રેસ્ટોરાંસ્ટાઇલ નહીં, ઢાબા સ્ટાઇલ ઑથેન્ટિક પંજાબી ખાવું છે?

30 October, 2019 03:36 PM IST  |  મુંબઈ | ફેમસ ફૂડ અડ્ડા - દિવ્યાશા દોશી

રેસ્ટોરાંસ્ટાઇલ નહીં, ઢાબા સ્ટાઇલ ઑથેન્ટિક પંજાબી ખાવું છે?

પંજાબી ફૂડ

તો અંધેરીના ગુરુ દા ઢાબામાં જવું જોઈએ. પંજાબનાં ઘરોમાં જેવું ફૂડ બને એ અહીં પિરસાય છે. કારેલાંનું શાક અહીંનો યુએસપી છે ને પથ્થર પર પિસાયેલી કોથમીર-ફુદીનાની ચટણીનાં સોડમ અને સ્વાદ કોઈ હાઇ-ફાઇ રેસ્ટોરાંમાં તમને મળી શકે એમ નથી. હા, દેખાવમાં આ ઢાબું આકર્ષક નથી, પરંતુ જો એની સાદગીને ઇગ્નૉર કરી શકો તો સ્વાદની મોજ જરૂર આવી જશે.

પંજાબી ખાણાની વાત આવે એટલે લાલ, પીળી અને સફેદ ગ્રેવીમાં બટર કે તેલથી તરબતર શાક અને પનીર યાદ આવ્યા વિના રહે નહીં. પણ આ તો આમ પંજાબી રેસ્ટોરન્ટની વાત થઈ, તમારે ઑથેન્ટિક પંજાબી જમવું હોય તો અંધેરી લોખંડવાલા, કામધેનુ સેન્ટરમાં આવેલી નાનકડી રેસ્ટોરન્ટ ગુરુ દા ઢાબામાં જવું પડશે. અહીં એસી નથી, લાકડાની બેન્ચ અને ટેબલ છે. સુંદર ડેકોરેશન નથી, પણ અહીં આજના જમાનામાંય ફક્ત બસોથી ત્રણસો રૂપિયામાં પેટ ભરીને બેથી ત્રણ જણ જમી શકે. નવાઈ લાગીને? જોકે તરત જ તમને સવાલ થશે તો ખાવાનું કેવું હશે? આંગળાં ચાટી જાઓ એવું. ઇન્દ્રજિત સિંહ ઢાબાના માલિક પહેલાં રિક્ષા ચલાવતા હતા, પણ તેમને પત્ની રંજિત આનંદ કૌર સાથે મળીને ઘર જેવું સસ્તું જમવાનું પીરસવાનો વિચાર આવ્યો અને લગભગ ૧૯૯૪ની સાલમાં ગુરુ દા ઢાબાનો જન્મ થયો. એ સમયે લોખંડવાલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આ ગુરુ દા ઢાબા હતું, પણ કોઈક કારણસર તેઓ કામધેનુ સેન્ટરના પહેલા માળ પર શિફ્ટ થયા છે. પહેલા માળે તમે ગુરુ દા ઢાબામાં દાખલ થાઓ તો આટલી સાદી હોટેલ જોઈને ખચકાટ થાય, જમવાનું માંડી વાળવાનુંય મન થાય; પણ અચકાયા વિના જમવાનું ચોક્કસ ખાજો. તાજું બનાવેલું ભોજન જમીને સંતોષ જરૂર થશે.

આજે તો ઇન્દ્રજિત સિંહની ઉંમર થઈ એટલે તેઓ ફક્ત ત્યાં બેસીને દેખરેખ રાખે છે. અહીંની ખાસિયત છે તેમનો પંજાબી મસાલો, જે તેમનો ખાસ છે. બાકીનું કામ તેમના દીકરાની વહુ પરમિત સંભાળે છે. સવારે અગિયારેક વાગ્યાથી લઈને બપોરે ત્રણ અને રાતના સાતથી રાતના દસ વાગ્યા સુધી જ ખુલ્લી રહેતી આ ગુરુ દા ઢાબામાં ડિઝર્ટ નહીં મળે. ફક્ત શાક, રોટી, ભાત, દાળ, સૅલડ, રાઈતું અને છાશ જ મળશે. અને હા, તેમની અધકચરી કૂટેલી કોથમીર-ફુદીનાની ચટણી દરેક ટેબલ પર મફતમાં જ પીરસાય છે. આ ચટણી હાથે પથ્થર પર પીસાયેલી હોવાને લીધે એનો સ્વાદ અને સુગંધ અલગ જ હોય છે. છાશ એકદમ ગાઢી નથી, પણ મોળી, ગરમીમાં તાજગી અને ઠંડકનો અહેસાસ કરાવે છે. સૌ પહેલાં તો ઢાબામાં દાખલ થતાં વેંત તમને વેઇટરો જોવા નહીં મળે. પરમિત કે પછી તેમને ત્યાં કામ કરતા માણસો તમારી પાસેથી ઑર્ડર લઈ જશે. શું ખાશો એ પૂછશે. કુલ છએક ટેબલ ધરાવતી આ નાનકડી રેસ્ટોરન્ટમાં એક સમય હતો કે લંચ કે ડિનરના સમયે એકપણ ટેબલ ખાલી મળતું નહીં. પણ પહેલા માળે હોવાથી હવે જગ્યા મળી રહે છે. અનેક ફિલ્મ અને ટીવી સ્ટાર પહેલાં અહીં જમવા આવતા. આર. માધવન સ્ટ્રગલર હતો ત્યારથી આવતો, પણ હવે હોમ ડિલિવરી ઍપથી આ લોકો જમવાનું ઘરે જ મગાવી લે છે.

