, હાંડવો, ઇડલી, ઢોસા જેવી ચીજો રાતના સમયે ખવાય છે; પણ એ હેલ્ધી બાબત નથી. આ ચીજો બને ત્યાં સુધી બ્રેકફાસ્ટ કે લંચમાં લેવી જોઈએ એમ જણાવતાં મિરલ કહે છે, ‘સાઉથ ઇન્ડિયન્સને જોશો તો તેઓ ફર્મેન્ટેડ આઇટમો સવારે ખાશે અને રાતે તો રાઇસમાંથી બનેલી ચીજો ખાશે, જ્યારે આપણે દાળ-ભાત બપોરે ખાઈશું અને ફર્મેન્ટેડ અને જન્ક ફૂડ રાતે. ઍસિડિટી અને ઍસિડ રિફ્લક્સની તકલીફ હોય તેમના માટે આ આદત ખરાબ છે. પેટમાં સારા બૅક્ટેરિયાને ઉમેરવાનો સાચો સમય છે જ્યારે પેટ ખાલી હોય ત્યારે. સવારના બ્રેકફાસ્ટમાં જો તમે નિયમિતપણે ફર્મેન્ટેડ આઇટમો લેશો તો એનાથી ગટ હેલ્થ સુધરશે. આ કંઈ રાતોરાત નહીં થાય. કોઈ પણ સારી આદતથી શરીરને થતો ફાયદો જોવો કે સમજવો હોય તો ઍટ લીસ્ટ ૨૧ દિવસનો સમય આપવો પડે. ફર્મેન્ટેડ નાસ્તો ૨૧ દિવસ ખાઈ જુઓ. અને હા, એની સાથે જે લાઇફસ્ટાઇલ ચેન્જિસ કરવા પડે એમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરવું. પૂરતું પાણી પીવું, દિવસ દરમ્યાન જન્ક ફૂડ ન ખાવું, રાતે પૂરતી ઊંઘ લેવી અને બેઝિક ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જરૂરી છે.’
પહેલું ફૂડ ફર્મેન્ટેડ ન હોવું જોઈએ
બ્રેકફાસ્ટમાં આથાવાળી ચીજો લેવાની વાત ખૂબ સારી છે, પણ એમાંય ધ્યાન રાખવું જરૂરી છે. ખાલી પેટે સૌથી પહેલાં ખૂબ સ્ટ્રૉન્ગ ફર્મેન્ટેડ ચીજો ન લેવી જોઈએ એ વિશે ધ્યાન દોરતાં મિરલ શાહ કહે છે, ‘સવારે જઠર ખાલી હોય છે એવા સમયે એની લાઇનિંગ પર હેલ્ધી ફૅટનું લેયર બને એ જરૂરી છે. ઊઠીને તરત જ તમે કૉમ્બુચા કે કિમચી જેવી હાઈલી ઍસિડિક ચીજ ન લઈ શકો. સૌથી પહેલાં તો પલાળેલાં અખરોટ, બદામ જેવી ચીજો લેવી. એ પછીથી બ્રેકફાસ્ટમાં આથાવાળી આપણી ભારતીય વાનગીઓ લઈ શકાય. એમાં પણ પૂરતી માત્રામાં શાકભાજી અને ફળોનો સમાવેશ જરૂરી છે. શાકભાજી અને ફળો રેસાવાળી ચીજો છે જે ઑલરેડી પેટના બૅક્ટેરિયા માટે મજાનું ફૂડ બને છે. માત્ર આથાવાળી ચીજો જ નહીં, એ ચીજોમાં કે એની સાથે પૂરતી માત્રામાં શાકભાજી અને આખાં ફળો લેવાં. જેમ કે ઇડલી હોય તો એની અંદર ખીરામાં જ તમે ગાજર, ફણસી, બીટ, વટાણા જેવી શાકભાજી નાખી દઈ શકો. સાંભારમાં દૂધી, સરગવાની શિંગ, કોળું, ભીંડાં જેવાં શાક પણ નાખો. અને હા, ખાતી વખતે એ શાકભાજીને કાઢી નથી નાખવાનાં, ચાવી-ચાવીને ખાઈ જવાનાં છે. શરીરમાં સારા બૅક્ટેરિયા ઉમેરતી આથાવાળી ચીજોની સાથે ફાઇબરયુક્ત ચીજો ઉમેરવાથી પેટમાં રહેલા બૅક્ટેરિયાને પણ સારું ફૂડ મળે છે અને એમની કામગીરી પણ સુધરે છે.’
આ આથેલી રેસિપીઓ ટ્રાય કરી જુઓ
૧. જુવારનું ભૈડકું: જુવારના ફાડા કરીને રાખવા. એને સાંજે દોઢ-બે કલાક પલાળી રાખવા. એ પછી કુકરમાં બે-ત્રણ સીટી વગાડીને બાફી નાખવા. એ બાફેલા ફાડામાં બે ચમચી મોળું દહીં મેળવીને એને બહાર જ મૂકી રાખો. સવારે ઊઠીને નાસ્તો કરવાનો હોય ત્યારે એ પહેલાં લીલાં મરચાં, આદું, જીરું, નાખીને વઘાર કરી દેવાનો અને ઉપરથી કોથમીર ભભરાવીને ખાવું. એક રાત દરમ્યાન એમાં જે માઇલ્ડ ફર્મેન્ટેશનની પ્રક્રિયા થઈ હશે એ પેટ માટે ઉત્તમ છે.
૨. પલાળેલા ઓટ્સ : રાતે સૂતાં પહેલાં દૂધ કે દહીંમાં ઓટ્સને પલાળીને મૂકી રાખવા. સવારે એમાં ખજૂર, ડ્રાયફ્રૂટ્સ, દાડમ, કેળું જેવાં ફળો નાખીને મિક્સ કરીને ખાઈ શકાય.
૩. કાકડીની છાશ : એક કાકડી લો. કટકા કરો અને એક કપ દહીંમાં મિક્સ કરીને બન્નેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. એમાં શેકેલું જીરું નાખીને ખાઓ. આ ડ્રિન્ક ઠંડક આપવાની સાથે બૅક્ટેરિયા માટે પણ ગુણકારી છે.