ગુરુ દા ઢાબામાં દાખલ થતાં જ સામે રંજિત કૌરનો ફોટો લગાવેલો દેખાશે. સાદા કાગળ પર પ્રિન્ટ કરેલા મેનુમાં લગભગ ચાલીસેક જાતનાં શાક, ૧૪ જાતની દાળ, આઠેક જાતનાં પરાઠાં, દસ જાતના રાઇસ, પાંચેક જાતનાં રાઈતાં અને છાશ, લસ્સી, સૅલડમાંથી તમારે પસંદ કરવાનું રહે છે. તમે ઇચ્છો તો થાળી પણ મગાવી શકો જેમાં બે શાક, ત્રણ રોટલી, રાઇસ, દાલ અને છાશ પીરસવામાં આવે છે. થાળીનો ભાવ ૧૫૦ રૂપિયા છે તો શાક ૧૦૦ રૂપિયાથી ૧૪૦ રૂપિયા પર પ્લેટ, દાલ અને રાઇસ પણ એ જ ભાવ, રોટી ફક્ત પાંચ રૂપિયા અને પરાઠાં ૪૦થી દોઢસો રૂપિયા પ્લેટ. માનવામાં આવે એવું નથીને? અમને પણ નવાઈ લાગી હતી.

અહીં અમે અરબીનું (બટાટા જેવા કંદમૂળનું શાક) શાક, કારેલાનું શાક, પાલક-પનીર, રાજમા, પનીર ભુરજી અને રાજારાની દાળનો ઑર્ડર આપીએ છીએ. જમવાનું થોડી જ વારમાં હાજર થાય છે. શાકમાં તેલનું નામનિશાન નથી. લાલપીળી ગ્રેવી પણ નથી. રોટી પણ ઘી વગરની મળે. કારેલાનું શાક અહીં ચોક્કસ ખાજો. નવાઈ લાગે કે સ્વાદમાં કારેલાં જરાય કડવાં નથી લાગતાં. કારેલાં જ છેને એવી શંકા પણ થાય. કારેલાંની કડવાશ કેમ નથી એનો જવાબ તમને અહીં મળતો નથી. ટ્રેડ સીક્રેટ. આ કારેલાં બે વાર સાંતળવામાં આવે છે એટલું જ જાણવા મળે છે. સાંતળવામાં તેલનો જ ઉપયોગ થાય, પણ છતાં તેલવાળાં હાથ નથી થતા. તાજા પીસાયેલા કાળા જેવા લાગતા મસાલાનું આવરણ લગભગ દરેક શાકમાં જોવા મળે. સ્વાદ એકદમ ઘરનું જમવાનું જમતા હોય તેવો.  ફણગાવેલા મગનું શાક પણ અહીં ચાખવા જેવું છે. એનો સ્વાદ કંઈક હટકે છે. પનીર ભુરજીમાં તાજા પનીર અને એનો ખાસ મસાલાનો સ્વાદ અનુભવી શકાય. મિસ્સી રોટી ટ્રાય કરી શકાય. પંજાબી ઘરોમાં ચણાના લોટમાંથી બનતી મિસ્સી રોટી અલગ સ્વાદની મજા આપે છે. ફૂડી હો તો કંઈક અલગ ચાખવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ.

આ પણ વાંચો : વેકેશનમાં ધાર્મિક પ્રવાસ-પિકનિકની સાથે પ્રખ્યાત વાનગીઓની મોજ માણીએ

ટમૅટો રાઇસ અહીંની સ્પેશ્યલિટી છે.  પંજાબી ઘરોમાં રાતના વધેલા ભાત ઘરે જે રીતે બનાવાય એ જ રીતે અહીં પણ બનાવાય છે, પણ અહીં તાજા ભાતનો ઉપયોગ થાય છે. ભાતને વઘારીને ટમૅટો રાઇસ  બનાવાય છે. પંજાબી દાલ વિશે શબ્દોમાં શું કહીએ? ખાઓ તો જાનો. વળી ખિસ્સાનેય પરવડે એવું  છે. લોખંડવાલા સુધી લાંબા થવાનો વિચાર અઘરો લાગતો હોય તો સાથે શૉપિંગનો પ્લાન કરીને જઈ શકાય. લોખંડવાલામાં શૉપિંગ કરવાનો અનેરો આનંદ હોય છે. કહોને એક જાતની ફૅશન સ્ટ્રીટ જ અહીં દુકાનોમાં જોવા મળે. સસ્તાંથી લઈને બ્રૅન્ડેડ કપડાં, જૂતાં, જ્વેલરી, પર્સ, ઘરવખરી વગેરે દરેક વસ્તુ અહીં લેટેસ્ટ ફૅશન પ્રમાણે મળે. તો શૉપિંગ સાથે જમવાનો કે જમવા સાથે શૉપિંગનો કાર્યક્રમ આપમેળે ગોઠવાઈ જશે. એટલે સમય ઝાઝો હોય તો જ પત્ની સાથે લોખંડવાલા જજો. પણ એક વાર ગુરુ દા ઢાબાની મુલાકાત જરૂર લેજો. પણ ફરી ચેતવણી આપી દઉં કે આ હોટેલ ફૅન્સી નથી, ખૂબ જ સામાન્ય દેખાવ ધરાવે છે. પહેલી નજરે ખાવા માટે બેસવાનું અહીં ન પણ ગમે. એ છતાં જેઓ ફૂડી છે અને કંઈક નવો સ્વાદ ટ્રાય કરવો હોય અને ખાસ કરીને કારેલાનું શાક ખાવા માટે અહીં જ જવું પડે.

indian food mumbai food